21 April, 2025 07:01 AM IST | Colombo | Gujarati Mid-day Correspondent
હોટેલ અમ્બા યાલુ શ્રીલંકાની એક હોટેલ ઑલ વિમેન સ્ટાફ ધરાવે છે
વિશ્વભરમાં હોટેલ-ઇન્ડસ્ટ્રીમાં ૯૦ ટકા પુરુષોનું જ આધિપત્ય રહ્યું છે ત્યારે શ્રીલંકાની એક હોટેલ ઑલ વિમેન સ્ટાફ ધરાવે છે. થેમા કલેક્શન ગ્રુપ્સની તાજેતરમાં ૧૪મી હોટેલ ખૂલી છે એને મહિલાઓ દ્વારા ચલાવવાના મિશન સાથે જ ખોલવામાં આવી છે. શ્રીલંકાની આ પહેલી ઑલ વિમેન હોટેલ છે
મધ્ય શ્રીલંકામાં આવેલી બે વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ દમ્બુલા કેવ ટેમ્પલ અને સિહગિરિ રૉક કિલા બાજુ ફરવા જવાનું થાય તો કંદલામા ગામ પાસે આવેલી એક ખાસ હોટેલમાં જરૂર રોકાવું જોઈએ. હજી જાન્યુઆરી મહિનામાં જ આ હોટેલ ખૂલી છે, પણ જે મિશન સાથે એ ખૂલી છે એને કારણે એ સાઉથ એશિયન દેશોમાં બહુ ફેમસ થઈ ગઈ છે. આ હોટેલ છે અમ્બા યાલુ. સ્થાનિક સિંહાલી ભાષામાં અમ્બા યાલુનો મતલબ થાય બેસ્ટ ફ્રેન્ડ. આ છે ઓન્લી વુમન ઑપરેટેડ હોટેલ. સામાન્ય રીતે હોટેલ ઇન્ડસ્ટ્રીમાં રિસેપ્શન કે ફોન-સર્વિસ સિવાય ખાસ મહિલાઓ જોવા નથી મળતી, પણ અમ્બા યાલુમાં હોટેલના દરવાજે જે સિક્યૉરિટી ગાર્ડ છે ત્યાંથી લઈને રૂમમાં સર્વિસ આપનાર તમામ કામો માટે માત્ર મહિલાઓ જ છે. કંઈક તૂટ્યું-ફૂટ્યું અને મેઇન્ટેનન્સનું કામ કરવું પડે તો એના મેઇન્ટેનન્સ ડિપાર્ટમેન્ટનું કામ પણ મહિલા જ કરે છે.
એવું નથી કે આ કોઈ નાનું ઢાબું કે સાવ પ્રાઇમરી સુવિધા આપતી હોટેલ હોય. આ ફોર-સ્ટાર હોટેલ છે અને દરેક કામ માટે યોગ્ય હોય એવી ચુનંદા પ્રતિભાઓ અહીં છે. સિક્યૉરિટીનો કારભાર સંભાળે છે એક્સ આર્મી ઑફિસર દિલ્નાહી નામનાં બહેન. યુદ્ધમેદાનમાં કૌવત દેખાડી આવનારી આ મહિલાએ મહિલાઓની એવી ટીમ ટ્રેઇન કરી છે કે હોટેલના ચપ્પા-ચપ્પા પર બાજનજર રાખીને સુપર સુરક્ષિત રાખવા ખડેપગે રહે છે.
કંદલામા લેકના કિનારે અને ચોમેર હરિયાળા પર્વતોથી છવાયેલી નયનરમ્ય જગ્યાએ આવેલી આ હોટેલનાં માલિક છે ચંદ્રા વિક્રમસિંઘે. ચંદ્રાબહેનની થેમા કલેક્શન ગ્રુપ્સ નામની ઑલરેડી ૧૩ હોટેલો શ્રીલંકામાં છે. આ તેમની ૧૪મી હોટેલ છે અને તેમણે ખાસ મહિલાઓને જ મોકો આપવા માટે આ હોટેલ તૈયાર કરેલી. આવું મિશન હાથ ધરવાની જરૂર કેમ પડી? તો એ માટે જરાક શ્રીલંકન સમાજની સાઇકોલૉજી સમજીએ.
આમ તો શ્રીલંકા બહુ ફૉર્વર્ડ વિચારોવાળો દેશ છે. અહીં સૌપ્રથમ મહિલા વડાં પ્રધાન બનેલાં ૧૯૬૦માં. સિરિમાવો ભંડારનાયકેએ શ્રીલંકાનાં વડાં તરીકે શપથ લીધા ત્યારે તેઓ વિશ્વનાં સૌપ્રથમ મહિલા વડાં પ્રધાન હતાં. જે જમાનામાં વિશ્વના લગભગ પચીસ ટકા દેશોમાં સ્ત્રીઓને મત આપવાનો અધિકાર નહોતો ત્યારે શ્રીલંકાએ એક મહિલાનું નેતૃત્વ સ્વીકારેલું. જોકે એ પછી પણ આમ મહિલાની સ્થિતિ વિશ્વના બાકી દેશોથી જુદી નહોતી. ટ્રેડિશન અને કલ્ચરના નામે સ્ત્રીઓને પ્રોફેશનલ માર્કેટમાં ભેદભાવ સહન કરવો જ પડતો હતો. લેબર માર્કેટમાં મહિલાઓને ઊતરતી ગણવામાં આવતી. કેટલાંક ક્ષેત્રો પુરુષો માટે જ છે એ કલ્ચર વધુ ને વધુ દૃઢ થતું જતું હતું. શ્રીલંકાની હોટેલ-ઇન્ડસ્ટ્રીમાં ૯૫ ટકા જૉબ્સ પુરુષો માટે જ હતી એ જોઈને થેમા કલેક્શન ગ્રુપનાં ચૅરમૅન ચંદ્રા વિક્રમસિંઘેને વિચાર આવ્યો આ ક્ષેત્રમાં મહિલાઓનો દબદબો બનાવવાનો. ચંદ્રા વિક્રમસિંઘે એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘૨૦૨૦માં કોવિડ આવ્યો અને ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને જબરો ફટકો પડ્યો. એ પછી ૨૦૨૨માં શ્રીલંકા પર આર્થિક સંકટ આવ્યું અને પછી આવી રાજકીય ઊથલપાથલ. આ ખૂબ જ ખરાબ સમય હતો. આ સમયમાં અમે જોયું કે જ્યાં પણ જગ્યાઓ ખાલી હતી ત્યાં માત્ર પુરુષોને જ જૉબ મળતી હતી. હોટેલ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓ ખુદ આવવા તૈયાર નહોતી કેમ કે તેમનું પણ માનવું હતું કે આ તો પુરુષોનું કામ, અમને ન આવડે. આ જોઈને મને લાગ્યું કે સ્ત્રીઓને વધુ તક આપવી જોઈએ. સ્ત્રીઓનું હોટેલ ઇન્ડસ્ટ્રીમાં યોગદાન વધે એ માટે અમે મહિલાઓને ટ્રેઇન કરીને એક સ્વતંત્ર હોટેલ તેમના માટે જ શરૂ કરવાનું નક્કી કર્યું.’
લગભગ છ મહિનાના ગ્રાઉન્ડ વર્ક પછી આ કન્સેપ્ટ ૨૦૨૫ના જાન્યુઆરી મહિનામાં પાર પાડ્યો. હોટેલના કામમાં જે પણ સ્કિલ્સની જરૂર પડે છે એ સ્ત્રીઓમાં નહોતી એવું નહોતું. માત્ર તેમને હોટેલ માટે કામ કરતી કરવાની હતી. રિટાયર્ડ આર્મી વિમેન્સને સિક્યૉરિટીનો ભાર અપાયો, મેઇન્ટેનન્સ ડિપાર્ટમેન્ટની મહિલાઓને ત્રણ મહિનાની સઘન ટ્રેઇનિંગ આપવામાં આવી, પ્રોફેશનલ મહિલા શેફ્સની તો કોઈ કમી છે જ નહીં. હોટેલની જનરલ મૅનેજર જીવંતી અધિકારીનું કહેવું છે કે તેમણે જરૂરિયાતમંદ મહિલાઓને ટ્રેઇન કરીને હોટેલના કામ માટે તૈયાર કરી છે અને બધી જ મહિલાઓ છે એટલે સેફ્ટીની કોઈ ચિંતા છે જ નહીં. અમુક કામો માટે કોઈ પુરુષ આવે તો સારું એવી માન્યતા શરૂઆતમાં અહીંની મહિલાઓમાં પણ હતી જ, પણ એ અપેક્ષાને તોડવામાં બહુ ઝાઝો સમય ન લાગ્યો.
ભારતમાં ક્યાં છે ઑલ વિમેન મૅનેજ્ડ હોટેલ્સ?
ચેન્નઈની તાજ વેલિન્ગ્ટન મ્યુઝ એ ભારતની જ નહીં, સાઉથ એશિયાની સૌથી પહેલી માત્ર સ્ત્રીઓ દ્વારા સંચાલિત હોટેલ બની હતી.
હૈદરાબાદની ધ વેસ્ટિન હૈદરાબાદ હાઈ-ટેક સિટી એ ફાઇવસ્ટાર હોટેલ પણ સંપૂર્ણપણે સ્ત્રીઓ દ્વારા મૅનેજ થાય છે.
પચમઢીમાં આવેલી અમલતાસ મધ્ય પ્રદેશ ટૂરિઝમ કૉર્પોરેશન દ્વારા સંચાલિત હોટેલ પણ એક્સક્લુઝિવલી મહિલાઓ દ્વારા સંચાલિત છે.