દીકરી દેખાદેખી કરીને ટૂંકાં કપડાં પહેરવા માગે તો શું?

26 November, 2021 06:51 PM IST  |  Mumbai | Sejal Patel

મારી ૧૭ વર્ષની છોકરીને વન પીસ શૉર્ટ ડ્રેસ પહેરવાનો બહુ ચસકો છે. તેને ના પાડીએ તો ગુસ્સે થઈ જાય. તેને સમજાવું છું કે ટૂંકા કપડાં પહેરીને જઈશ અને જો તારી પાછળ કોઈક પડ્યું તો શું?

પ્રતીકાત્મક તસવીર

આજના જમાનામાં ગ્લૅમર વર્લ્ડની દેખાદેખીને કારણે ટીનેજ છોકરીઓ બહુ ખોટી ફ્રીડમની ડિમાન્ડ કરતી થઈ ગઈ છે એવું તમને નથી લાગતું? મારી ૧૭ વર્ષની છોકરીને વન પીસ શૉર્ટ ડ્રેસ પહેરવાનો બહુ ચસકો છે. તેને ના પાડીએ તો ગુસ્સે થઈ જાય. તેને સમજાવું છું કે ટૂંકા કપડાં પહેરીને જઈશ અને જો તારી પાછળ કોઈક પડ્યું તો શું? શું તું તારી જાતને બચાવવાને સક્ષમ છે? રાતના સાડા નવ સુધીમાં ઘરે આવી જવાની વાત કરું તો કહે છે કે આખું મુંબઈ ફરે છે, તારે મને જ ઘરમાં પૂરી રાખવી છે. તેને આજના માહોલથી પ્રોટેક્ટ કરવા માટે આપણે જે રિસ્ટ્રિક્શન્સ મૂકીએ છીએ એ તેને બંધન લાગે છે. તેને મેં અનેકવાર સમજાવ્યું છે કે જો ન કરે નારાયણ ને કંઈક આડુંઅવળું થશે તો લોકો મને જ દોષી માનશે કે મા થઈને દીકરીને સમજાવી ન શકી. 

ટીનેજર દીકરીની મમ્મી તરીકે તમારી મૂંઝવણ વાજબી છે, પણ એને ડીલ કરવાનો તમારો અપ્રોચ થોડોક નકારાત્મક છે. તમે દીકરી સાથે જે કંઈ પણ કરો છો એ બધું જ ડરથી ઑપરેટ થાય છે. એમ કરશો તો પેરન્ટ્સ અને ટીનેજ સંતાનો વચ્ચે કમ્યુનિકેશન ઘટશે અને સંતાન ખોટું બોલતું થઈ જશે.  આ વાત ટૂંકાણમાં સમજાવવી અઘરી છે. પણ એટલું ચોક્કસ યાદ રાખજો કે ડર ભરાવીને તમે દીકરીને સમજદાર નહીં બનાવી શકો. બહારની દુનિયાના ભયથી દીકરીના મનમાં અસુરક્ષાનો ભાવ વધુ બેસી જશે. ટીનેજનો સમય એવો છે જેમાં તેને દેખાદેખી બહુ અટ્રૅક્ટ કરે છે. ડરપોક અને આત્મ વિશ્વાસનો અભાવ તેને બીજા લોકોનું આંધળું અનુકરણ કરવા પ્રેરે છે. તેને થશે કે આલિયા ભટ્ટ માઇક્રો સ્કર્ટ પહેરી શકે છે તો હું કેમ નહીં? અંદરથી ડરપોક સ્વભાવની વ્યક્તિ ‘તમારાથી છુપાઈને એ બધું જ કરશે જે તમે કરવાની ના પાડી છે. એ અનકૅલ્ક્યુલેટેડ રિસ્ક છે અને એમાં ખોટું થવાના ચાન્સિસ ઔર વધી જાય છે. 
એના બદલે તમારે તેને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવવાની કોશિશ કરવી જોઈએ. તેને સારા-નરસાનું ભાન થાય એવા સવાલો પૂછવા જોઈએ. સુરક્ષાની જવાબદારી તે જાતે ઉઠાવી શકે એ માટે સેલ્ફ-ડીફેન્સની ટ્રેઇનિંગ આપવી જોઈએ. અટ્રૅક્ટિવ અને મૉડર્ન દેખાવા માટે ટૂંકાં કપડાંની જરૂર ન પડે એવો આત્મવિશ્વાસ કેળવવામાં મદદ કરવી જોઈએ.

sejal patel columnists