સ્લીપર અને થર્ડ એસી ટિકિટે યાત્રા કરો કે ન કરો રેલવેને લાભ, જાણો ગણિત

02 March, 2020 09:33 AM IST  |  Mumbai Desk

સ્લીપર અને થર્ડ એસી ટિકિટે યાત્રા કરો કે ન કરો રેલવેને લાભ, જાણો ગણિત

લોકોને પ્રવાસ કરાવ્યા વગર જ તેમની પાસેથી મોટી કમાણી કરી રહી છે રેલવે. આ કમાણી સ્લીપર અને થર્ડ એસીમાં યાત્રા કરનારા ઇચ્છુક પ્રવાસીઓ પાસેથી કરવામાં આવી રહી છે. આ તે લોકો છે જે વેટલિસ્ટેડ ટિકિટ બુક કરાવ્યા પછી કન્ફર્મ થવાની આશામાં છેલ્લી મિનિટ સુધી તેને કેન્સલ નથી કરાવતાં અને ચૂકી જાય છે. એટલું જ નહીં, રેલવે માટે તેવા પ્રવાસી વધારે લાભદાયક છે જેમણે કોઇક ને કોઇક કારણસર પોતાની કન્ફર્મ ટિકિટ પણ કેન્સલ કરાવવી પડે છે. બન્ને પરિસ્થિતિઓમાં રેલવેને ફાયદો છે.

એકવાર ટિકિટ બુક કરે પછી પ્રવાસી પ્રવાસ કરે કે ન કરે રેલવેને નુકસાન થતું નથી. જો કે, ફાયદાની શક્યતા વધારે છે. ટિકિટ લીધા પછી પ્રવાસી યાત્રા કરે તો રેલવેને થોડી કમાણી થાય પણ જો કન્ફર્મ ટિકિટ કેન્સલ કરાવી દે અથવા તેને વેટલિસ્ટેડ ટિકિટ કેન્સલ કરાવવાની તક જ ન મળે તો રેલવેને વધારે લાભ થશે.

એક આરટીઆઇ કાર્યકર્તાના સવાલના જવાબમાં રેલવેના 'સેંટર ફૉર રેલવે ઇન્ફોરમેશન સિસ્ટમ્સ'એ જણાવ્યું કે એક જાન્યુઆરી, 2017થી 31 જાન્યુઆરી, 2020ના ત્રણ વર્ષની અવધિમાં રેલવેએ ટિકિટ કેન્સલ ન કરાવી શકનારા સાડા નવ કરોડથી વધારે પ્રવાસીઓથી 4335 કરોડ રૂપિયાથી વધારે કમાણી કરી છે. આ એવી રકમ છે જેના બદલે રેલવેએ ન તો કોઇ વાસ્તવિક સેવા આપી કે ન તો કોઇ પ્રકારનો ખર્ચ કર્યો. આ પ્રવાસીઓની ફક્ત એટલી ભૂલ કે તેમણે કન્ફર્મ ટિકિટની આશામાં ટિકિટ ખરીદી લીધી હતી પણ તે છેલ્લા સમય સુધી વેટલિસ્ટેડ જ રહી.

આ લોકોને કાં તો ટિકિટ કેન્સલ કરાવવાનો સમય ન મળ્યો અથવા કિંમત એટલી વધારે હતી કે કેન્સલ કરાવવાની હિંમત જ ન થઇ. હકીકતે, છેલ્લા 10-12 વર્ષોમાં રેલવેએ કેન્સલેશનના નિયમોને એટલા કડક અને મોંઘા બનાવી દીધા છે કે ટિરિટ કન્ફર્મ ન થવા છતાં મોટાભાગના લોકો ટિકિટ કેન્સલ કરાવવાને બદલે બીજી તારીખ અથવા ટ્રેનમાં બુકિંગ કરાવવા અથવા બસ કે વિમાનનો વિકલ્પ વધારે પસંદ કરે છે. લોકોની આ મજબૂરી રેલવે માટે વરદાન સાબિત થઈ રહી છે.

આનો અંદાજ આ વાતથી લગાડી શકાય છે કે પહેલી જાન્યુઆરી, 2017થી 31 જાન્યુઆરી, 2020ના ત્રણ વર્ષના સમયમાં રેલવેને કેન્સલેશન ચાર્જ અથવા નિરસ્તીકરણ ચાર્જ તરીકે 4684 કરોડ રૂપિયાનું રાજસ્વ મળ્યું છે. ઉપરોક્ત બન્ને પ્રકારના ગ્રાહકો (ટિકિટ લઈને કેન્સલ ન કરાવનારા તેમજ કન્ફર્મ ટિકિટ છતાં કેન્સલ કરાવનારા) પાસેથી રેલવેને સંયુક્ત રીતે 9019 કરોડ રૂપિયાની કમાણી થઈ છે.

national news indian railways central railway railway budget travel news