નવાં-નવાં લગ્ન છે, પણ હસબન્ડ તેની મમ્મીની કૅરમાંથી ઊંચા નથી આવતા

07 January, 2022 04:18 PM IST  |  Mumbai | Sejal Patel

દિવસે તે મને બહાર લઈ જાય કે રૂમમાં સાથે હોય ત્યારે પણ તેની વાતમાં મમ્મી જ હોય છે. લાગે છે કે અમારી વચ્ચે લવમૅરેજ થયાં જ નથી. 

પ્રતીકાત્મક તસવીર

 હું હજી માંડ ૨૧ની થઈશ એટલે મારા પેરન્ટ્સનો સપોર્ટ નહોતો. છતાં અમે ભાગીને લગ્ન કર્યાં. તેના પેરન્ટ્સે અમને બહુ સહજતાથી અપનાવી લીધેલાં. જોકે એને કારણે મારા હસબન્ડને પોતાની મમ્મી માટે બહુ સૉફ્ટ કૉર્નર છે. એક મહિના પહેલાં મારાં સાસુને કૅન્સર થયાનું નિદાન થયું છે અને હાલમાં ટ્રીટમેન્ટ ચાલે છે. સમસ્યા એ છે કે મારા હસબન્ડને હવે મમ્મી સિવાય કોઈ દેખાતું જ નથી. તે રાતે પણ મમ્મીના રૂમમાં જ સૂએ છે. મારા સસરા પણ ઉંમરલાયક હોવાથી બહુ કામકાજમાં મદદગાર થાય એમ નથી. હજી લગ્નને પાંચ મહિના થયા છે ત્યારે મને તેની સાથે ટાઇમ સ્પેન્ડ કરવાનું કેટલું મન થતું હશે? તેની સાથે ચોખ્ખી વાત કરી તો કહે છે આપણે દિવસમાં એકાંતનો સમય એન્જૉય કરી લઈશું. દિવસે તે મને બહાર લઈ જાય કે રૂમમાં સાથે હોય ત્યારે પણ તેની વાતમાં મમ્મી જ હોય છે. લાગે છે કે અમારી વચ્ચે લવમૅરેજ થયાં જ નથી. 

એકવીસ વર્ષની ઉંમરે ભાગીને લગ્ન કર્યાં હોય ત્યારે તમારા પતિ પાસેથી તમને રોમૅન્ટિક હોલિડે અને રોમૅન્સની અપેક્ષા હોય એ સ્વાભાવિક છે. તમે નસીબદાર છો કે તમને મનગમતો પરિવાર મળ્યો છે. પણ જીવન હંમેશાં આપણી ઇચ્છા મુજબ નથી ચાલતું. 
કહેવાય છે કે કૅન્સર જેવો રોગ ભગવાન દુશ્મનને પણ ન આપે. આ રોગ જીવનમાં એટલી બધી તકલીફો અને અનિશ્ચિતતાઓ લઈને આવે છે કે દરદી જ નહીં, દરદીનો આખો પરિવાર હલબલી જાય. બની શકે કે તમને સાસુમા સાથે હજી ખાસ અટૅચમેન્ટ નહીં હોય. ન કરે નારાયણ, પણ જસ્ટ વિચારો કે તમારા પોતાના પેરન્ટ્સ આવી સ્થિતિમાં મુકાયા હોય તો તમે શું કરો?
હા, કદાચ તમને એવું લાગતું હશે કે હસબન્ડ તો માવડિયો છે. પણ એવું નથી. તે જવાબદાર દીકરો છે. પ્રિયજન દુખમાં હોય ત્યારે પોતાનું સુખ ભૂલીને તેને મદદ એ જ વ્યક્તિ કરી શકે જે દિલથી ખૂબ કૅરિંગ, રિસ્પોન્સિબલ અને લાગણીશીલ હોય. તમારા હસબન્ડ જે કરે છે એ બતાવે છે કે તમે સેફ છો. જીવનમાં તમે જો કોઈ તકલીફમાં આવશો તો એ તમારી પડખે પણ આટલા જ પ્રેમથી ઊભા રહેશે. 

sejal patel sex and relationships columnists