20 April, 2026 01:58 PM IST | Mumbai | Varsha Chitaliya
થોરોંગ લા પાસ સમિટ
અંધેરીનાં નમ્રતા વોરાએ પહેલી વાર ટ્રેકિંગ પ્લાન કર્યું હતું પણ કિસ્મતે તેમને માટે કંઈક જુદું જ વિચાર્યું હતું. ખરાબ હવામાનને કારણે કાઠમાંડુથી લુકલાની ફ્લાઇટ રદ થતાં એવરેસ્ટ બેઝ કૅમ્પનો વિચાર પડતો મૂકીને તેઓ અન્નપૂર્ણા સર્કિટ ટ્રેક પર નીકળી ગયાં. આ રોમાંચક અનુભવ પછી તેમણે આવાં વધુ સાહસ કરવાનું મન મનાવી લીધું છે.
નિયમિત યોગ અને વૉક કરવું ફિટનેસ માટે સારું છે. આસપાસના નાના-મોટા ટ્રેક કરીને ઍડ્વેન્ચરનો આનંદ લઈ શકાય, પણ રેગ્યુલર ટ્રેકર્સ ન હોવા છતાં જોખમ ખેડવા માટે જિગર જોઈએ. અંધેરીનાં ૪૪ વર્ષનાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ નમ્રતા વોરાએ જીવનમાં ક્યારેય ટ્રેકિંગ નહોતું કર્યું અને સીધાં જ એવરેસ્ટ બેઝ કૅમ્પ ટ્રેક માટે ઝંપલાવી દીધું હતું. જોકે ‘જાના થા જપાન, પહોંચ ગએ ચીન’ જેવો તેમનો તાલ થયો. પ્લાનિંગ હતું એવરેસ્ટ જોવાનું અને કિસ્મત તેમને લઈ ગઈ અન્નપૂર્ણા સર્કિટ ટ્રેક પર. ૩૦ માર્ચે ૫૪૧૬ મીટર ઊંચું શિખર સર કરી આવેલાં નમ્રતાબહેનના ફર્સ્ટ ટ્રેકિંગમાં આવેલા ટર્નિંગ પૉઇન્ટ અને પછી શરૂ થયેલી સફર કેવી રોમાંચક રહી એ જોઈ લો.
નમ્રતાબહેન રોજિંદા જીવનમાંથી સમય કાઢી યોગ, વૉકિંગ અને કાર્ડિયો એક્સરસાઇઝ કરે છે. ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટીઝમાં પણ તેમની દિલચસ્પી છે. આંદામાન-નિકોબારના પ્રવાસ દરમ્યાન સ્કૂબા ડાઇવિંગ અને હૃષીકેશમાં બન્જી જમ્પિંગ કરવાનું સાહસ ખેડ્યું છે. જોકે આ પહેલાં ટ્રેકિંગ પર નથી ગયાં. સામાન્ય રીતે લોકો નાના ટ્રેક્સથી શરૂઆત કરે છે, પણ તેમણે પહેલી વારમાં મોટું પ્લાનિંગ કરી નાખ્યું.
૫૦૦ મીટરનો ડુંગર નથી ચડ્યાં અને અચાનક ૫૦૦૦ મીટર ટ્રેક કરવાનો વિચાર કેમ આવ્યો એવા પ્રશ્નનો જવાબ આપતાં નમ્રતા વોરા કહે છે, ‘સાહસિક પ્રવૃત્તિમાં રુચિ હતી, પણ કામકાજમાં વ્યસ્ત રહેવાથી ક્યારેય ટ્રેકિંગનો સમય ન મળ્યો. અનુભવ વિના ઝંપલાવવું રાઇટ વે નથી છતાં જોખમ લીધું. બોરીવલીમાં રહેતા અમારા મિત્ર ગૌરવ કારિયા એવરેસ્ટ બેઝ કૅમ્પ (EBC) જવાના હતા એ સાંભળીને થયું કે નાના ટ્રેકની રાહ જોવામાં જિંદગી નીકળી જશે, મોટું જોખમ ખેડી લેવામાં શું વાંધો છે? મારે કોઈને ઇમ્પ્રેસ કરવા ટ્રેકિંગ નથી કરવાનું; શરીર સાથ આપશે તો આગળ વધીશ, નહીંતર પાછી ઘરે આવી જઈશ; અડધેથી પાછા ફરવામાં શરમ નહીં આવે એમ વિચારીને ઝંપલાવ્યું. જોકે ઠંડા પ્રદેશમાં મારું શરીર સાથ નથી આપતું એથી અંદરખાને થોડો ડર હતો. ચૅલેન્જ ફેસ કરવાની અને ટ્રેક પૂરો કર્યા વિના ઘરે આવવાની માનસિક તૈયારી સાથે ઝંપલાવી દીધું. મારું ઘર આઠમા માળે છે. ટ્રેક પર જતાં પહેલાં શરીરની ક્ષમતા વધારવા દોઢ મહિનો દાદરા ચડ-ઊતર કર્યા. કાર્ડિયો એક્સરસાઇઝ અને વૉકિંગનો સમય વધારી દીધો. પુશઅપ્સ પણ કરતી. ૨૦ માર્ચે નેપાલ જવા નીકળ્યાં.’
પૂરા જોશ સાથે નમ્રતાબહેન નેપાલ તો પહોંચી ગયાં, પણ પહેલા દિવસથી જ કસોટી શરૂ થઈ ગઈ. ટૂર-ઑપરેટરે બૅન્ગલોરના એક ટ્રેકરને તેમની સાથે ઍડ કર્યો હતો. ખરાબ હવામાનને કારણે લુકલાની ફ્લાઇટ બંધ થઈ ગઈ. નમ્રતાબહેન કહે છે, ‘નેપાલના લુકલા સ્થિત તેનઝિંગ-હિલેરી ઍરપોર્ટની ગણના વિશ્વના સૌથી ખતરનાક ઍરપોર્ટમાં થાય છે. એ માઉન્ટ એવરેસ્ટનું પ્રવેશદ્વાર છે. ઢાળવાળો રનવે અને સતત બદલાતા હવામાનને કારણે ફ્લાઇટ્સ સવારે જ કાર્યરત હોય. કાઠમાંડુથી લુકલા જવા માટે બે દિવસ રાહ જોઈ. એવરેસ્ટ જોયા વિના ઘરે પાછા ફરવાનું દુ:ખ હતું. પ્રૅક્ટિસ અને તબીબી તપાસ વેડફાઈ ગઈ એવું ફીલ થયું. ટ્રેક કરવાની અમારી ઇચ્છા જોઈને ઑપરેટરે અન્નપૂર્ણા સર્કિટ સજેસ્ટ કર્યું. શેરપાએ સમજાવ્યું કે EBC જેવો જ નઝારો જોવા મળશે, કમર્શિયલ ઍક્ટિવિટી ઓછી છે એથી વધુ આનંદ આવશે. તેમની વાત માનીને ૨૩ માર્ચે અમે ત્રણ ટ્રેકર્સ, બે શેરપા અને બે ગાઇડ મળીને ૭ જણની ટીમે અન્નપૂર્ણા સર્કિટ સ્ટાર્ટ કર્યું.’
અન્નપૂર્ણા સર્કિટ નેપાલના હિમાલયમાં આવેલો વિશ્વપ્રસિદ્ધ રોમાંચક ટ્રેકિંગ રૂટ છે. લાકડાના ઝૂલતા પુલ પરથી નદીઓ ક્રૉસ કરવાનો પડકાર હોવાથી આ માર્ગ મધ્યમથી કઠિન ગણાય છે જેમાં ૫૪૧૬ મીટરની ઊંચાઈએ આવેલો થોરોંગ લા પાસ પસાર કરવાનો હોય છે. અન્નપૂર્ણા સર્કિટને વિશ્વના લાંબા અંતરના ટ્રેક તરીકે માન્યતા આપવામાં આવી છે. રેગ્યુલર ટ્રેકર્સ માટે અઘરું નથી, પણ નમ્રતાબહેન માટે સરળ નહોતું. ૭ જણની ટીમમાં તેઓ એકમાત્ર મહિલા, પહેલો ટ્રેક, બરફમાં ચાલવાનો કોઈ અનુભવ નહીં, ચાલવાની સ્પીડ ઓછી અને માઇનસ ૧૭ ડિગ્રી તાપમાન. નમ્રતાબહેને જુસ્સો જાળવીને આત્મવિશ્વાસ સાથે ચાલવાનું શરૂ કર્યું.
રોમાંચક સફર વિશે તેઓ કહે છે, ‘નેપાલ સરકાર ટ્રેકર્સનું ખૂબ ધ્યાન રાખે છે. કટોકટીના સમયે રેસ્ક્યુ ટીમ તરત આવી જાય. મને અસલામતી નહોતી લાગતી. શેરપા ૧૦ કિલો સામાન ઊંચકી લેતા. બે લીટર પાણી, દવા, પ્રોટીન બાર અને જૅકેટ સાથે ૬ કિલો વજન જાતે ઊંચકવું પડે. સુસવાટા મારતો પવન, બરફમાં પગ ખૂંપી જાય અને ૮૦ ડિગ્રી ઍન્ગલનું ચડાણ પડકારજનક હતું. અમે દરરોજ આશરે ૧૨ કિલોમીટર ટ્રેક કરતા. દિવસ વહેલો શરૂ થાય અને અંધારું જલદી થઈ જાય. સવારે સાડાસાત વાગ્યાની આસપાસ શરૂ કરીને બપોરે અઢી વાગ્યા સુધી ટી હાઉસ (હોમ સ્ટે) પહોંચી જઈએ. ટ્રેકિંગની ફની વાત એ હતી કે શરીર થાકેલું હોય પણ શેરપા સૂવા ન દે. વહેલા સૂઈ જઈએ તો સ્લીપિંગ-પૅટર્ન બગડી જાય અને ઑક્સિજન લેવાની ક્ષમતા ઘટે. આ બહુ મુશ્કેલ હતું. રાતે ૮ વાગ્યે જમવામાં માત્ર દાલ-ચાવલ મળે. પીવા માટે ગરમ પાણી ખરીદી લઈએ. નાહવાનો તો પ્રશ્ન જ નહોતો. હાઈ ઍલ્ટિટ્યુડ પર બધું ચલાવી લેવું પડે. એક દિવસ ચાલવાની છેલ્લી ૪૫ મિનિટ બાકી હતી અને અચાનક હવામાને પલટો ખાધો. બરફ પડવા લાગ્યો. ટી હાઉસ પહોંચવું જરૂરી હતું એથી એક મિનિટ થોભ્યા વિના સળંગ ચાલ્યા. થોડી વારમાં આખો વિસ્તાર બરફથી ઢંકાઈ ગયો. નદી ક્રૉસ કરવા ઝૂલતા પુલનો ઉપયોગ કરવાનો રોમાંચ અલગ જ હતો.’
અન્નપૂર્ણા સર્કિટ ટ્રેકમાં ચાર મોટા પહાડોનું સૌંદર્ય માણવા મળ્યું. તિલોચા પહાડનો નઝારો અવિસ્મરણીય હતો. અહીં મોબાઇલ નેટવર્ક નથી મળતાં એ પ્લસ પૉઇન્ટ હોવાનું જણાવતાં નમ્રતાબહેન કહે છે, ‘મોબાઇલને કારણે આપણે પ્રકૃતિને માણવાનું ભૂલી ગયા છીએ. દુનિયા સાથે ડિસકનેક્ટ થઈ પહાડોમાં ખોવાઈ જવાનો અનુભવ લેવા જેવો છે. ચારે બાજુ બરફની ચાદર ઓઢેલા પહાડો, નદીઓ, ફ્લોટિંગ બ્રિજ અને એક પહાડથી બીજા પહાડ પર જવા હૅન્ગિંગ બ્રિજ... અદ્ભુત સૌંદર્ય. ટ્રેકના છેલ્લા દિવસે ૩૦ માર્ચે સવારે ૪ વાગ્યે ચાલવાનું શરૂ કર્યું અને ૯ વાગ્યે સમિટ પર પહોંચ્યા. એવરેસ્ટ ન જોયાનો અફસોસ ખતમ થઈ ગયો. અડધો કલાક શિખર પર વિતાવ્યો. રિટર્નમાં ૧૭૦૦ મીટર નીચે ઊતર્યા. બીજી એપ્રિલે મુંબઈ લૅન્ડ થયા. આ રોમાંચક પ્રવાસ બાદ વધુ સાહસ ખેડવાની ઇચ્છા છે. હવે હિમાલયમાં કાંચનજંગા ટ્રેક કરવાનું મન બનાવ્યું છે.’