23 June, 2025 06:57 AM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
તાજેતરમાં ધ્યાનમાં આવેલા એક અહેવાલ મુજબ એક જાણીતી યુનિવર્સિટીમાં રિલેશનશિપ નામનો વિષય અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવ્યો છે. અર્થાત ક્લાસરૂમમાં ટીચર-પ્રોફેસર વિદ્યાર્થીઓને સંબંધ-રિલેશનશિપ વિશે શિક્ષણ-સમજ-માર્ગદર્શન આપશે. વાત તો નવાઈ લગાડે એવી છે. ક્લાસરૂમમાં રિલેશનશિપ? બાય ધ વે, બદલાતા સમય સાથે અનેક નવી બાબતો આવતી જશે.
વર્તમાન સમય કાતિલ ઝડપ અને ધરખમ પરિવર્તનનો છે, જેમાં માનવ સંબંધોની જટિલતા પણ વધતી જાય છે જે યુવા વર્ગને ભળતી દિશામાં પણ ખેંચતી જાય છે. આજે માતા-પિતા, પતિ-પત્ની, પેરન્ટ્સ-સંતાનો, ભાઈ-ભાઈ, ભાઈ-બહેન, મિત્રો, સગાંસંબંધીઓ, ઑફિસના સહયોગી-સાથીઓ વગેરેમાં રિલેશનશિપ રીડિફાઇન થઈ રહી છે. પ્રેમની વ્યાખ્યા તો એવી બદલાઈ રહી છે જેમાં શૅરબજારની જેમ શૉર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લૉન્ગ ટર્મ અને હા, ક્યાંક નો ટર્મ લવ આકાર પામે છે. અર્થાત્ કેટલાક સંબંધો જીવનમાં બંધન કે જવાબદારી સ્વીકારવા તૈયાર નથી એટલે તેઓ લગ્નને બદલે રિલેશનશિપમાં રહેવાનું પસંદ કરે છે અને બન્નેને અનુકૂળ આવે ત્યાં સુધી સાથે રહે છે.
અલબત્ત, અભ્યાસક્રમમાં આ વિષય દાખલ કરવાનો ઉદ્દેશ ઉત્તમ હોઈ શકે જેમાં રિલેશનશિપ હેઠળ પ્રેમ, લાગણી, સંબંધના ઊંડાણને, મહત્ત્વને, સમાજની સમતુલાને અને જીવનના ખરા પાઠને શીખવી-સમજાવી શકાય. બે વ્યક્તિ હોય કે પરિવાર, તેમની વચ્ચે બૉન્ડિંગ વધે, પરસ્પર સમજ વધે એના પર ધ્યાન કેન્દ્રિત કરાવી શકાય. કેમ કે વાસ્તવ-વ્યવહાર જગતમાં સબંધોની પોકળતા વધી રહી છે. યુવાનો પરિવાર કરતાં બહાર સંબંધો વધુ શોધે છે. ઘણા લોકો ફેસબુક સહિતના સોશયલ મીડિયાના મંચ પર કથિત મિત્રોના ઢગલા ધરાવે છે. શું ખરેખર આ રિલેશન કે મિત્રતા કહેવાય? કેટલી અને કેવી?
આઇ લવ યુ નામની રિલેશનશિપ જેટલી ઝડપથી બને છે એટલી ઝડપથી તૂટવાના કિસ્સા પણ બને છે. ટીનેજરથી લઈ યુવા વર્ગ પોતાની કોઈ એક સાથે રિલેશનશિપ હોવામાં જીવનની સાર્થકતા માને છે. ઘણાને વળી એક નહીં, ઘણાબધા જોઈએ છે. આ બધામાં સંબંધો ફાસ્ટ ફૂડ સમાન અથવા કહો કે યુઝ ઍન્ડ થ્રો જેવા બનતા જાય છે. આજની રિલેશનશિપની વ્યાખ્યામાં ફિલ્મોની અસરો પણ મોટી અને ગંભીર બની છે. અમુક ઉંમરે યુવાન કે યુવતી પાસે એક પણ રિલેશનશિપ ન હોય તો તેને પછાત યા ઉપેક્ષિત માનવામાં આવે છે, જેને લીધે તે યુવાન કે યુવતી ડિપ્રેશનમાં જવાના કિસ્સા પણ બનતા રહે છે. કરુણતાની સીમા હવે ત્યાં સુધી આવી ગઈ છે કે ટીનેજર્સમાં પણ આ ચલણ વધી રહ્યું છે. જ્યાં હજી બાળકબુદ્ધિ છે ત્યાં પણ વિચિત્ર સંબંધો બની રહ્યા છે.
આમાં સોશ્યલ મીડિયાનો બહુ મોટો ફાળો રહ્યો છે જેમાં પ્રવેશીને લાખો-કરોડો યુવાનો તથા ટીનેજર્સ સાચા-ખોટાનું ભાન ભૂલી ભટકી રહ્યા છે જ્યાં સતત ઈર્ષ્યા, તુલના, ઈગો અને પોતાને મોસ્ટ પૉપ્યુલર દર્શાવવાની રેસ ચાલતી રહે છે. આજના પેરન્ટ્સ સામે આ વિષય બહુ મોટો અને સંવેદનશીલ પડકાર છે.