હેલ્ધી રિલેશનશિપ વજન વધારે?

17 April, 2025 07:05 AM IST  |  Mumbai | Heena Patel

હેલ્ધી રિલેશનશિપના અનેક ફાયદાઓ છે પણ અમુક રિસર્ચ એવું પણ કહે છે કે એને કારણે વ્યક્તિનું વજન વધે છે. ખાસ કરીને શરીરમાં થતા હૉર્મોનલ ચેન્જિસ, ઇમોશનલ ફૅક્ટર્સ, આદતોમાં આવેલા બદલાવને કારણે વેઇટ ગેઇન થાય છે. આમાં કેટલું તથ્ય છે એ એક્સપર્ટ પાસેથી જાણીએ

પ્રતીકાત્મક તસવીર

જીવનસાથી સાથે પ્રેમાળ સંબંધો હોવા સારી વાત છે, પણ ઘણી વાર એ તમારું વજન વધવાનું પણ કારણ બની શકે છે. અનેક સ્ટડીમાં એવું તારણ નીકળ્યું છે કે જે કપલ હેલ્ધી રિલેશનશિપમાં હોય તેમનું વજન વધી જતું હોય છે. આની પાછળ કયાં-કયાં કારણો જવાબદાર છે? શું બધાં જ કપલ માટે આ વાત લાગુ પડે છે? હેલ્ધી રિલેશનશિપમાં રહીને વેઇટ ગેઇન ન થાય એનું ધ્યાન કઈ રીતે રાખી શકાય? આ બધા વિશે ડાયટિશ્યન ડિમ્પલ સંઘવી વિગતવાર મહિતી આપે છે.

હૉર્મોનલ બદલાવ અને ઇમોશનલ ફૅક્ટર્સ આપણી ખાવાની આદતોને પ્રભાવિત કરતાં હોય છે, જેને કારણે વજન વધે છે. હેલ્ધી રિલેશનશિપમાં વ્યક્તિ ખુશ રહે છે. એને કારણે સેરોટોનિન, ઑક્સિટોસિન જેવાં ફીલ ગુડ હૉર્મોન્સનું લેવલ શરીરમાં વધે છે અને કૉર્ટિઝોલ, જેને સ્ટ્રેસ હૉર્મોન કહેવાય છે એનું પ્રમાણ ઘટે છે. એને કારણે આપણું શરીર વધુ રિલૅક્સ્ડ ફીલ કરે છે. ઘણી વાર એવું થાય કે વ્યક્તિ રિલૅક્સ્ડ અને ખુશ હોય ત્યારે વધુ ખાવાની ઇચ્છા થાય છે. ખાસ કરીને વધુ કૅલરીવાળી વસ્તુ ખાવાનું મન થાય છે. એને કારણે તેમનું વજન વધે છે. આ વસ્તુને જોવાનો બીજો પણ એક દૃષ્ટિકોણ છે. તનાવથી વજન વધવાનું મુખ્ય કારણ શરીરમાં કૉર્ટિઝોલ હોર્મોનનું વધેલું સ્તર હોય છે જે ભૂખ વધારે છે, મેટાબોલિઝમ ધીમું કરે છે અને ચરબીને વધારે છે. હેલ્ધી રિલેશનશિપમાં હોય એ કપલના જીવનમાં સ્ટ્રેસ ઓછું હોય એટલે આપોઆપ તેમનામાં કૉર્ટિઝોલનું પ્રમાણ ઓછું હોય. શરીરમાં લો કૉર્ટિઝોલ હોય એટલે શુગર, ફૅટવાળી વસ્તુ ખાવાનું ક્રેવિંગ ઓછું થાય. એથી વજન વધવાનું જોખમ ઓછું રહે. કહેવાનો અર્થ એ કે હંમેશાં માઇન્ડફુલ રહીને ભોજન લેવું જરૂરી છે. તમને શું ખાવાનું ક્રેવિંગ થાય છે કે તમારો મૂડ કેવો છે એના આધારે ભોજન લેવાને બદલે તમારા માટે શું હેલ્ધી છે, તમને કેટલી ભૂખ છે એનું ધ્યાન રાખીને એ પ્રમાણે ખાવા પર વધુ ધ્યાન રાખવું જોઈએ.

આપણી ખાનપાનની આદતો અને જીવનશૈલી પણ વજન વધારવા માટે જવાબદાર હોય છે. જે કપલનાં નવાં-નવાં લગ્ન થયાં હોય કે જેમનું લગ્નજીવન સારું ચાલતું હોય એ લોકો અવારનવાર બહાર જમવા માટે જતાં હોય. મોડી રાત સુધી જાગીને મૂવી જોતાં હોય. હેલ્ધી રિલેશનશિપમાં કપલ એકબીજા સાથે વધુ કમ્ફર્ટેબલ હોય એટલે પોતાના શારીરિક દેખાવને લઈને વધુ પરવા કરતું નથી. એને કારણે ફિટનેસ પ્રત્યે તેઓ એટલું ધ્યાન આપતાં નથી. ઘણી વાર એવું થાય કે ફૂડ શૅર કરવાની આદતને લઈને વધુ ખવાઈ જતું હોય. આ બધી વસ્તુ વ્યક્તિને વજનવધારા તરફ લઈ જાય છે. જોકે આ વસ્તુ બધી જ રિલેશનશિપમાં લાગુ પડે એવું નથી. ઘણાં કપલ્સ એવાં હોય છે જેઓ બહાર જમવા જતી વખતે કે સ્નૅક્સ ખાતી વખતે એ હેલ્ધી હોય એનું ધ્યાન રાખે છે. સાથે એક્સરસાઇઝ કે જૉગિંગ પર જઈને એકબીજા સાથે સમય પણ પસાર કરે અને શારીરિક તંદુરસ્તીનું પણ ધ્યાન રાખે, હેલ્ધી સ્લીપ રૂટીન ફૉલો કરતાં હોય. એટલે કે આઠ કલાકની ઊંઘ મળી રહે. સૂવાનો-ઊઠવાનો એક ફિક્સ ટાઇમ રાખતાં હોય. એ લોકો હેલ્ધી રિલેશનશિપમાં હોવા છતાં તેમનું વેઇટ ગેઇન થતું નથી.

એટલે હેલ્ધી રિલેશનશિપ અને વેઇટ ગેઇનનો સીધો એવો કોઈ સંબંધ નથી. આ બધી વસ્તુ તમારી ચૉઇસ પર નિર્ભર કરે છે. હેલ્ધી રિલેશનશિપમાં આવ્યા બાદ તમે તમારી હેલ્થ અને ફિટનેસને પ્રાધાન્ય આપવાનું છોડી દો ત્યારે વેઇટ ગેઇન થાય છે. તમે તમારી જીવનશૈલીમાં હેલ્ધી ડાયટનું ધ્યાન રાખો, ફિટ રહેવા માટે એક્સરસાઇઝ કરતા હો, પૂરતી ઊંઘ લેતા હો તો વજન નહીં વધે.

sex and relationships relationships health tips mental health life and style columnists gujarati mid-day mumbai