દોઢ વર્ષમાં જ બૉયફ્રેન્ડ સાવ બદલાઈ ગયો છે

15 March, 2024 07:33 AM IST  |  Mumbai | Sejal Patel

આ બાબતે વધુ ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ કરવાને બદલે તમે પણ કરીઅર પર ફોકસ કરો.

પ્રતીકાત્મક તસવીર

કૉલેજના સેકન્ડ યરમાં ભણું છું. મારે બૉયફ્રેન્ડ છે એની ખબર મમ્મી-પપ્પાને છે. મારો બૉયફ્રેન્ડ એક-બે વાર ઘરે પણ આવી ચૂક્યો છે. અમારી ઑફિશ્યલ રિલેશનશિપને હવે તો દોઢેક વર્ષ થશે, પણ મને એવું લાગે છે કે તેને મારામાંથી રસ ઘટી ગયો છે. તે ન તો મારા ઘરે આવવાનું પસંદ કરે છે, ન મને તેના ઘરે બોલાવે છે. સોશ્યલ મીડિયામાં પણ તે મારી કોઈ પોસ્ટને બને ત્યાં સુધી કમેન્ટ કરવાનું ટાળે છે. હા, અમે બન્ને એકલા હોઈએ ત્યારે તે લવી-ડવી વાતો કરતો હોય છે. હું ઇચ્છું છું કે તે મને હંમેશાં બધાની સામે પણ એ જ રીતે ટ્રીટ કરે, પણ તે કહે છે કે બીજાની સામે તેને શરમ આવે છે. મને શક એટલા માટે જાય છે કેમ કે જ્યારે અમારી રિલેશનશિપ ઑફિશ્યલ નહોતી ત્યારે આના કરતાં વધુ રોમૅન્ટિક અને એક્સપ્રેસિવ હતો. છેલ્લા છ મહિનામાં જ તેનું વર્તન સાવ બદલાઈ ગયું છે. તે કહે છે કે હવે આપણે મોટાં થયાં, પહેલાં કરીઅરનું વિચારીએ અને પછી સંબંધને મહત્ત્વ આપીશું. આવામાં મારે શું માનવું?  

 પ્રેમ કરીએ ત્યારે એવું લાગતું હોય છે કે તમે જેને પ્રેમ કર્યો હતો તે વ્યક્તિ આજે જ નહીં, હંમેશ માટે એવી ને એવી જ રહેશે. જોકે પ્રેમમાં જ નહીં, જીવનમાં કોઈ પણ સંબંધમાં એવું નથી હોતું. સમય અને સંજોગો સાથે વ્યક્તિ બદલાતી હોય છે, તેનો વ્યવહાર બદલાતો હોય છે. હું કહીશ કે એ બદલાય એમાં કશું જ ખોટું પણ નથી. સમય અને પરિસ્થિતિની માગ મુજબ વર્તવામાં જ શાણપણ છે. પહેલી વાર પ્રેમના એકરાર વખતે કોઈએ જે રીઍક્ટ કર્યું હોય એવું જ રીઍક્શન કોઈ વ્યક્તિ ત્રણ વર્ષ પછીની મુલાકાતમાં પણ આપે એ સંભવ નથી. સમય સાથે પ્રેમમાં પણ થોડીક પરિપક્વતા આવે એ સ્વાભાવિક છે. 

જોકે તમારા સંબંધને હજી દોઢ જ વર્ષ થયું છે. એવામાં તે અચાનક જ કરીઅર માટે સજાગ થઈને ગંભીર થઈ ગયો હોય તો સહેજ વિચારવા જેવું ખરું. અલબત્ત, મને લાગે છે કે આ સમયે તમે વધુ પઝેસિવ અને ડિમાન્ડિંગ થવાને બદલે જેવો પ્રવાહ છે એની સાથે વહો. આ બાબતે વધુ ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ કરવાને બદલે તમે પણ કરીઅર પર ફોકસ કરો. થોડા જ સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જો તમે પણ આ વાતે ડિસ્ટર્બ થવાને બદલે કરીઅર સેટ કરવા પર ધ્યાન આપ્યું હશે તો તમને પણ ઓછી તકલીફ થશે.

sex and relationships columnists life and style sejal patel