21 June, 2025 07:25 AM IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
જેણે કોઈ મહાન કાર્ય કરવું હોય તેણે અપરિણીત રહેવું હિતાવહ છે. આ વાત સાચી, પણ એનો અર્થ એવો નથી કે આ આદર્શ બધાને લાગુ પડે. તાવની એક ગોળી બધાના શરીર પર સરખી અસર કરે એવું આ સિદ્ધાંતમાં નથી. આપણે યાદ રાખવું જોઈએ કે એક પણ બ્રહ્મચારી પેદા કર્યા વિના ઇસ્લામ ધર્મ માત્ર ગૃહસ્થો દ્વારા જ વિશ્વભરમાં ફેલાઈ ગયો છે. મુસ્લિમો જ્યાં ગયા ત્યાંની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં, લોકોને પત્નીત્યાગ કે સ્ત્રીત્યાગ ન શિખવાડ્યું, પણ વધુ પત્નીઓ કરવાનું શિખવાડ્યું. આના કારણે ન તો શારીરિક કે ન તો માનસિક રીતે તેઓ દુર્બળ થયા. આવું કરવાની પ્રેરણા આપવાની વાત નથી પણ કોઈ કરી રહ્યું છે એ જોઈને વાત સમજાવવાનો હેતુ છે.
નર-નારીની જોડી ભગવાને બનાવી છે, જે એકબીજાની પૂરક થાય અને બન્નેનું જીવન સુખી થાય એવી વ્યવસ્થા ઈશ્વરે જ ઊભી કરી છે. સ્ત્રી-પુરુષના સંબંધોને વધુ સુદૃઢ તથા કલ્યાણકારી બનાવવા ધર્મ દ્વારા જ લગ્નસંસ્થાની રચના થઈ છે. લગ્નસંસ્થા દ્વારા માણસો સ્ત્રી-પુરુષોનાં ઘણાં દૂષણોથી બચી શકે છે. જેમ કે પશુ-પક્ષીઓમાં લગભગ લગ્નસંસ્થા નથી હોતી એટલે એમનો નર-માદાનો સંબંધ મોટા ભાગે સેક્સ પૂરતો જ હોય છે. બાળઉછેરની પૂરી જવાબદારી માદાની હોય છે અને એક માદા માટે કેટલાક નર લડી મરતા હોય છે તો કેટલીક વાર એક નર માટે કેટલીયે માદાઓ પણ લડી મરતી હોય છે.
જો લગ્નસંસ્થા ન સ્થપાઈ હોત તો સ્ત્રી-પુરુષોની સ્થિતિ પશુ-પક્ષીઓ કરતાં પણ વધુ ભયંકર હોત, કારણ કે પુરુષો પાસે લડવાની અનેકગણી ક્ષમતા છે. લગ્નસંસ્થા વિનાના લોકો પોતાની બધી શક્તિ લડવામાં ખર્ચી ન નાખે એટલે લગ્નસંસ્થા જરૂરી છે. જો એ જરૂરી હોય તો નરના જીવનમાં નારીનું મહત્ત્વ પણ એટલું જરૂરી બની જાય છે. આવા સમયે નારીત્યાગની વાત બિલકુલ ગેરવાજબી લાગે છે તો એવી જ રીતે લગ્નસંસ્થા વિના સાથે રહેવાની માનસિકતા પણ ગેરવાજબી છે. લગ્નસંસ્થા માટે સાથે રહેવાનું લાઇસન્સ કે બાળકો પેદા કરવાનો પરવાનો નથી પણ એ જવાબદારીનું એક ભાથું પણ છે. જો એ જવાબદારીનું મનથી વહન થતું હોય અને એનું પાલન કરવામાં આવતું હોય તો પણ લગ્નસંસ્થાના વિરોધ સાથે એક થઈને રહેવાની વાત ગળે ઊતરે એવી નથી. એકબીજાને જાણવા સાથે રહેવું જરૂરી છે પણ એ માટે એક પ્રણાલીને હાંસિયા બહાર ધકેલી દેવાની વાત ખોટી છે.