26 August, 2025 02:37 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
આજના સમયમાં સંતાનને લઈને દામ્પત્યજીવનમાં ઘણા પ્રશ્નો ઊભા થતા હોય છે. કેટલાંક કપલ્સ બાળક ઇચ્છે છે તો કેટલાંક પોતાના જીવનને ચાઇલ્ડ-ફ્રી રાખવાનું વધુ પસંદ કરે છે. સમસ્યા ત્યારે સર્જાય જ્યારે બેમાંથી એક પાર્ટનરને બાળક ન જોઈતું હોય. એવા સમયે તેમનામાં મતભેદ સર્જાતા હોય છે જે ઘણી વાર લગ્નજીવનના અંતનું કારણ પણ બને છે. આવી પરિસ્થિતિમાં પતિ-પત્નીએ સમજદારીથી કઈ રીતે કામ લેવું જોઈએ એ એક્સપર્ટ પાસેથી જાણીએ
સેલિબ્રિટી શેફ ગૌરવ ખન્નાએ પિતા બનવા વિશે ખૂલીને વાતચીત કરતાં કહ્યું હતું કે `મને બાળકો પસંદ છે પણ મારી પત્ની આકાંક્ષા હજી મા બનવા માટે માનસિક રીતે તૈયાર નથી. હું તેના નિર્ણયનું સન્માન કરું છું. કોઈ મહિલા બાળક માટે માનસિક રીતે તૈયાર ન હોય તો તેના પર દબાવ નાખવો ન જોઈએ. તેને બાળકો પસંદ છે, પણ હાલમાં બાળક ન કરવા માટેનાં તેનાં પોતાનાં અમુક કારણો છે.`
ગૌરવ અને આકાંક્ષાનાં લગ્નને નવ વર્ષ થયાં છે. એવાં ઘણાં કપલ છે જેમનાં લગ્નને ઘણાં વર્ષો થઈ ગયાં હોવા છતાં સંતાન નથી. સંતાન કરવાને લઈને ઘણી વાર તેમના વચ્ચે મતભેદો પણ થતા હોય છે, જ્યારે એક પાર્ટનરને બાળકની ઇચ્છા હોય અને બીજાને ન હોય. ઘણી વાર આ મતભેદ એટલો વધી જાય છે કે એ સંબંધોમાં કડવાશ ભરી દે છે. એવામાં આજે ૧૬ વર્ષનો અનુભવ ધરાવતા અને પ્રી-પોસ્ટ-મૅરેજ કાઉન્સેલિંગ આપતાં તેજલ કારિયા પાસેથી તેમના જ શબ્દોમાં જાણીએ કે બાળક કરવું કે નહીં, એને લઈને જ્યારે પાર્ટનર્સ વચ્ચે સહમતી ન બનતી હોય ત્યારે એમાંથી કઈ રીતે માર્ગ કાઢી શકાય.
ગૌરવ અને આકાંક્ષા
કેસ-સ્ટડી
મારી પાસે એક કપલ આવેલું. એમાં પત્નીને બાળક નહોતું જોઈતું, કારણ કે તેને એમ લાગતું હતું કે એનાથી તેની સ્વતંત્રતા ખતમ થઈ જશે. એ મહિલા પોતે જૉઇન્ટ ફૅમિલીમાંથી આવતી હતી. તેણે જોયું હતું કે કઈ રીતે તેની મમ્મીનું જીવન પરિવાર અને સંતાનોની જવાબદારીમાં વીતી ગયું. તે પોતાના માટે જીવી જ ન શકી. આજના જમાનામાં બાળક થયા બાદ પતિ પત્નીને સપોર્ટ કરતા હોય પણ તેમ છતાં સ્ત્રી વધારે બંધાઈ જતી હોય છે. બીજી બાજુ તેના પતિને બાળક જોઈતું હતું. તેને પિતૃત્વ માણવું હતું. દંપતી પૈસેટકે સુખી હતું એટલે કોઈ આર્થિક સમસ્યા નહોતી. એ મહિલા પણ વર્કિંગ નહોતી એટલે કારકિર્દીની પણ એવી કોઈ ચિંતા નહોતી. તેને બસ એક જ વાતની ચિંતા હતી કે બાળક થયા પછી તેની ફ્રીડમ છીનવાઈ જશે, તેને જીવન જે રીતે જીવવું છે એ રીતે નહીં જીવી શકે. તેના જીવનની જે પ્રાથમિકતાઓ છે એ બદલાઈ જશે. મેં ચાર-પાંચ મહિનાઓ સુધી એ કપલનું કાઉન્સેલિંગ કરેલું. આખરે પત્ની બાળક કરવા માટે માની ગઈ. એ સમયે તે એક બાળક માટે પ્રયત્ન કરવા રાજી થયેલી. આજે તો તેને બે બાળકો છે. તે મને તેનું કાઉન્સેલિંગ કરવા માટે હજી પણ આભાર માને છે. સાથે એમ પણ કહે છે કે હું મારું માતૃત્વ માણી રહી છું પણ સાથે- સાથે મારી પ્રાયોરિટીઝ પણ બદલાઈ છે અને મને જે સ્વતંત્રતા છીનવાઈ જવાનો ભય હતો એ પણ થયું જ છે. ઘણી વાર બાળક કરવું કે નહીં જેવા નિર્ણયો આપણી આસપાસની પરિસ્થિતિથી પણ પ્રભાવિત થતા હોય છે.
બાળક ન ઇચ્છવાનું કારણ?
આજના સમયમાં મહિલાઓની પ્રાથમિકતાઓ અગાઉની તુલનામાં ઘણી બદલાઈ છે. જૂના જમાનામાં સમાજમાં મહિલાઓને અવસર ઓછા મળતા હતા પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. મહિલાઓ શિક્ષણ, કારકિર્દીમાં આગળ વધીને આત્મનિર્ભર બની રહી છે. મહિલાઓ ફક્ત લગ્ન અને માતૃત્વ સુધી સીમિત રહેવા નથી ઇચ્છતી. લગ્ન પછી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મહિલા સાસરે જાય, પરિવાર સંભાળે અને પતિનો વંશ આગળ વધારે; પણ આધુનિક સમયમાં અનેક મહિલાઓ માને છે કે તેમની ઓળખ પત્ની અને માતા સુધી સીમિત ન રહે. તેમને પોતાની એક પ્રોફેશનલ ઓળખ બનાવવી હોય છે, પણ ઘણી વાર બાળકને કારણે અટકી જવાનો ભય હોવાથી તેઓ માતૃત્વ ટાળવાનું પસંદ કરે છે. આજની મહિલાઓ પોતાની પર્સનલ ફ્રીડમને ખૂબ મહત્ત્વ આપે છે. તેઓ ટ્રાવેલિંગ કરવા, મોજશોખ પૂરા કરવા અને સ્વતંત્ર જીવન જીવવા ઇચ્છે છે. બાળકના જન્મ પછી આ બધી વસ્તુ પર અસર પડવાના ડરે તેઓ બાળક ઇચ્છતી નથી. એવી જ રીતે આજના મોંઘવારીના જમાનામાં બાળકનો ઉછેર, શિક્ષણ, સ્વાસ્થ્ય અને અન્ય જવાબદારીઓ ઉપાડવાનું સરળ નથી એટલે ઘણી મહિલાઓ જ્યાં સુધી ફાઇનૅન્શિયલ સ્ટેબિલિટી અને સિક્યૉરિટી ન આવે ત્યાં સુધી બાળક કરવાનું ટાળે છે. મહિલાઓ માને છે કે બાળકને જન્મ આપવો કે નહીં એ નિર્ણય લેવાનો અધિકાર તેમનો છે અને આ વસ્તુને લઈને તેમના પર કોઈ દબાવ ન નાખી શકે. ઘણી મહિલાઓ માને છે કે માતા બનવા માટે ફક્ત શારીરિક નહીં પણ માનસિક રીતે પણ તૈયાર થવું જરૂરી છે. એટલે જ્યાં સુધી તેમને અંદરથી એવું ન થાય કે તેઓ બાળકની જવાબદારી લેવા માટે તૈયાર છે ત્યાં સુધી તેઓ બાળક કરવાનું ટાળે છે.
મુદ્દો કેટલો ગંભીર બની શકે?
પતિ-પત્નીમાંથી કોઈ એકને જ્યારે બાળક જોઈતું હોય અને બીજાને ન જોઈતું હોય ત્યારે આ મતભેદ સંબંધોમાં કડવાશ ભરી દેતા હોય છે. જેને બાળક જોઈતું હોય તેને એમ લાગે કે તેનો સાથી તેની ઇચ્છાઓને મહત્ત્વ આપી રહ્યો નથી. એવી જ રીતે જેને બાળક ન જોઈતું હોય તેના પર અનવૉન્ટેડ પ્રેશર બનતું જાય છે. વારંવાર સાથી બાળકની વાત કાઢે એથી તેને એમ લાગે કે તેની ભાવનાઓનું સન્માન નથી થઈ રહ્યું, તેમની મરજીની વિરુદ્ધ નિર્ણય લેવા પર દબાવ નાખવામાં આવી રહ્યો છે. કોઈ મુદ્દે પતિ-પત્ની વચ્ચે સતત તનાવ રહે તો વાદવિવાદ, લડાઈ, ઝઘડા વધી જાય. એને કારણે સંબંધો કમજોર પડવા લાગે છે. એક સાથીની પ્રાથમિકતા પરિવાર અને બાળક હોય અને બીજાની પ્રાથમિકતા કારકિર્દી, સ્વતંત્રતા અને સ્થિરતા હોય ત્યારે બન્નેની પ્રાથમિકતાઓ વચ્ચે ટકરાવ થયા કરે. એને કારણે દામ્પત્યજીવનમાં નિકટતા ઓછી થઈ શકે છે. ઘણી વાર એટલી તનાવપૂર્ણ સ્થિતિ ઊભી થાય છે કે વાત છૂટાછેડા સુધી પહોંચી જતી હોય છે.
શું કરી શકાય?
લગ્ન એટલે ફક્ત બે વ્યક્તિઓનું સાથે આવવું નહીં પણ બે અલગ વિચારો, આદતો અને પ્રાથમિકતાઓનો મેળ બેસાડવો પણ છે. એટલે સગાઈ પછી અને લગ્ન પહેલાંના સમયગાળામાં એકબીજાને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રી-મૅરેજ કાઉન્સેલિંગ લેવું જોઈએ. એમાં ભવિષ્યમાં બાળકને લઈને અપેક્ષાઓ, આવક અને ખર્ચ, ઘરનું કામકાજ અને જવાબદારીઓની વહેંચણી, કરીઅર અને લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી બાબતો, પરિવારની અપેક્ષાઓ વગેરેની ચર્ચા કરવી જોઈએ. એટલે લગ્ન પછી આ બધી વસ્તુને લઈને વધુ મતભેદ ન થાય. એ સિવાય જો અગાઉ બાળકના મુદ્દે કોઈ વાતચીત ન થઈ હોય અને લગ્ન પછી એક પાર્ટનરની બાળકની ઇચ્છા ન હોય તો એવા વખતે વાતચીતથી જ ઉકેલ નીકળી શકે છે. સૌથી પહેલાં તો પતિ-પત્નીએ એકબીજાનાં વિચારો અને ભાવનાઓને લઈને ખુલ્લા દિલથી વાત કરવી જોઈએ. તમે તેમને જણાવો કે તમને બાળક કેમ નથી જોઈતું. એની પાછળનું કારણ શું છે, તમને કઈ વાતનો ડર સતાવી રહ્યો છે. એનાથી તમારા સાથીને એવું નહીં લાગે કે તમે તેમની બાળકની ઇચ્છાને અવગણો છો કે તેમની ઇચ્છાને મહત્ત્વ નથી આપી રહ્યા. ઊલટાનું તે સમજશે કે તમારી પાસે પણ બાળક ન કરવાનાં પોતાનાં કારણો છે એટલું જ નહીં, તે તમારી ચિંતા કે ડરનું જે કારણ છે એનો ઉકેલ લાવવાના પ્રયત્નો કરશે. ઘણી વાર કપલ્સની એવી ફરિયાદો રહેતી હોય છે કે અમે વાતચીત કરવા બેસીએ છીએ પણ ઉકેલ આવવાને બદલે અમારો ઝઘડો થઈ જાય છે. એ વખતે પતિ-પત્નીએ પોતાની જીદ બાજુમાં મૂકી દેવી જોઈએ. એકબીજાને ફક્ત સાંભળવા કરતાં સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એકબીજાને ફરિયાદ કરવાને બદલે આ પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ એવો અભિગમ રાખવો જોઈએ. એમ કરવાથી જ કોઈ વચલો રસ્તો નીકળી શકે. બધા જ પ્રયત્નો કર્યા છતાં કોઈ વચલો માર્ગ ન નીકળી રહ્યો હોય ત્યારે તમે થેરપિસ્ટની મદદ લઈ શકો છો. થેરપિસ્ટ કોઈ પક્ષપાત કર્યા વગર બન્નેને નિષ્પક્ષ રીતે સાંભળે છે. કોણ સાચું કે કોણ ખોટું એ નક્કી કરવા કરતાં તે બન્નેનાં વિચારો અને લાગણીઓને સમજે છે. એ પછી તે બાળક કરવું કે ન કરવું એના લાભ અને ગેરલાભ બન્ને પક્ષને સમજાવે છે. આ રીતે કપલને પરિસ્થિતિને તટસ્થ દૃષ્ટિકોણથી જોવામાં મદદ મળે છે. સાથે જ થેરપિસ્ટ સંવાદને સકારાત્મક દિશામાં આગળ વધારી શકે છે અને એવી શક્યતાઓ બતાવે છે જે કદાચ પતિ-પત્ની સ્વતંત્ર રીતે વિચારી શકતાં ન હોય.