પેરન્ટ્સ મને કોઈ વાતનું પ્રોત્સાહન નથી આપતા

23 July, 2021 12:36 PM IST  |  Mumbai | Sejal Patel

જીવનમાં સરખામણી ન કરવી જોઈએ પણ થઈ જાય તો શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

જીવનમાં સરખામણી ન કરવી જોઈએ પણ થઈ જાય તો શું કરવું? પહેલાં તો મારા ઘરમાં બધા મને તું નાનો છે એમ કહીને અવણગતા રહેતા અને હવે ૧૫ વર્ષનો થયો ત્યારે મને મારી મોટી બહેન જેવા થવાનું કહે છે. મોટી બહેન પાંચ વર્ષ મોટી છે અને ભણવા ઉપરાંત આર્ટ અને ક્રાફ્ટમાં પણ બહુ પાવરધી છે અને છેલ્લા એક વર્ષમાં મારા જ પપ્પાએ તેને ખૂબ પ્રોત્સાહન આપ્યું. સિસ્ટરને નહોતું લાગતું છતાં તેનામાં વિશ્વાસ મૂક્યો અને તેને મદદ કરી. મારાં પપ્પા કે મમ્મીએ મારી અંદરની કોઈ ચીજને આવી રીતે બિરદાવી નથી. ઇન ફૅક્ટ, તેઓ મને ટોકતા રહે છે કે મારે શોધવું જોઈએ કે મને કયા ક્ષેત્રમાં રસ પડે છે. ક્યારેક થાય છે કે તેમને મારામાં કશું નથી દેખાતું?

યસ, હું આજે પણ કહીશ કે કમ્પેરિઝન ન જ કરવી જોઈએ. સરખામણી એક એવું ઝેર છે જે ન તો તમને ચેનથી જંપવા દે છે, ન વિકાસ માટે મહેનત કરવાનું મનોબળ આપે છે. આપણે સામેવાળાને કેટલા માનપાન મળી ગયાં અને તેણે કેટલું સારું કર્યું એવું વિચારવામાં આપણે શું સારું કરી શકીએ એમ છીએ એ જોવાનું ભૂલી જઈએ છીએ. અત્યારે પણ તમારા મનમાં બહેનને જીવનની દિશા મળી અને તમને તમારી અંદરની ટેલન્ટ નથી મળતી એનું બળ્યા કરે છે. એમાં તમે તો પાછું તમારા પપ્પાએ બહેનની પ્રતિભાને શોધવામાં અને ખીલવવામાં પ્રોત્સાહક કામ કર્યું એ વાતને પૉઝિટિવલી લેવાને બદલે પપ્પાએ તમને મદદ નથી કરી એ વાતે જીવ બાળો છો. આ બળતરા રહેશે ત્યાં સુધી તમે સ્વસ્થતા સાથે નહીં વિચારી શકો. ક્રીએટિવિટી અને ઍપ્ટિટ્યૂડ શું છે એ સમજવા માટે કમ્પેરિઝનના પિંજરામાંથી બહાર આવવું જરૂરી છે.

તમારા અને બહેન વચ્ચેનો એજ ડિફરન્સ પાંચ વર્ષનો છે. આ તેની ઉંમર છે જીવનની દિશા પકડીને એ મુજબ આગળ વધવાની. તમે પણ ધીરજ રાખો. તમને જે કરવાનું ગમતું હોય એ એક્સપ્લોર કરો. ટેલન્ટ અને જીવનની દિશા માટે ઘાંઘા થવાથી કંઈ નથી મળતું. એ માટે ધીરજની જરૂર છે. અને હા, પેરન્ટ્સ પર અવિશ્વાસ ન કરશો. જેવું તમને પોતાને સમજાવા લાગશે કે તમને શામાં રસ પડી રહ્યો છે એવું તમારા પેરન્ટ્સ પણ તમને જરૂર એન્કરેજ કરશે.

sex and relationships sejal patel