10 September, 2025 12:41 PM IST | Mumbai | Sudhir Shah
પ્રતીકાત્મક તસવીર
રીજનલ સેન્ટર એક એવી સંસ્થા છે જેને યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસે માન્યતા આપી હોય છે. એના દ્વારા વિદેશોમાંથી અમેરિકામાં સરળતાથી રોકાણ કરી શકાય છે. EB-5 વીઝા પ્રોગ્રામને વેગ આપવા ૧૯૯૩માં અમેરિકાની સરકારે એક પાઇલટ પ્રોગ્રામ ઘડ્યો, જેના દ્વારા રીજનલ સેન્ટરમાં ૧૦,૫૦,૦૦૦ ડૉલર અથવા ૮ લાખ ડૉલરનું રોકાણ કરતાં પરદેશી રોકાણકારને ગ્રીન કાર્ડ મળી શકે છે. તેમને ધંધો કરવાની કે એ ધંધામાં ૧૦ નોકરિયાતોને રાખવાની જવાબદારી રહેતી નથી. રોકાણકારો રીજનલ સેન્ટરમાં રોકાણ કર્યા બાદ અમેરિકામાં ગમે ત્યાં રહી શકે છે અને તેમને જે કંઈ કરવું હોય એ કરી શકે છે. EB-5 વીઝા માટે દાખલ કરાયેલી પિટિશનનો ત્રણ-ચાર વર્ષમાં નિકાલ આવી જાય છે અને ભારતીયોને લગભગ ૪ વર્ષમાં ઇમિગ્રન્ટ વીઝા આપવામાં આવે છે. આજે અમેરિકામાં ૬૦૦થી વધુ રીજનલ સેન્ટરો છે, પણ એમાંનાં મોટા ભાગનાં નિષ્ક્રિય છે. થોડાંકનો ઉપયોગ પરદેશીઓ આગળથી નાણાં મેળવીને એની ઉચાપત પણ કરવામાં આવે છે. આથી લોભામણાં રીજનલ સેન્ટરોથી સાવચેત રહેવું જોઈએ. ‘તમારાં કાળાં નાણાં ધોળાં કરીને રીજનલ સેન્ટરમાં રોકી આપીશું’ એવું જણાવતાં રીજનલ સેન્ટરોથી ખૂબ સાવચેત રહેવું જોઈએ. નહીં તો તમારાં નાણાં તો જશે જ, પણ તમને અમેરિકા જવા નહીં મળે અને ગયા હશો તો ત્યાંથી પાછા આવવું પડશે. જો સમજણપૂર્વક રીજનલ સેન્ટરની ચકાસણી કરવામાં આવે તો રોકાણકારો માટે રીજનલ સેન્ટર આશીર્વાદ સમાન છે.
રીજનલ સેન્ટરમાં લોન મેળવીને ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે, ઉછીના પૈસા લઈને ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે, વારસામાં મળેલા ધન વડે રોકાણ કરી શકાય છે, ગિફટ દ્વારા મેળવેલા પૈસાનું રોકાણ કરી શકાય છે, બાપદાદાની મિલકત વેચીને રોકાણ કરી શકાય છે, જૉઇન્ટ ફૅમિલીની પ્રૉપર્ટીનું પાર્ટિશન કરીને મેળવેલા પૈસાનું રોકાણ કરી શકાય છે. અમેરિકામાં રહેતાં સગાંઓ તમારા માટે રોકાણ કરી શકે છે. અમેરિકામાં કમાયેલા પૈસાનું રોકાણ કરી શકાય છે. દુબઈમાં યા પરદેશમાં કમાયેલા પૈસાનું રોકાણ કરી શકાય છે. ભાગીદારી પેઢી એક ભાગીદાર માટે રોકાણ કરી શકે છે. ફક્ત રોકાણની રકમ વાઇટની હોવી જોઈએ.