અફસોસ કે કોઈ વડીલે પૂછવું પડે કે કામેચ્છા મરે એવી દવા આવે ખરી?

13 May, 2025 07:08 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

રિટાયરમેન્ટ આવી ગયું હોય, સંતાનોનાં લગ્નમાંથી પરવારી ગયા હોય અને સંતાનોના ઘરે પણ બાળકો આવી ગયાં હોય એ પછી પણ તેમને સેક્સનું મન થતું હોય

પ્રતીકાત્મક તસવીર

હમણાં બોરીવલીમાં રહેતા એક વડીલનો ફોન આવ્યો. વાત કરવામાં તેમને ખચકાટ થતો હતો, જે સહજ રીતે સમજાતું હતું. એ વડીલને ખુલ્લા મને વાત કરતા કરવામાં જ મારો અડધો કલાક નીકળી ગયો. એ વડીલની ઉંમર ૭૦ વર્ષ હતી. તેમને સંકોચ એ વાતનો હતો કે આ ઉંમરે પણ તેમને સેક્સ માટે મન થતું હતું. તેમણે સંકોચ સાથે એવી દવા માટે પૂછ્યું જે લેવાથી તેમની સેક્સ માટેની ઇચ્છાઓ મરી જાય અને તે ધર્મધ્યાન તરફ વળી શકે. એ વડીલની ગ‌િલ્ટ જોઈને મને તેમની બહુ દયા આવી.

આપણે ત્યાં ઘણા વડીલો એવા છે જેમની આવી માનસિક અવસ્થા છે. રિટાયરમેન્ટ આવી ગયું હોય, સંતાનોનાં લગ્નમાંથી પરવારી ગયા હોય અને સંતાનોના ઘરે પણ બાળકો આવી ગયાં હોય એ પછી પણ તેમને સેક્સનું મન થતું હોય. એક વાત સમજવાની જરૂર છે કે જાતીય આવેગની કોઈ ઉંમર નથી હોતી. એની તીવ્રતામાં ફરક આવી શકે, પણ કાર્યક્ષેત્રમાં રિટાયરમેન્ટ છે એવી રીતે આ ક્ષેત્રનું કોઈ નિશ્ચિત રિટાયરમેન્ટ નથી હોતું. હા, અમુક લાઇફસ્ટાઇલ ડિસીઝની આડઅસરને કારણે આ ઇચ્છા મંદ થઈ શકે પણ એ સંપૂર્ણપણે મરે એવું નથી બનતું. એ વ‌ડી‌લ સાથે વધારે વાત કરતાં ખબર પડી કે એમને ઘરમાંથી અને ખાસ તો વાઇફ તરફથી એવું સતત ટૉન્ટ‌િંગ થયા કરે છે કે આ ઉંમરે પણ જો તમને આવું મન થતું હોય તો તમે પાપી અને દુરાચારી આત્મા છો! એ વડીલે બિચારાએ બહુ પ્રયાસો કર્યા કે તેમના મનમાંથી એ પ્રકારના વિચારો દૂર થાય. તેમને બીજા કોઈ પ્રત્યે વિકાર નહોતો આવતો, એવી કોઈ હરકત પણ તે નહોતા કરતા. બસ, વાઇફ સાથે એકાંત મળે ત્યારે એ એકાંતમાં તે થોડો આનંદ લેવાની હરકત કરતા અને એમાં પણ તેમના મનમાં આ પ્રકારની વાતનું વાવેતર કરી દેવામાં આવ્યું.

તેમણે પ્રયાસપૂર્વક મેડિટેશન પર ધ્યાન આપ્યું. ઉપવાસ-એકટાણાં કરવા માંડ્યા. ગઈ ચૈત્ર નવરા‌િત્ર‌એ તેમણે માત્ર પ્રવાહી સાથે ઉપવાસ કર્યા અને એ પછી પણ તેમના મનમાંથી આ પ્રકારના વિચારો જતા નહોતા. અનેક વડીલો આ પ્રકારની યાતના સહન કરે છે. જીવનસાથીની અણસમજને કારણે તે પોતાને પાપી માનવા સુધી પહોંચી જાય છે, જે ગેરવાજબી છે. તમે તમારા પાર્ટનર સાથે કોઈ પણ ઉંમરે શારીરિક સહવાસ કરો છો તો એ કોઈ દુષ્કર્મ નથી એ વાત દરેકેદરેક વ્યક્તિએ સમજવી જોઈશે નહીં તો ક્યારેક અનર્થ સર્જાશે. જેમ ભૂખ લાગે ત્યારે ખાવાનું મન થાય એ સામાન્ય બાબત છે એવી જ રીતે આ પણ એક સહજ અને સામાન્ય વાત છે.

sex and relationships relationships life and style health tips mental health gujarati mid-day mumbai columnists