15 June, 2025 01:49 PM IST | Mumbai | Sairam Dave
પ્રતીકાત્મક તસવીર
અત્યારે હું આફ્રિકામાં છું. ફૉરેનના પ્રવાસ હોય ત્યારે જે અનુભવો થાય એ બહુ જોરદાર હોય. આફ્રિકાથી પાછો દેશ પહોંચી જઈશ ત્યારે તમને અહીંના અનુભવ કહીશ પણ અત્યારે મારે વાત કરવી છે છેલ્લે અમેરિકા ગયો એ સમયના અનુભવોની, પણ એ પહેલાં એક ધોળિયાએ મને એક વાત પૂછી એ કહેવી છે.
ધોળીયા ઇંગ્લિશ બોલે ને માળું બેટું, એક તો સ્કૂલ ટાઇમથી અંગ્રેજી આવડે નહીં ને એમાંય આ ધોળિયાનું અંગ્રેજી, પણ ઈ દિવસે મા સરસ્વતીની દયા કે સવાલ સમજાય ગ્યો.
‘યુ આર અ ફોક આર્ટિસ્ટ, ધેન પ્લીઝ ટેલ મી ધ ડિફરન્સ બિટ્વીન અમેરિકન કલ્ચર ઍન્ડ ઇન્ડિયન કલ્ચર ઇન વન લાઇન.’
સવાલ સમજાય ગ્યો એટલે મેં તો હટીને જવાબમાં ચોપડાવી દીધી.
‘ઇફ ઇન ઇન્ડિયા, યુ આસ્ક ઍનીબડી ધૅટ હાઉ મૅની બ્રધર્સ ઍન્ડ સિસ્ટર્સ યુ આ૨? ધેન એની ઇન્ડિયન વિલ સે આઇ હૅવ ટૂ બ્રધર્સ ઍન્ડ ટૂ ઓર વન સિસ્ટર, બટ ધ સેમ ક્વેશ્ચન ઇફ યુ આસ્ક ઇન અમેરિકા, અમેરિકન વિલ સે ધૅટ, આઇ હૅવ ટૂ બ્રધર્સ ફ્રૉમ માય ફર્સ્ટ ડૅડ ઍન્ડ ટૂ સિસ્ટર્સ ફ્રૉમ માય લાસ્ટ મૉમ!’
ધોળિયાનું મોઢું પડી ગ્યું. પછી તેણે મને કાંઈ પૂછ્યું નહીં. ઍનીવે, અમેરિકાની વાત કરીએ. આ આખો દેશ ચાર W ઉપર ટકેલો છે. વર્ક, વુમન, વેધર અને વ્હિસ્કી. અમેરિકામાં વરસાદ પડે એટલે લોકો આકાશ સામે જોઈને અચૂક બોલે કે વૉટ અ રેઇન...! ને ભારતમાં વરસાદ પડે ત્યારે લોકો પહેલાં રસ્તાના ખાડા સામે જુએ ને પછી બોલે, ‘બાપ રે... સલવાણા...’
સોમથી શુક્ર તો અમેરિકામાં બધા મશીનની જેમ કામે વળગે છે. શનિ-રવિના વીક-એન્ડમાં જ એ લોકો જિંદગી જીવે છે. મંગળવારે કો’કના બા કે બાપા ગુજરી જાય તોયે સ્મશાનયાત્રા શનિવારે જ નીકળે, વચ્ચે કોઈને લાશ દફનાવવાનો સમય નથી. અમેરિકામાં મા-બાપની કિંમત સાવ ‘ડસ્ટબિન’ જેવી છે. છોકરાં સાચવવા કૅરટેકરનો ખર્ચ ન કરવો પડે એટલે દેશી મા-બાપને સાથે રાખે.
આપણા દેશમાં જેટલા માણસો છે એટલી અમેરિકામાં ગાડીઓ છે. અહીં માણસદીઠ એક કા૨ છે ને ભારતમાં દર સો માણસે એક ગૅસવાળી અલ્ટો છે! અમેરિકામાં દરેક ગાડીમાં ‘નેવિગેશન’ સિસ્ટમ છે જેના લીધે કોઈ કોઈને રસ્તો કે સ૨નામુ પૂછતું નથી. તમે ઍડ્રેસ ટાઇપ કરો એટલે નેવિગેશન સિસ્ટમમાં તમને તમારી મંજિલ ચિંધાડે. અમે એક વાર ‘ચાઇનીઝ નૂડલ્સ’ ટાઇપ કર્યું તો નેવિગેશન સિસ્ટમે અમારી જ હોટેલનો પાછળનો ભાગ નકશામાં બતાવ્યો. અમે તો નૂડલ્સ ખાવા હોંશે-હોંશે મોટેલના પાછળના ભાગમાં દોડી ગયા. ત્યાં ગયા તો એક કચરાપેટીમાં કોકે એંઠવાડમાં નૂડલ્સ ફેંકી દીધેલા ઈ જોવા મળ્યા!
અમેરિકામાં એંસી-એંસી વરસની ડોસીયું જીન્સ અને ટી-શર્ટ ઠઠારી મેકઅપ કરી ન્યુ યોર્ક અને ન્યુ જર્સીની બજા૨માં આંટા દેતી અમે અમારી સગી આંખે જોઈ છે. અહીં ધોળિયાવ સૌથી વધુ ‘સબવે સૅન્ડવિચ’ ખાય. અમેય મોટા ઉપાડે ન્યુ યૉર્કની ‘સબવે સૅન્ડવિચ’ ખાધી, પણ માંડ-માંડ પૂરી થઈ. મારી સાથે અમેરિકા આવેલા હીમાદાદા કહે કે સાંઈ, આના કરતાં તો આપણી રાજકોટની બાલાજીની સૅન્ડવિચ સારી હોં!
અમેરિકામાં ગાડીનું સ્ટિયરિંગ ડાબી બાજુએ છે. આપણે ત્યાં જમણી બાજુ સ્ટિયરિંગ હોય એટલે હીમાદાદા દરેક વખતે કાર ખોલી ડ્રાઇવિંગ સીટ પર બેહી જાય ને પછી ભોંઠા પડે. અમેરિકામાં ડ્રાઇવર ને એની બાજુમાં બેઠેલાએ સીટબેલ્ટ પહેરવો ફરજિયાત. હીમાદાદાને ફાવે નહીં. હીમાદાદાને સીટબેલ્ટ ‘ગળાફાંસો’ લાગે. હીમાદાદા ક્યે, આ પટ્ટો રોજ પહેરવો એના કરતાં તો શર્ટ ઉપર પટ્ટાની ડિઝાઇન કરાવી લેવાય. રોજની લપ નઈ.
બીજી વિશેષતા, અમેરિકામાં તમામ સ્વિચ નીચેની સાઇડ ઑફ થાય ને ઊંચી કરો તો ઑન થાય તો વળી રેલવેનાં એન્જિન પણ ઊંધાં દોડે. સાલ્લું ન્યાં બધું અવળે પાટે ચડેલું છે. પુરુષોએ અહીં વાંહામાં ને છાતી પર ને હાથ પર જાતજાતનાં ટૅટૂ છૂંદાવેલાં હોય. અમુક ગોરાઓ તો આ ક્રેઝને લીધે આખા બ્લુ-બ્લુ થઈ ગ્યા છે અને શરમની વાત ઈ કે પુરુષોએ પૅન્ટ તો એવી રીતે લબડતાં પહેર્યાં હોય કે આપણને એમ થાય કે પકડશે નહીં તો ક્યાંક હમણાં નાગડો થઈ જાશે..!
જુવાનિયાવ તો જાણે આપણી ઉપર ઉપકાર કરતા હોય એમ કપડાં પહેરે.
આડેધડ-ઊંધાંચત્તાં અને ફાટેલાંતૂટેલાં કપડાં પહેરવાને આખી એક પેઢી ફૅશન ગણે છે. દરજીની ભૂલને અહીં નવી ફૅશનનું નામ અપાય. આ દૃશ્યો જોઈને હીમાદાદાથી રહેવાયું નહીં. મને ક્યે સાંઈ, આવાં કપડાં પહેરવાં એના કરતાં તો આ લોકો કો’ક ગરીબ સાથે સાટાપાટા કરીને બદલાવી લેતા હોય તો? મેં કહ્યું : દાદા, અમેરિકામાં ગાડીયુંનાં સ્ટિયરિંગ ડાબી બાજુએ છે ને હૃદય જમણી બાજુએ. આ બિચાકડા પાસે કપડાં છે પણ પહેરવાની સમજણ નથી. પણ આપણે તો મુસાફરો છીએ, આપણું માનશે કોણ?’
ફૉરેનના દરેક દેશમાં અમને ભાતભાતના ને જાતજાતના અનુભવ થાય. ન્યુ ઝીલૅન્ડ જાઓ તો કોઈ સામું પણ ન જુએ ને આફ્રિકામાં આપણી સામે જોનારાની આંખોમાં કાકલુદી હોય. ફૉરેનના આવા મારા અનુભવો વાંચવા ગમતા હોય તો એ શૅર કરતો રહીશ પણ ભાઈ, દુનિયા આખી ફરી લીધા પછી એક વાત સમજાઈ છે. દેશ જેવી મજા નથી. સામું જોવે ને તરત ક્યે ઃ કાં, આજે મોઢું ઊતરેલું છે?