એવું તે શું છે આ સ્માર્ટ સિટીમાં જેની જગત આખામાં ચર્ચા છે?

28 April, 2024 10:00 AM IST  |  Japan | Aashutosh Desai

વાત છે જપાનના હોન્શુ આઇલૅન્ડ નામના અજાયબ શહેરની જેને ટૉયોટા કંપનીએ બનાવ્યું છે. ટેક્નૉલૉજીની દૃષ્ટિએ અત્યંત સ્માર્ટ હોવાની સાથે આ શહેર અગાઉનાં નાનાં ગામડાં અને નાનાં નગર જેવું પણ લાગશે

વોવેન સિટી

ચાલો, આજે રવિવારની સવારે આપણે એક એવા શહેરની કલ્પના કરીએ જ્યાં માણસ અને ટેક્નૉલૉજી બન્ને એકબીજા સાથે હાર્મની જાળવીને સુખરૂપ જીવી રહ્યાં હોય. બન્નેમાંથી કોઈ પણ એકબીજાને હાનિ પણ પહોંચાડતાં નથી કે નથી હરીફાઈ કરતાં. એથી સાવ ઊલટું બન્ને એકબીજાના પ્રિયજન છે અને સાથે મળીને સિમ્પથીથી રહે છે. તમને થશે કે રજાના દિવસે આ બધી શું વાત લઈને આપણે શરૂ થઈ ગયા, ખરુંને?

ખરેખર આજે આપણે એક એવા શહેરની વાત કરવી છે જ્યાંની જિંદગી વિશે સાંભળીશું તો ખરેખર જ આપણને બધું સ્વપ્ન જેવું લાગશે, પરંતુ ખરેખર એ સ્વપ્ન સાકાર થઈ ચૂક્યું છે અને એ શહેર ટૂંક સમયમાં રહેણાક વિસ્તાર તરીકે સ્થાપિત થઈ જશે. જપાનના મુખ્ય શહેર ટોક્યોની દક્ષિણ પશ્ચિમે લગભગ ૧૦૦ કિલોમીટર દૂર આવેલા હોન્શુ આઇલૅન્ડ વિશે કદાચ આપણે ક્યારેય નહીં સાંભળ્યું હોય, ખરુંને? પણ જો તમને કોઈ એમ કહે કે એ હોન્શુ આઇલૅન્ડનું નામ જપાનના માઉન્ટ ફુજી સાથે જોડાયેલું છે તો? હા, માઉન્ટ ફુજી વિશે આપણે બધા જ જાણીએ છીએ, રાઇટ? જપાનનાં અત્યંત પવિત્ર શિખરોમાં ત્રીજા સ્થાને ગણાતો માઉન્ટ ફુજી જપાનનો સૌથી ઊંચો પર્વત છે. આજે આપણે એ જ માઉન્ટ ફુજીની આસપાસના એક નવા શહેરની શબ્દસફરે નીકળવું છે.

ઑલમોસ્ટ તૈયાર
હા, તો વાત કંઈક એવી છે કે જપાનના માઉન્ટ ફુજીની તળેટીમાં ૧૭૦ એકરની જગ્યામાં છેલ્લાં કેટલાંક વર્ષથી એક સ્માર્ટ સિટીનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. એની ચર્ચા એટલા જોરશોરથી આખા વિશ્વમાં ઊઠેલી કે વિશ્વભરના કેટલાય લોકો એ રાહ જોઈને બેઠા હતા કે જપાનની ટૉયોટા કંપની દ્વારા બનાવવામાં આવી રહેલું આ સ્માર્ટ ​સિટી ક્યારે બનીને તૈયાર થાય અને ક્યારે અમે એ જોવા જઈએ. તો આવી રાહ જોઈને બેસેલા એ તમામ લોકો માટે ખુશીના સમાચાર એ છે કે જમીનનો એ ટુકડો સ્માર્ટ ​સિટી તરીકે લગભગ-લગભગ તૈયાર થઈ ચૂક્યો છે અને ટૂંક સમયમાં લગભગ ૩૬૦ જેટલા લોકોને ત્યાં રહેવા માટે પણ મોકલવામાં આવશે.

જીવતી-જાગતી પ્રયોગશાળા
હવે આટલું જાણ્યા પછી આપણને એમ થશે કે એવું તે શું છે આ સ્માર્ટ સિટીમાં કે જગત આખું એ વિશે ચર્ચા કરતું હતું? તો જપાનની જાણીતી કંપની ટૉયોટા દ્વારા બનાવવામાં આવી રહેલા આ શહેર વિશે ખરેખર જ જાણવા જેવું છે. ‘વૉઓવેન’ અથવા વોવેન નામનું આ શહેર આજના અત્યંત આધુનિક શહેર કરતાં સાવ ભિન્ન છે. વાસ્તવમાં એ એક જીવતી-જાગતી પ્રયોગશાળા છે એમ કહીએ તો પણ ચાલે. ઘટનાક્રમ કંઈક એવો છે કે જપાનની કંપની ટૉયોટાએ કંઈક એવો વિચાર કર્યો કે એક એવું શહેર બનાવવામાં આવે જ્યાં કાર્બન ઉત્સર્જન શૂન્ય હોય, વાતાવરણને પ્રદૂષિત કરતાં બીજાં કારણોનું પણ અસ્તિત્વ ન હોય અને સાથે જ એ શહેરમાં એવી ટેક્નૉલૉજી હોય કે મનુષ્ય સાથે પગલેથી પગલું મેળવીને જીવે. હવે આ વિચારમાં ત્યાર બાદ એક નવો વિચાર ઉમેરાયો. ધારો કે આ આખા શહેરને જ એક એવું શહેર બનાવવામાં આવે જ્યાં હાલની ટેક્નૉલૉજી અને ભવિષ્યની ટેક્નૉલૉજી પર રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટનું કામ થતું હોય તો? ત્યાર બાદ એક પૂર્ણ વિચાર જન્મ્યો ટૉયોટા સ્માર્ટ સિટી વોવેન બનાવવાનો.  

ડચ આર્કિટેક્ટ બ્યોરેજ કિન્જેલ્સને આ શહેરના ડિઝાઇનિંગનું કામ સોંપવામાં આવ્યું અને સાથે એ ​વિશે વિચાર શરૂ થયા કે લોકોને રહેવા માટેનાં ઘરોનું કન્સ્ટ્રક્શન કઈ રીતે થશે? ૨૦૨૧ના જાન્યુઆરી મહિના સુધીમાં આર્કિટેક્ટ બ્યોરેજ કિન્જેલ્સે સ્માર્ટ ​સિટીની આખી ડિઝાઇન તૈયાર કરી નાખી અને ૨૦૨૨ની શરૂઆતથી શરૂ થયું ફુજી પર્વતની તળેટીને એક શહેરનું રૂપ આપવાનું કામ.

શહેર બાંધ્યું કોણે?
ડિઝાઇન બની જવાથી તો કામ પૂરું થવાનું હતું નહીં. હવે કાગળ અને નકશામાં બનેલી ડિઝાઇનને જ્યારે વાસ્તવિક સ્વરૂપ આપવાનું હોય ત્યારે સૌથી પહેલાં એ વિચારવું પડે કે અહીં રહેવા આવનારા માણસો માટે ઘર કેવાં હશે? એ માટે નક્કી થયું કે દરેક બિલ્ડિંગ વોલવીન વુડ્ઝમાંથી બનાવવામાં આવશે અને એ પણ કઈ રીતે? તો જપાનની વુડ બિલ્ડિંગની પૌરાણિક શૈલી પ્રમાણે બિલ્ડિંગો બનાવવાં અને એ પણ એ રીતે કે એ દરેક બિલ્ડિંગમાં સોલર પૅનલ્સ લગાવવામાં આવી હોય જેથી એમાં રહેતી દરેક વ્યક્તિની રોજિંદી જિંદગીમાં વીજળીનો જે કંઈ વપરાશ થાય એ માટેની જરૂરી વીજળીનું સોલર પૅનલ્સ જ ઉત્પાદન કરી આપી શકે. જોકે આ બિલ્ડિંગો બાંધશે કોણ? એ પ્રશ્નના જવાબમાં જો આપણને એવો વિચાર આવે કે માણસો જ હોયને, બીજું કોણ બિલ્ડિંગો બનાવવાનું? તો તમારો જવાબ ખોટો સાબિત થશે. ઇન્ડસ્ટ્રિયલ રોબો દ્વારા આ તમામ બિલ્ડિંગો બનાવવાનું કામ કરવામાં આવ્યું અને ઘરમાં, બિલ્ડિંગોમાં અને એની આજુબાજુ એવી વનસ્પતિઓ અને ઝાડ ઉગાડવામાં આવ્યાં કે જે સ્વચ્છ વાતાવરણ અને મહત્તમ ઑક્સિજનનું ઉત્પાદન કરે. એટલું જ નહીં, એ આખી વનરાઈઓ વાતાવરણ અને શહેરને મળનારા પાણીની પણ વ્યવસ્થા પૂરી પાડે. રહેણાક ઘરોવાળું આખેઆખું શહેર બની રહ્યું હોય એટલે સ્વાભાવિક છે કે ત્યાં બાગબગીચા-ઉદ્યાનો પણ હોવાનાં જ. વોવેન શહેરના દરેક પાર્ક, રોડ, ઘરો, બિલ્ડિંગો અને એ સિવાયનાં પણ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ રોબો, ટેક્નૉલૉજી, ડેટા અને વાઇ-ફાઇ દ્વારા કનેક્ટેડ હોવાની સાથે જ એ કમ્યુનિકેશન પણ કરી શકે એ રીતે એને બનાવવામાં આવ્યાં છે.

૩૬૦ માણસો માટે ઘર
સોલર પૅનલ્સની તો આપણે વાત કરી જ. આ સિવાય શહેર માટે ઇલે​ક્ટ્રિ​સિટી જનરેશનનો મુખ્ય સોર્સ હશે હાઇડ્રોજન પાવર્ડ ફ્યુઅલ સેલ્સ, જેને કારણે કાર્બન ઉત્સર્જન નહીંવત્ હોવાનું. સાથે જ વાસ્તવમાં આ સ્માર્ટ ​સિટી એક જીવંત પ્રયોગશાળા હશે એમ આપણે આગળ કહ્યું હતું. તો એ કઈ રીતે એ જાણવું પણ રસપ્રદ છે. આ શહેરમાં પહેલા તબક્કામાં ૩૬૦ માણસોને રહેવા માટેનાં ઘરની વ્યવસ્થા કરવામાં આવી જે ખૂબ નજીકના ભવિષ્યમાં વિસ્તરીને ૨૦૦૦ માણસો સુધી કરવામાં આવશે. હવે નવા શહેરના એ બધા જ રહેવાસીઓ વાસ્તવમાં ટૉયોટા કંપનીના જ કર્મચારીઓ હશે જેઓ પોતાના પરિવાર સાથે રહેશે પરંતુ સતત ટેક્નૉલૉજી સાથે કામ કરતા રહેશે, કારણ કે તે કર્મચારીઓ સાયન્ટિસ્ટ્સ અને ટેક્નૉસૅવી એક્સપર્ટ્સ હશે. તેઓ આજના આધુનિક જમાનામાં આર્ટિ​ફિશ્યલ ઇન્ટેજિલન્સ (AI) ટેક્નૉલૉજી કઈ રીતે કામ કરશે એ વિશે તો સંશોધન અને ડેવલપમેન્ટ્સ કરશે જ, સાથે AI ટેક્નૉલૉજીને કઈ રીતે હજી વધુ વિકસાવી શકાય અને એને કઈ રીતે હાલના સમય સાથે સંલગ્ન કરી શકાય એના પર પણ કામ કરશે.

બધું ડિજિટલી કનેક્ટેડ
આજે આપણે જેને ફ્યુચર ટેક્નૉલૉજી કહીએ છીએ એ અહીં ડેવલપ થશે એમ કહીએ તો કદાચ ખોટું નથી. વિચાર કરો કે એક એવી સ્માર્ટ ​સિટી હોય જ્યાં આખું શહેર અને એનું તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાણે એક ડિજિટલ ઑપરેટિંગ સિસ્ટમ દ્વારા કનેક્ટેડ છે. સરળ ભાષામાં કહીએ તો માણસો, બિલ્ડિંગો, વેહિકલ્સ બધું કહેતાં બધું જ એકબીજાથી ડિ​જિટલી કનેક્ટેડ હશે. આ બધાં જ એકબીજા સાથે સંવાદ સાધશે ડેટા અને સેન્સર્સ દ્વારા. મતલબ કે દરેક વ્યક્તિ વર્ચ્યુઅલી અને ફિઝિકલ ગ્રાઉન્ડ પર AI ટેક્નૉલૉજી સાથે કનેક્ટેડ હશે. તેઓ ટેક્નૉલૉજીનું ટેસ્ટિંગ તો કરશે જ, સાથે AI ટેક્નૉલૉજીની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા બન્ને કઈ રીતે અને કેટલી હદ સુધી વિસ્તારી શકાય, એમાં કયા અને કઈ રીતના ફેરફાર કરવા એ બધી જ બાબતો પર કામ કરશે.

અનોખું ટ્રાન્સપોર્ટેશન
અચ્છા, ટ્રાન્સપોર્ટેશન પણ આખા શહેરનું સાવ અલગ પ્રકારનું હશે. વાહનો અને માણસો માટે અલગ-અલગ ત્રણ પ્રકારના રોડ અહીં બનાવવામાં આવ્યા છે. જેમ કે ઝડપથી ટ્રાવેલ કરતાં વેહિકલ્સ માટે સાવ અલગ રોડ અને એ પણ શહેરથી દૂર. ત્યાર બાદ ટ્રાન્સપોર્ટેશનનો બીજો જે વિકલ્પ હશે એ કર્મચારીઓ અને તેમના પરિવારને ટ્રાવેલ કરવા માટે હશે, જે ઝીરો એમિશનવાળાં વેહિકલ્સ હશે. અર્થાત્ હાઇડ્રોજન અને ઍડ્વાન્સ ટેક્નૉલૉજી સાથેનાં વેહિકલ્સ. ત્યાર બાદ ત્રીજો વિકલ્પ સાવ નોખો અને આજ પહેલાં વિશ્વમાં ક્યાંય ઉપયોગ નહીં થયો હોય એવો પ્રયોગ છે. એ છે ડ્રાઇવરલેસ કાર્સ અને ડિલિવરી વેહિકલ્સ માટે એક અલાયદો રોડ. આ રસ્તા પર માત્ર ડ્રાઇવરલેસ વેહિકલ્સ અને ડિલિવરી વેહિકલ્સ દોડશે. આ વેહિકલ્સનું ઉત્પાદન પણ ટૉયોટા દ્વારા જ કરવામાં આવશે. એને ટૉયોટા કંપની ‘ઈ-પેલેટ ઑટોનોમસ વેહિકલ’ તરીકે ઓળખાવે છે. વાસ્તવમાં આ વેહિકલ ટૉયોટા કંપનીએ ટોક્યો ઑલિમ્પિક્સ માટે ડિઝાઇન કર્યાં હતાં. આ સિટીનાં ઘરો અને સ્ટ્રીટ્સને જોડતા રસ્તાઓને એ લોકોએ સુંદર નામ આપ્યું છે, ‘કૉમ્પૅક્ટ વૉકેબલ અર્બન એન્વાયર્નમેન્ટ’ અર્થાત્ પેડે​સ્ટ્રિયન્સ માટે શહેરની વચ્ચેથી

એવા-એવા વૉકવે બનાવવામાં
આવ્યા હશે જેથી માણસો એકબીજાને મળી શકે, વાતચીત કરતાં-કરતાં ચાલતા જઈ શકે. હવે જે શહેર અને કંપની આટલી બધી ટેક્નૉલાૉજી સાથે સ્માર્ટ સિટીનું સર્જન કરવા વિચારી રહી હોય, સ્વાભાવિક છે કે એ ટેક્નૉલૉજી ક્ષેત્રે ક્રાન્તિ લાવનારી જ સાબિત થવાની હોય. ટૉયોટા કહે છે કે કૉ​સ્ટિંગની દૃષ્ટિએ હાઇડ્રોજનનો ઉપયોગ જબરદસ્ત કૉસ્ટ-ઇફેક્ટિવ છે અને એનું સ્ટોરેજ તો એથીયે વધુ સસ્તું પડે છે. વળી બૅટરીનો ઉપયોગ એને કારણે લગભગ નહીંવત્ થઈ જાય છે જેને કારણે જમીનમાંથી મિનરલ્સ ખોદવાની જરૂર નહીં પડે.  

ટ્રાવેલિંગની જરૂર નહીં પડે
આ શહેર લોકોને એવી ટેક્નૉલૉજી સાથે જિવાડશે જેને ‘લો ઇમ્પૅક્ટ ટેક્નૉલૉજી’ કહેવામાં આવે છે. આવું કહેતાં કંપની જણાવે છે કે લોકલ માણસોને રોજિંદી વસ્તુઓ લેવા માટે પણ ક્યાંય ટ્રાવેલ કરવાની જરૂર નહીં રહે. તેમની આજુબાજુની વ્યવસ્થાને જ પ્રોત્સાહન આપતા તે લોકો પોતાની જરૂરિયાત પૂરી કરી શકશે જેને કારણે શહેરના રહેવાસીઓને ટ્રાવેલિંગ કરવાની સૌથીઓછી જરૂરિયાત રહેશે. આટલું બધું હોવા છતાં આજે આપણી નજર સામે દેખાતા મોટાં-મોટાં શહેરો જેવું આ શહેર જરા પણ નહીં હોય. કંપની અને આ સ્માર્ટ સિટીના ડેવલપર્સ કહી રહ્યા છે કે ઊલટાનું આ શહેર પહેલાંના સમયમાં જે નાનાં ગામડાં અને નાનાં શહેરો હતાં એવું હશે.ટેક્નૉલૉજીથી લઈને ઇલેક્ટ્રિક વેહિકલ્સ, ડ્રોન્સ અને માઇક્રો-ટેક્નૉલૉજી તથા સેફ્ટી ટેક્નૉલૉજી ક્ષેત્રે નવાં સંશોધનો અને ડેવલપમેન્ટ્સ કરનારા તજજ્ઞો માટે હાલ આ સ્માર્ટ ​સિટી લગભગ બનીને તૈયાર થઈ ચૂકી છે. અહીં ટૂંક સમયમાં જ રહેવાસીઓ પોતાનાં નવાં ઘર વસાવાશે અને ધીરે-ધીરે આખું શહેર કાર્યરત થઈ જશે. શક્ય છે કે જપાનનું આ  શહેર જોઈને ભવિષ્યમાં આખું  વિશ્વ તેમની આ ટેક્નૉલૉજી અને સ્ટાઇલ ઑફ લિવિંગ અપનાવે. એ સમય દૂર નથી જ્યારે ટેક્નૉલૉ​જિકલી સ્માર્ટ ​સિટી હવે વાસ્તવિક શહેરનું રૂપ ધારણ કરે.

travel travelogue travel news japan gujarati mid-day columnists