કબૂલાત નકારી

28 August, 2025 06:59 AM IST  |  Mumbai | Sudhir Shah

જે ગુનેગારોએ આવાં કૃત્યો કર્યાં હોય તેની વિરુદ્ધ અમેરિકાની કોર્ટમાં જુબાની આપવા તૈયાર હોય તેમને U વીઝા આપવામાં આવે છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

‘ધ વિક્ટિમ્સ ઑફ ટ્રાફિકિંગ ઍન્ડ વાયલન્સ પ્રોટેક્શન ઍક્ટ’ હેઠળ U વીઝા ઘડવામાં આવ્યા છે. આ U વીઝા એવા પરદેશીઓ માટે છે જેઓ અમેરિકામાં હોય અને તેમના પર હુમલો થયો હોય, ધાડ પાડવામાં આવી હોય, મારામારી થઈ હોય, ખુનામરકી થઈ હોય અને તેમને માનસિક તેમ જ શારીરિક પુષ્કળ આઘાત લાગ્યો હોય. જે ગુનેગારોએ આવાં કૃત્યો કર્યાં હોય તેની વિરુદ્ધ અમેરિકાની કોર્ટમાં જુબાની આપવા તૈયાર હોય તેમને U વીઝા આપવામાં આવે છે.

ચંદ્રકાંત પટેલે આ કાયદા હેઠળ જે U વીઝા ઘડ્યા હતા એ ૨૦૨૩માં મેળવ્યા. અમેરિકાની પોલીસને એવું લાગ્યું કે આ ચંદ્રકાંત પટેલ, જેણે U વીઝા મેળવ્યા છે તેણે ભારતીય ગુજરાતીઓને U વીઝા મેળવવામાં વીઝા ફ્રૉડ કર્યો છે. ૨૦૨૫ની ૧૫ જુલાઈના દિવસે અમેરિકાની પોલીસે તેમની બે કલાક સુધી પૂછપરછ કરી. એમાં ચંદ્રકાંત પટેલે કબૂલ્યું કે હા, ૨૦૧૫ની ૨૬ ડિસેમ્બરથી ૨૦૨૫ની ૧૫ જુલાઈ સુધીમાં તેણે ૩૦૦ વ્યક્તિઓને U વીઝા મેળવવામાં મદદ કરી છે. અને આ કાર્યમાં અમેરિકાના ચાર પોલીસો પણ હતા.

જે દિવસે તેણે કબૂલાત કરી એના અઠવાડિયા પછી જ તેને કોર્ટમાં જજ સમક્ષ ઊભો રાખવામાં આવ્યો. જજની સામે ચંદ્રકાંત પટેલે જે કબૂલાત કરેલી એ નકારી કાઢી.

ચંદ્રકાંત પટેલની જામીનની ઍપ્લિકેશન નકારવામાં આવી છે. જજને એવું લાગ્યું કે એ ફ્લાઇટ રિસ્ક છે. તે અમેરિકા છોડીને ઇન્ડિયા ભાગી જશે. તેની સાથેના બીજા ચાર પોલીસ-ઑફિસરોને જામીન ઉપર છોડવામાં આવ્યા છે. આ કારણસર ગુજરાતીઓએ પુષ્કળ ઊહાપોહ કર્યો. તેમણે કહ્યું કે આ ભેદભાવ છે.

ચંદ્રકાંત પટેલે જે કબૂલાત કરેલી હતી એ સાચી છે કે કબૂલાત નકારી એ વાત સાચી છે એ તો જજ જ નક્કી કરશે, પણ એક વાત નક્કી છે કે જ્યારથી આ U વીઝા ઘડવામાં આવ્યા છે ત્યારથી અનેકો આ કાયદાનો અને એની હેઠળ ઘડવામાં આવેલા U વીઝાનો ગેરલાભ ઉઠાવે છે.

જેમને U વીઝા આપવામાં આવ્યા હોય છે તેમના કુટુંબીજનોને પણ ‘ડિપેન્ડન્ડ U’ વીઝા આપવામાં આવે છે. એટલે ખરું-ખોટું બોલીને, અમારા પર અમેરિકાની અંદર અત્યાચાર થયો, મારામારી થઈ, અમને લૂંટ્યા, ધમકી આપી, બંદૂકો દેખાડી આવું બોલીને U વીઝા મેળવીને અમેરિકામાં રહેવાનો એક નવો રસ્તો શોધાયો છે.

અમેરિકા જવા ઇચ્છતા હો તો આવું ગેરકાનૂની કાર્ય કરતા નહીં. તમે ટ્રાફિકિંગ અને વાયલન્સના વિક્ટિમ છો એવું જણાવીને અમેરિકાના U વીઝા મેળવવાની કોશિશ કરતા નહીં. જો પકડાશો તો બહુ જ બૂરી વલે થશે. અમેરિકા જવું હોય એના માટે જુદા-જુદા પ્રકારના વીઝા જુદી-જુદી રીતે પ્રાપ્ત થઈ શકે છે. એ મેળવવાની શું-શું લાયકાતો છે, એ કેવી રીતે મેળવી શકાય એ જાણો અને કાયદેસર જ અમેરિકા જાઓ.

united states of america travel travel news columnists life and style international court of justice gujarati mid day mumbai