17 March, 2025 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજના સમાજના જુદા-જુદા સ્તરનાં કુટુંબો તરફ નજર કરી જુઓ. કુટુંબના સભ્યોના ભીતરને સહેજ સ્પર્શી જુઓ. મા-બાપની ફરિયાદ હશે કે આટલા જતન કરીને બાળકો ઉછેર્યાં પણ દીકરા-દીકરીઓને સાંજના સમયે પણ મા-બાપ સાથે વાત કરવાની ફુરસદ નથી. નવી પેઢીને પૂછીશું તો કહેશે કે વાત કરવાનો ઉમળકો હોય છે, પણ ઑફિસના કામમાં જ એટલા વ્યસ્ત હોઈએ છીએ કે મા-બાપ સાથે નિરાંતે વાત કરવાનો સમય જ રહેતો નથી. પતિ-પત્ની એકમેક સાથે એક જ છત નીચે શ્વાસ લે છે. એમાં સહવાસ હોય છે, પણ સહજીવન કેટલું? એક જ કુટુંબમાં ભાઈ ભાઈની કે બહેન બહેનની કે ભાઈ-બહેન એકમેકની ઈર્ષ્યા કરતાં જોવા મળે છે. એકમેકના કુટુંબમાં કોઈ સારો પ્રસંગ હોય તો વાંકું બોલીને કે વિચિત્ર રીતે વર્તીને, ટૂંકમાં સામા માણસને દુખી કરીને સારામાં સારો પ્રસંગ બગાડતા હોય છે. માણસ પારકાને પીડવાની વૃત્તિમાં (આવી વ્યક્તિઓ માટે પોતાના સિવાય બીજા હોય એ પારકા હોય છે) એક જાતનો આનંદ મેળવતો હોય છે.
મોટા ભાગે માણસ બીજાની નિષ્ફળતાની અને પોતાની સફળતાની વાતો ઘૂંટતો રહેતો હોય છે. પોતે સામી વ્યક્તિને કેવો જડબાતોડ જવાબ આપ્યો અને પાઠ ભણાવ્યો એનાં બ્યુગલ વગાડતો રહે છે. જ્યારે આ પ્રકારના આભાસી સુખની કિકિયારીઓ પ્રલંબાતી રહે છે ત્યારે કોઈકની આંખમાં આંસુ ઘવાયેલા સૈનિકની જેમ લોથપોથ પડ્યું રહેતું હોય છે. કુટુંબની ચાર દીવાલોની બહાર નીકળો તો ઑફિસમાં પણ ઈર્ષ્યા, બીજાને ઉતારી પાડવાની વૃત્તિ, સામા માણસની ભૂલ શોધી કાઢવાની આતુરતા, ભૂલ શોધ્યા પછી કાગનો વાઘ કરીને સામો માણસ કાર્યક્ષમતામાં કેટલો ઓછો ઊતરે છે એની ચોળીને ચીકણું કરે એવી ચર્ચાઓ. જો સામો માણસ માનસિક રીતે ઘવાયો છે તો પોતાનો હેતુ પૂર્ણ થયો છે એનો આનંદ... આવાં કુરુક્ષેત્રો ઇતિહાસમાં નોંધાતાં નથી.
સુખ અને દુઃખથી પર થવું એ તો તત્ત્વજ્ઞાનની વાત છે. એ જો થઈ શકે તો મનુષ્ય જેટલું કોઈ સુખી હોત નહીં. પણ સ્થિતપ્રજ્ઞ યોગ કોઈ વિરલા પુરુષને મળે છે. સુખ અને દુઃખની વચ્ચે અટવાયા કરતા સામાન્ય મનુષ્યો માટે તત્ત્વજ્ઞાનનું આકાશ કાયમ ઊઘડતું નથી હોતું. આવા સમયમાં મનની શાંતિ માટે હરીન્દ્ર દવેની પંક્તિઓ યાદ રાખવી, ‘કોઈનો પણ સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી. આપણી અપેક્ષાઓ વધારે હોય છે.’ કોઈનો સ્નેહ કદાચ ઓછો થઈ પણ જાય તો પણ તમે એને વધારી શકવાના નથી કે એ માણસને તમે સુધારી શકવાના નથી. એટલે વાસ્તવિકતાનો સ્વીકાર કરી વર્તમાનમાં આનંદથી જીવતાં શીખો. છિદ્રાન્વેષી (સતત બીજાનો દોષ જોનાર) વ્યક્તિઓથી દૂર રહેવાથી જ મનની શાંતિ મળતી હોય છે. -હેમંત ઠક્કર