ફ્રેન્ડ તરફથી લગ્નનું પ્રેશર છે અને મમ્મી હાલમાં ના પાડે છે

12 November, 2021 11:34 AM IST  |  Mumbai | Sejal Patel

છ વર્ષથી મમ્મી સાથે રહું છું. હાલમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશનની તૈયારી ચાલી રહી છે. મારા જ ગ્રુપની એક છોકરી સાથે થોડીક નજદીકી વધી છે. તે મારવાડી હોવાથી તેના ઘરના લોકો લગ્ન માટે પાછળ પડ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

 હું ૨૧ વર્ષનો છું. પપ્પાએ બીજાં લગ્ન કરી લીધાં છે. છ વર્ષથી મમ્મી સાથે રહું છું. હાલમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશનની તૈયારી ચાલી રહી છે. મારા જ ગ્રુપની એક છોકરી સાથે થોડીક નજદીકી વધી છે. તે મારવાડી હોવાથી તેના ઘરના લોકો લગ્ન માટે પાછળ પડ્યા છે. તેણે હજી મારા વિશે ઘરમાં વાત નથી કરી, પણ તેનું કહેવું છે કે જો ઘરમાં વાત કરીશું અને તેઓ ના પાડે તો આપણે ભાગીને લગ્ન કરી લેવાં પડશે. મારી મમ્મીને મેં આડકતરી રીતે લગ્નની વાત કરી તો તેનું કહેવું છે કે હું ભણીને નોકરી કે ધંધામાં સેટલ ન થાઉં ત્યાં સુધી તે કોઈ ઉતાવળ કરવા નથી માગતી. મારી ફ્રેન્ડ તરફથી ખૂબ પ્રેશર છે. તે ઘરે અમારી વાત કરવા માગે છે અને હું તેને ના પાડું છું. સમજાતું નથી કે મારે શું નક્કી કરવું?

એકવીસ વર્ષ એ કંઈ ભાગીને લગ્ન કરી લેવાં જ પડે એવી ઉંમર નથી. તમારી ફ્રેન્ડ કન્ઝર્વેટિવ પરિવારમાંથી આવી હોવાથી કદાચ તેનાં લગ્નની ઉતાવળ થઈ રહી છે, પણ જો તમે તમારું બૅકગ્રાઉન્ડ કન્સીડર કરશો તો સમજાશે કે તમારા માટે માત્ર તમારાં લગ્ન જ મહત્ત્વનાં નથી, તમારી કરીઅર અને તમારી મમ્મીની લાગણીઓ પણ એટલી જ મહત્ત્વની છે. તમે વારંવાર સવાલમાં લખ્યું છે કે તમારી ફ્રેન્ડ બહુ પ્રેશર કરે છે. પણ તમારું મન શું કહે છે એની વાત નથી કરી. શું તમે પણ આ છોકરી સાથે જીવન જીવવા માગો છો? જો એમ હોય તો તમારે તમારી ફ્રેન્ડને સમજાવવી જોઈએ. ઘરનાં લોકો પ્રેશર કરે છે એટલે અત્યારે જ લગ્ન કરી લેવાં એ ઉતાવળિયું પગલું ગણાશે. પરિવાર ના પાડે તો ભાગી જવું એ નાદાનિયત છે. જ્યારે પરિવારને પોતાની વાત સમજાવવી અને જાતે જવાબદાર બનીને લગ્નની જવાબદારી ઊઠાવવી એ પરિપક્વતાની નિશાની છે. જો એકમેકને પ્રેમ કરતા હો તો પરસ્પરને જવાબદારી ઉઠાવવા જેટલા સક્ષમ થવા દો. મમ્મીની વાત વાજબી છે. ભણતર પૂરું થાય અને આર્થિક રીતે સેટલ થાઓ પછી જ તમારે નવી જવાબદારીમાં એન્ટર થવું જોઈએ. ત્યાં સુધીમાં ફ્રેન્ડને પણ પગભર થવાનો સમય મળશે. બીજું, તમારા મનમાં ક્યાંક પણ ભાગી જઈને સમાજ સામે જંગ છેડવાનો વિચાર હોય તો એ પણ સમજી લેજો કે એ માટે પણ તમારે આર્થિક પગભરતા તો જોઈશે જ.

columnists sejal patel sex and relationships