PMSને કારણે હૉર્મોન ઇમ્બૅલૅન્સ થાય એ સ્વાભાવિક છે, પણ...

30 June, 2025 01:11 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

PMSને આધીન થવું ગેરવાજબી છે. બહુ ઓછા લોકો એવા મળે કે તે પોતાની વાઇફ કે ગર્લફ્રેન્ડને PMSને કારણે આવતા મૂડ-સ્વિંગ્સને સહજ રીતે સ્વીકારી લે

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

હમણાં એક યંગસ્ટરને મળવાનું થયું. તેનો પ્રશ્ન જરા જૂદો હતો. વાત કરતાં તેણે રજૂઆત કરી અને કહ્યું કે તેની વાઇફનો સ્વભાવ PMSને કારણે અતિ ચિડિયો થઈ જાય છે. એ વખતે તે શું કરે છે, કોની સાથે કેવી રીતે વર્તે છે એની તેને સભાનતા રહેતી નથી; જેને લીધે ફૅમિલી વચ્ચે જે પ્રેમભાવ હોય એ પણ ડોહળાઈ જાય છે. વાત કરતાં એ યંગસ્ટર થોડો ઇમોશનલ પણ થયો. તેની દલીલ હતી કે હું મારી વાઇફના આ સિન્ડ્રૉમને સમજી શકું પણ જરૂરી નથી કે મારા ફૅમિલી મેમ્બર્સ કે પછી બીજા લોકો પણ એ સિન્ડ્રૉમને માન આપે અને PMS સમયે મારી વાઇફના વર્તનને હળવાશથી લઈને ભૂલી જાય.

PMS એટલે પ્રી-મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રૉમનો આ જે પ્રશ્ન છે એ છેલ્લાં થોડાં વર્ષોમાં વધ્યો છે. હૉર્મોનમાં આવતા અસંતુલનના કારણે આ પ્રશ્ન ઊભો થાય, જેને લીધે સ્વભાવ અતિશય ચિડિયો થઈ જાય, મૂડ-સ્વિંગ્સ અને ડિપ્રેશનના પ્રશ્નો પણ વધી જાય. આ ઉપરાંત પેટનો, માથાનો દુખાવો પણ જોવા મળે અને સાથોસાથ બ્લડપ્રેશરમાં પણ નોંધનીય ઉતારચડાવ દેખાઈ શકે છે. આ બધી તકલીફોમાંથી પહેલી જે મૂડ-સ્વિંગ્સની તકલીફ છે એ એવી છે કે નરી આંખે કોઈને સમજાય નહીં અને એટલે જ એ ક્યારેક સોશ્યલ લાઇફમાં માણસને તકલીફમાં મૂકવાનું કામ કરી બેસે છે.

PMSને આધીન થવું ગેરવાજબી છે. બહુ ઓછા લોકો એવા મળે કે તે પોતાની વાઇફ કે ગર્લફ્રેન્ડને PMSને કારણે આવતા મૂડ-સ્વિંગ્સને સહજ રીતે સ્વીકારી લે. જો એવું કોઈ તમારી આસપાસ હોય તો ચોક્કસપણે તેની કદર કરવી જોઈએ કારણ કે ઘણી વખત PMSને કારણે બહુ વાહિયાત કહેવાય એવું વર્તન પણ થઈ જતું હોય છે. કહ્યું એમ, PMSને આધીન થવું અને એ મૂડ-સ્વિંગ્સને જીવનનો એક ભાગ ગણી લેવો એ ગેરવાજબી છે. PMSથી છુટકારો મેળવવાનો જરૂરી છે. એ માટે ઍલોપથીમાં અમુક મેડિસિન છે જે પેઇન-રિલીફ માટે લઈ શકાય છે. મૂડ-સ્વિંગ્સને પણ કન્ટ્રોલ કરાવે એવી મેડિસિન પણ હવે આવી છે પણ એને લીધે ઘેનની અસર રહી શકે છે. ઍલોપથીની આ દવાઓ લેવાને બદલે PMSથી બચવાના ઘરગથ્થુ ઉપાયો અપનાવવા જોઈએ.

યોગમાં અમુક આસન સૂચવ્યાં છે જે PMSને કન્ટ્રોલમાં લાવવાનું કામ કરે છે તો PMS દરમ્યાન જન્ક ફૂડ, ચૉકલેટ્સ કે કૉફીનું સેવન સંપૂર્ણ બંધ કરી દેવું જોઈએ. આ ઉપરાંત મૂડ-સ્વિંગ્સમાં પ્રાણાયામ અને મેડિટેશન પણ લાભદાયી રહે છે. ભરપૂર માત્રામાં પાણી પીવામાં આવે તો પણ PMSની આડઅસર ઓછી થાય છે. જો નિયમિતપણે આ બધું કરવામાં આવે તો છ મહિનામાં PMSથી રાહત મળશે.

mental health yoga relationships life and style gujarati mid day mumbai columnists health tips sex and relationships