27 July, 2024 11:40 AM IST | Mumbai | Darshini Vashi
લોખંડવાલા લેકની આ તસવીર જોઈને કોઈ કહી શકે કે આ તળાવ મુંબઈની અંદર શહેરની વચ્ચોવચ હોઈ શકે?
અંધેરીનો લોખંડવાલા કૉમ્પ્લેક્સ મુંબઈની ખૂબ પ્રખ્યાત અને લોકપ્રિય જગ્યા છે. શૉપિંગ હબથી લઈને સેલિબ્રિટીઓનો જમાવડો અહીં હોય છે. આ જ વિસ્તારની પાછળ આવેલા બૅક રોડ પર થોડા ચાલો એટલે લોખંડવાલા લેક રોડ આવે અને જેવા એમાં થોડા આગળ ચાલો એટલે મૅન્ગ્રોવ્ઝ દેખાવાનું શરૂ થઈ જાય. મુંબઈમાં રહેતા મોટા ભાગના લોકો માટે લોખંડવાલા લેક નવું નજરાણું છે. ૧૯૮૦ના વર્ષની આસપાસ નિર્માણ થયેલું આ મીઠા પાણીનું તળાવ અનેક ખાસિયતો અને આકર્ષણ ધરાવે છે એટલું જ નહીં, હમણાં છેલ્લા થોડા સમયથી આ તળાવ કેટલાંક કારણસર છાપાંઓની હેડલાઇન પણ બની રહ્યું છે ત્યારે મુંબઈના આ યુનિક સ્થળ એવા લોખંડવાલા લેક વિશે થોડી ડિટેઇલમાં માહિતી મેળવીએ.
ધવલ શાહ, લોખંડવાલા ઓશિવરા સિટિઝન અસોસિએશનના ડિરેક્ટર
કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું?
અહીંના લોકોનું કહેવું છે કે ૧૯૮૦ પહેલાં અહીં ખાડીવિસ્તાર હતો, પરંતુ ૧૯૮૦ બાદ અહીં ચોખ્ખું પાણી એકત્ર થવા લાગ્યું અને કુદરતી મીઠા પાણીનું સરોવર બની ગયું હતું. એ ઉપરાંત એમ પણ કહેવામાં આવે છે કે અહીં બૉમ્બે સબર્બન ઇલેક્ટ્રિક સપ્લાય (BSES)ના સબ-સ્ટેશનના રસ્તાના નિર્માણ દરમ્યાન મોટો ખાડો પડી ગયો હતો અને ત્યાં પાણી ભરાતાં-ભરાતાં એ તળાવ બની ગયું હતું. પછી ધીરે-ધીરે એની ફરતે મૅન્ગ્રોવ્ઝ બનતાં ગયાં અને આજે મૅન્ગ્રોવ્ઝનું જંગલ બની ગયું છે. જોકે આ તળાવનું નિર્માણ થવું એક આશ્ચર્ય પમાડે એવી વાત હતી. આજે તળાવની આસપાસના ગીચ મૅન્ગ્રોવ્ઝ આગળ વર્સોવા બીચ સુધી જાય છે જે અહીંથી થોડે દૂર છે. લોખંડવાલા લેકની વાત કરીએ તો આ લેકમાં જાણે કુદરતી રીતે સુંદરતા ઊતરી આવી હોય એવો અહીંનો ત્યારે માહોલ રચાયો હતો. જાતજાતનાં પક્ષીઓ, જળચર જીવો અને વન્યસૃષ્ટિ એવી ફૂલીફાલી છે જાણે સિમેન્ટ-કૉન્ક્રીટની દીવાલો વચ્ચે કોઈ નવી દુનિયા રચાઈ ગઈ હોય. એક અંદાજ મુજબ મૅન્ગ્રોવ્ઝ સાથે આ તળાવનો ઘેરાવો લગભગ ૩૦૦ એકરના વિસ્તારમાં ફેલાયેલો છે.
સમૃદ્ધ જીવસૃષ્ટિ
લોખંડવાલા લેકમાં જોવા મળતી લાલ મૂછવાળી બુલબુલ
શાંત સ્થળ, પાણી અને હરિયાળી હોય ત્યાં સ્વાભાવિક રીતે પક્ષીઓ આકર્ષાતાં જ હોય છે. અચરજ પમાડે એવી વાત એ છે કે અહીં લગભગ ૧૨૦ કરતાં વધુ પ્રજાતિનાં પક્ષીઓ જોવા મળે છે. આ તળાવમાં સ્થાનિક પક્ષીઓ તો આવે જ છે, પણ દર વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરી દરમ્યાન હજારો કિલોમીટર દૂરથી અહીં માઇગ્રેટ થયેલાં અનેક પ્રજાતિનાં પક્ષીઓ પણ આવે છે. એ સમયે પક્ષીપ્રેમીઓ અને વાઇલ્ડલાઇફ-લવર્સને જલસો પડી જાય છે. શહેરની અંદર છતાં દૂર રહીને પક્ષીઓ ભયમુક્ત વાતાવરણની અંદર મુક્ત રીતે હરતાંફરતાં હોય છે. કહેવાય છે કે જૂજ કહી શકાય એવાં પક્ષીઓ પણ એક સમયે અહીં જોવા મળી ચૂક્યાં છે અને એની માહિતી બર્ડ-લવર્સ પોતાના આર્ટિકલ્સમાં ટાંકી પણ ચૂક્યા છે જેમાંનું એક છે પૅરૅગ્રીન બાજ. એની ગણના સૌથી ઝડપી પક્ષીમાં થાય છે. વિદેશી બતક ગાર્ગીની પૂર્વીય યુરોપ અને સાઇબીરિયાથી અહીં ઠંડીની ઋતુમાં આવતાં હોય છે. એ સિવાય ઍલેક્ઝાન્ડર પોપટ, વાઇટ થ્રોટેડ કિંગફિશર, બ્લુ કિંગફિશર, લાલ મૂછવાળી બુલબુલ, બ્લૅક વિંગ્ડ સ્ટીલ્ટ, એશિયન કોયલ જેવાં અનેક પક્ષીઓ અને એની વિવિધ પ્રજાતિ અહીં જોવા મળે છે; પણ જ્યારે માઇગ્રેશન સીઝન હોય ત્યારે અને જો નસીબ પણ સાથ આપે ત્યારે આ પક્ષીઓ જોવા મળી શકે છે. જેમ ઉનાળો નજીક આવતો જાય એમ આ તળાવનું પાણી સુકાતું જાય છે અને પક્ષીઓની સંખ્યા ઘટતી જાય છે. સ્પૉટેડ બતકો આજે પણ સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે જોવા મળી જાય છે, પરંતુ આવા સુંદર નઝારાને અત્યારે માનવનિર્મિત પ્રદૂષણનું ગ્રહણ લાગી ગયું છે.
આ છે વાઇટ-થ્રોટેડ કિંગફિશર
અહીં પણ કચરો
જેમ મુંબઈનાં અન્ય તળાવો સાથે થાય છે એમ અહીં પણ માણસોએ ગંદકી ઠાલવવાની શરૂઆત કરી દીધી છે. જ્યાં સુધી આ લેક લોકોની જાણકારીથી દૂર હતું ત્યાં સુધી અહીંની સુંદરતા બરકરાર હતી, પરંતુ જેમ-જેમ આસપાસના લોકોને આ તળાવ વિશે માહિતી મળતી ગઈ અને અહીં આવતાં પક્ષીઓ વિશે જાણવા મળતું ગયું એમ લોકો અહીં આવતા ગયા અને સાથે કચરો પણ લાવીને નાખતા ગયા એટલું જ નહીં, એવા પાણીમાં જ નિર્વાણની સામગ્રી અને ગણપતિની મૂર્તિઓ વિસર્જિત કરવા માંડ્યા. એ ઉપરાંત પ્લાસ્ટિકની બૉટલો, નાસ્તાનાં પૅકેટનાં રૅપર, કાચની બૉટલો વગેરે પણ અહીં નાખી જાય છે જેને લીધે આજે આ તળાવ એનું કુદરતી સૌંદર્ય ગુમાવી રહ્યું છે. જોકે સ્થાનિક રહેવાસીઓ અને અનેક સંગઠનો આ તળાવની સાફસફાઈ અને બચાવકાર્ય માટે છેલ્લાં ૨૫ વર્ષથી સતત કાર્યશીલ રહ્યાં છે. એ વિશે માહિતી આપતાં લોખંડવાલા ઓશિવરા સિટિઝન અસોસિએશનના ડિરેક્ટર ધવલ શાહ કહે છે, ‘પૂજાપાની સામગ્રી પધરાવવાને લીધે તેમ જ ગણપતિવિસર્જન થવાને લીધે આ તળાવની ઊંડાઈ ઘટતી ગઈ છે. ના પાડવામાં આવી હોવા છતાં આજે પણ લોકો પૂજાપાની સામગ્રી, હાર, નાળિયેર વગેરે નાખીને જતા રહે છે. લોકો આવું કરતા અટકે એ માટે અમે લેકના ગેટ પર મોટો કળશ મુકાવ્યો છે જેમાં લોકો પધરાવવાની વસ્તુઓ મૂકી શકે છતાં લોકો પાણીમાં જ બધું નાખી જાય છે એટલું જ નહીં, આ તળાવના પાણીની અંદર માછલીઓ પણ છે. ઘણા લોકો તળાવમાં કંકુ નાખી જાય છે જેની અંદર કેમિકલ હોય છે જે માછલી ખાવાનું સમજીને ખાઈ જાય છે. એનાથી માછલીઓને ભારે નુકસાન થાય છે. અમે તળાવની અવારનવાર સાફસફાઈ કરાવીએ છીએ. માર્ચ દરમ્યાન તળાવનું પાણી સુકાઈ જાય છે એટલે અમે ત્યારે સાફસફાઈ હાથ ધરીને એમાંથી કચરો કાઢી લઈએ છીએ. ઘણા લોકો તો જ્યારે પાણી સુકાવા માંડે ત્યારે અંદરથી માછલી પકડી જાય છે. આસપાસના વિસ્તારમાંથી સાપ પકડાય તો અહીં તળાવમાં છોડી જાય છે એટલે લોકો માટે અહીં લાંબા સમય સુધી ઊભા રહેવું પણ રિસ્કી બન્યું છે.’
ભવિષ્યની યોજના
લોખંડવાલા ઓશિવરા સિટિઝન અસોસિએશન આવતા અઠવાડિયે લગભગ ૧૦૦ જેટલાં નેટિવ ટ્રીનું પ્લાન્ટેશન કરવાનું છે એવું જણાવતાં ધવલ શાહ કહે છે, ‘ઘણા લોકો ટ્રી-પ્લાન્ટેશનના ભાગરૂપે જે મળે એ રોપી દે છે, પણ અમે એવું નથી કરવાના. અમે માત્ર મુંબઈ નેટિવના હોય અને ફ્રૂટ આપતા હોય એવા જ પ્લાન્ટ લગાવીશું, કેમ કે અહીં જે પક્ષીઓ આવે છે એમને ખાવાનું પણ જોઈતું હોય છે. અમે લગભગ ત્રણ ફુટની હાઇટના પ્લાન્ટ લગાડવાના છીએ જેથી એ ટકી શકે. લેકની બન્ને બાજુએ રસ્તો છે. વચ્ચે નૅચરલ ખાઈ જેવો ભાગ છે એમાં પાણી ભરાય છે. જોકે અત્યારે એમાં છલોછલ પાણી ભરાઈ ગયું છે. અમે એને ફૉરેસ્ટ લૅન્ડ તરીકેની માન્યતા મળે એ માટે માગણી કરી રહ્યા છીએ જેથી એનું સંવર્ધન થઈ શકે અને પક્ષીઓને ફરવાનો અવકાશ મળી રહે. અમે નથી ઇચ્છતા કે આ તળાવની હાલત પણ અન્ય તળાવ જેવી થાય. લોખંડવાલા લેક અત્યારે જે કુદરતી રીતે સંપન્ન છે એવી જ રીતે આગળ પણ એને રાખવા માગીએ છીએ. એ તળાવને અન્યના હાથમાં સોંપીને એનું નવીનીકરણ કે બ્યુટિફિકેશન કરવાના નામે એની કુદરતી સુંદરતા છીનવી લેવા નથી માગતા અને એને ટૂરિસ્ટ-સ્પૉટ તો જરા પણ બનવા નથી દેવું, કેમ કે લોકો કુદરતી સૌંદર્યની જરાસરખીયે કદર કરતા નથી.’
(તસવીર - રણજિત જાધવ)
કેવી રીતે પહોંચશો?
લોખંડવાલા કૉમ્પ્લેક્સની પાછળની બાજુએ બૅક રોડ છે ત્યાંથી લોખંડવાલા લેક રોડ પકડી લો. ત્યાંથી વૉકિંગ ડિસ્ટન્સ પર આ લેક છે. અહીં સુધી ઑટોરિક્ષા અને ટૅક્સી પણ આવે છે. ડી. એન. નગર અને વર્સોવા મેટ્રો સ્ટેશન અહીંથી નજીક છે. આ સ્થળની મુલાકાત દિવસ દરમ્યાન લેવાની સલાહ છે.