મને ખરેખર પ્રેમ થયો છે કે નહીં એ જ સમજાતું નથી

17 September, 2021 07:00 PM IST  |  Mumbai | Sejal Patel

પ્રેમમાં પડવું એ અનાયાસ ઘટના છે. એમાં પડવાનો પ્રયત્ન ન હોય

પ્રતીકાત્મક તસવીર

હું જસ્ટ ગ્રૅજ્યુએશન પૂરું કરીશ. અત્યાર સુધીમાં મારા બે બ્રેક-અપ થઈ ચૂક્યાં છે. જોકે મારા ફ્રેન્ડ્સની જેમ બ્રેક-અપ વખતે હું દેવદાસ નહોતો બની ગયો. મારા દોસ્તારો મને કહે છે કે મારામાં કોઈ ફીલિંગ્સ જ નથી. ફિલ્મોમાં જેમ પ્રેમ થાય તો હવા ફૂંકાવા લાગે અને સપનામાં સરી પડાય એવી કોઈ જ અનુભૂતિ મને ક્યારેય થઈ નથી. હા, મને પહેલી ગર્લફ્રેન્ડ સાથે જ્યારે થોડીક ઇન્ટિમસી ક્રીએટ થયેલી ત્યારે અજીબ ફીલિંગ થયેલી. મારા દોસ્તોનું કહેવું છે કે મને કદી પ્રેમ થયો જ નથી. મને હમણાં એક કૉમન ફ્રેન્ડ સાથે સારું બની રહ્યું છે. તેની સાથે હું ત્રણેક વાર કૉફી ડેટ પર પણ ગયો છું, પણ મને લવ ફીવર જેવું કંઈ નથી થતું. પ્રેમમાં પડવાની ફીલિંગ ખરેખર જુદી હોય? જે મને કદી અનુભવાઈ નથી? મારામાં કંઈ ખામી છે? જ્યારે મારી ગર્લફ્રેન્ડ્સ હતી ત્યારે તો તેઓ મને મોસ્ટ રૉમેન્ટિક બૉયફ્રેન્ડ માનતી હતી. જોકે મને કોઈ માટે પ્રેમ નથી ફીલ થતો. 

પ્રેમમાં પડવું એ અનાયાસ ઘટના છે. એમાં પડવાનો પ્રયત્ન ન હોય. પ્રેમમાં પડવાથી શું થાય એની કોઈ સાયન્ટિફિક ફૉર્મ્યુલા પણ નથી હોતી. તમે જો ફિલ્મોમાં દેખાડાય છે એવી ટાઇપની ફીલિંગ્સની શોધ તમારી અંદર કરશો તો એ મૃગજળના ઝાંઝવા જેવું થશે. પ્રેમ અને એ સહજતાથી પેદા થતી ફીલિંગ છે. જો કોઈના માટે ખાસ ફીલ ન થતું હોય તો પરાણે ખાસ ફીલ કરવાની કોશિશ ન કરાય. ક્યાંક તમે વિજાતીય આકર્ષણને પ્રેમ માની બેસો છો એવું નથીને? 
ઇન ફૅક્ટ, મને એવું લાગે છે કે પ્રેમ કેવો હોય, એમાં શું થાય કે ન થાય, બ્રેક-અપ થાય તો શું થાય એ બાબતે બહુ વિચારવાની જરૂર નથી. જસ્ટ ગો વિથ ધ ફ્લો. કોઈનાય માટે ફિલ્મી પ્રેમ જેવી ફીલિંગ નથી અનુભવાતી તો ચિંતાની જરૂર નથી. તમે હજી જસ્ટ વીસ જ વર્ષના છો. પ્રેમમાં હમણાં જ નહીં પડાય તો કંઈ મોડું નથી થઈ જવાનું. કોઈની સાથે કૉફી પીવા જવાના સંબંધો બંધાય એટલે તમે એમાં પ્રેમની ફીલિંગ ખોળવા લાગો એવું પણ જરૂરી નથી. ગર્લફ્રેન્ડ સાથે બ્રેક-અપ થાય અને તમને એનું કોઈ દુખ ન અનુભવાય એ બતાવે છે કે તમારા સંબંધો ઉપરછલ્લા જ હતા. પ્રેમ થાય ત્યારે તમને સામેવાળી વ્યક્તિ માટે કંઈક સારું કરવાનું મન થાય. 

sejal patel columnists sex and relationships