પોતે સુધરે તે જ બીજાને સુધારી શકે

11 August, 2025 02:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જે. કૃષ્ણમૂર્તિએ એક વાર કહેલું કે તમે તમારા ઉપરીનાં સ્વાર્થ માટે વખાણ કરો અને નોકરને ધમકાવ્યા જ કરો. ઘરનાને ધમકાવીને ફફડાવો અને પોલીસવાળા પાસે ધ્રૂજો.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

આજે લોકો બીજાને સુધારવાની વાતો કરે છે, પણ પોતે સુધરે તે જ બીજાને સુધારી શકે. પોતે જો સુધરે તો સામેની વ્યક્તિ સુધરી જવાની શક્યતા વધી જાય છે. તમે બીજાને સુધારવા માટે આ દુનિયામાં નથી આવ્યા. તમે કર્મના સકંજામાંથી છૂટવા આવ્યા છો. કોઈ કોઈને સુધારી શકતું નથી.

જે. કૃષ્ણમૂર્તિએ એક વાર કહેલું કે તમે તમારા ઉપરીનાં સ્વાર્થ માટે વખાણ કરો અને નોકરને ધમકાવ્યા જ કરો. ઘરનાને ધમકાવીને ફફડાવો અને પોલીસવાળા પાસે ધ્રૂજો. પતિ-પત્નીના વ્યવહારમાં મોટા ભાગે પુરુષ પત્નીની ભૂલો કાઢતો રહે છે. છોકરાઓ પણ પાંચ-સાત વરસના થાય ત્યાં સુધી જ તેમને સુધારવાની કોશિશ કરવાની હોય. ૨૦ વરસનો જુવાન થાય પછી તેને વારંવાર સલાહ આપવાની ન હોય અને ભૂલ બતાડવાની ન હોય. જે દિવસથી સંતાનો સાથે કચકચ કરવાનું બંધ કરશો એ દિવસથી છોકરાઓ સુધરશે.

દરરોજના વ્યવહારમાં જમતી વખતે મૌન રાખવાની સલાહ સંતો-મહાત્માઓ આપી ગયા છે. શાકમાં મીઠું વધારે પડ્યું હોય ત્યારે ખાઈ લેવું એ ધર્મ અને ‘ખારું બનાવ્યું, આવું કેમ થયું?’ આવું કહીએ એનું નામ કર્મ. ઘરમાં જ સુખેથી ઍડ્જસ્ટમેન્ટ કરતા રહેવું પડે છે. ઘરમાં પોતાનો મત દર્શાવવાનો અધિકાર સૌનો, પણ કકળાટ વધે નહીં એ રીતે પોતાની વાતની રજૂઆત કરતાં આવડવું જોઈએ. કર્મના ઉદયથી નાના-મોટા ઝઘડાઓ દરેક કુટુંબમાં થતા રહે છે, પણ જીભથી અવળું બોલવાનું આપણે બંધ કરી શકીએ છીએ. ભૂલ થઈ હોય ત્યારે પોતાનો જ દોષ છે એમ તમે જ્યાં સુધી સ્વીકારતા નથી ત્યાં સુધી મુક્તિ કે મોક્ષ દૂર ને દૂર જ રહેશે.

ત્રીસેક વરસ પહેલાં એક અંગ્રેજી પુસ્તક પ્રગટ થયું હતું, ‘આઇ ઍમ ઓકે, યુ આર ઓકે.’ આ પુસ્તકમાંનાં થોડાંક વાક્યો જુઓ... ‘આ ક્ષણમાં જીવો... મહોરાં ફગાવી દો... પોતાની લાગણીઓને મુક્ત મને વ્યક્ત કરો... પ્રવાહની સાથે તરો... જાતને વહેવા દો... છૂટથી મન મૂકીને આલિંગન આપો... (રજનીશજીના આશ્રમમાં આવું દૃશ્ય જોયું છે) આવી શિખામણો સ્વવિકાસનાં અનેક પુસ્તકોમાં જોવા મળશે.

આજે જરૂર છે મૌન અને મીંઢાપણાને જાકારો આપવાની, પરસ્પર સંવાદ વધારવાની, વિચારોની આપ-લે કરવાની. પતિ-પત્ની કે મા-બાપ-સંતાનો સાથે નિખાલસતાથી વાર્તાલાપ નથી કરી શકતા ત્યારે સંઘર્ષ ઊભા થતા રહે છે અને સંબંધો બગડવાની શરૂઆત થાય છે. ઘણાં દામ્પત્યજીવનમાં વધુ પડતી સચ્ચાઈ પણ ક્યારેક છૂટાછેડાનું કારણ બની જતું હોય છે. ઘણું લખાઈ ગયું. સારાં પુસ્તકોનું વાંચન કરો, મોક્ષ તો પછીની વાત છે.

-હેમંત ઠક્કર

columnists Sociology gujarati mid day mumbai relationships life and style