08 July, 2025 07:03 AM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
થોડા સમય પહેલાં એક ભાઈ મળવા આવ્યા. ભાઈનો પ્રશ્ન સેન્સેટિવ હતો. તેમનું કહેવું હતું કે છેલ્લા થોડા મહિનાઓથી તેમને સેક્સ માટે ઇચ્છા નથી થતી. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે જો આવું કોઈની પણ સાથે થાય તો એમાં કશી નવી વાત નથી. ટેન્શન, સ્ટ્રેસ કે થાકને કારણે સેક્સ માટે ઇચ્છા ન થવી એ બહુ સામાન્ય વાત છે. એમાં ગભરાવાની જરૂર નથી કે તમને કોઈ શારીરિક તકલીફ નડી રહી છે. આજની ફાસ્ટ લાઇફમાં આ પ્રકારનો પ્રશ્ન બીજા પણ અનેક મુદ્દા સાથે ઊભો થઈ શકે છે એટલે લાઇફને સેટલ થયેલી રાખવી બહુ જરૂરી છે. સેક્સની ઇચ્છા ન થવા પાછળ ફૂડ પણ એટલું જ કારણભૂત છે. જન્ક-ફૂડ લીધા પછી સામાન્ય સંજોગોમાં આ પ્રકારની અનિચ્છા થતી હોવાનું પણ હવે વધ્યું છે. ઍનીવે, આપણે આવીએ મળવા આવેલા પેલા ભાઈની વાત પર.
તે ભાઈએ આવીને વાત કરી અને કહ્યું કે તેમને લગભગ પાંચેક મહિના સેક્સ માટે કોઈ ઇચ્છા થતી નહોતી. પરિણામે તેમણે શરૂઆતમાં ઘરગથ્થુ કે પછી કહો કે ઊંટવૈદું ગણાય એવા રસ્તાઓ અપનાવ્યા. એમાં તેમના હાથમાં આવ્યું જપાની તેલ.
તે ભાઈનું કહેવું હતું કે જપાની તેલના વપરાશ પછી તેમને ઇચ્છા થવી ફરી શરૂ થઈ છે. તેમનો પ્રશ્ન એ હતો કે જપાની તેલનો વધુ માત્રામાં ઉપયોગ કરવાથી કોઈ આડઅસર થાય કે નહીં? મને કહેવાનું મન થયું કે આવું કોઈ જપાની તેલ અસરકારક હોતું નથી, પણ તેમને સકારાત્મક અસર જોવા મળી હતી એટલે નાહકનો અવિશ્વાસ મનમાં ઘુસાડવાને બદલે એ વિશે થોડી શાંતિ રાખી અને ધીમે-ધીમે એનો વપરાશ ઘટાડતા જવા વિશે કહ્યું. એક મહિના પછી તે ભાઈ ફરી મળવા આવ્યા. તેણે તેલનો વપરાશ ઘટાડી દીધો હતો, પણ તે મહાશયને કોઈ આયુર્વેદની ગોળી આપવામાં આવી હતી જે લીધા પછી તેમને ખાસ્સોએવો ફરક દેખાતો હતો અને ઇન્ટિમેટ રિલેશન માટે ઇચ્છા જાગવા માંડી હતી.
એ જે દવા હતી એ જનરલ ફિઝિશ્યન આપે એ પ્રકારની જેમ્સ જેવી ગોળીઓ હતી, કોઈ પ્રિસ્ક્રાઇબ મેડિસિન નહોતી. એક ટૅબ્લેટ રાખી લીધા પછી એ ટૅબ્લેટ લૅબોરેટરીમાં ચેક કરાવી તો ખબર પડી કે એમાં એડિબલ કૅલ્શિયમ (ખાવાનો ચૂનો કહેવાય એ) સિવાય બીજું કોઈ કેમિકલ નહોતું કે ન તો એમાં આયુર્વેદનું અન્ય કોઈ ચૂર્ણ કે ભષ્મ વાપરવામાં આવી હતી.
ઇન્ટિમેટ થવું એ શરીરનો નહીં, મનનો વિષય છે. જો મન ન હોય તો વાયગ્રા આપ્યા પછી પણ વ્યક્તિને ઇચ્છા ન થાય એવું બની શકે છે અને જો ઇચ્છા થઈ હોય તો એડિબલ કૅલ્શિયમ પણ શરીરમાં ઝણઝણાટી પ્રસરાવી શકે છે. શક્ય હોય ત્યાં સુધી આવું ઊંટવૈદું કરવાને બદલે ફૅમિલી ફિઝિશ્યનને મળી લેવું હિતાવહ છે.