તમે જે પ્રકારના વીઝા લઈને અમેરિકામાં પ્રવેશ્યા છો એની સવલતોનો ગેરલાભ ન લેશો

04 June, 2025 07:11 AM IST  |  Mumbai | Sudhir Shah

વીઝાધારક અરજી કરીને યોગ્ય કારણો દર્શાવીને તેને અમેરિકામાં રહેવા માટે જેટલો સમય આપ્યો હોય એ વધારવાની માગણી કરી શકે છે. B-1/B-2 વીઝાધારકોને એક વર્ષ સુધી અમેરિકામાં રહેવાની છૂટ મળી શકે છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

અમેરિકાએ પરદેશીઓ જેઓ તેમના દેશમાં ટૂંક સમય માટે નૉન-ઇમિગ્રન્ટ વીઝા પર આવે છે તેમની સગવડ ખાતર ત્રણ ખાસ સવલતો તેમના કાયદામાં આપી છે.

B-1/B-2 નૉન-ઇમિગ્રન્ટ વીઝા પર અમેરિકામાં પ્રવેશતાં બૉર્ડર પર ઇમિગ્રેશન ઑફિસરો તેઓ અમેરિકામાં શા માટે પ્રવેશવા ચાહે છે એ જાણીને તેમને અમેરિકામાં કેટલો સમય રહેવા દેવું એ નક્કી કરે છે. મોટા ભાગના ઇમિગ્રેશન ઑફિસરો B-1/B-2 વીઝાધારકોને અમેરિકામાં છ મહિના રહેવાની પરવાનગી આપે છે.

જો કોઈ અનિવાર્ય સંજોગો ઊભા થાય અને B-1/B-2 વીઝાધારકોને અમેરિકામાં વધુ સમય રહેવાની જરૂરિયાત ઊભી થાય તો ‘એક્સટેન્શન ઑફ ટાઇમ’ની સગવડ આપવામાં આવી છે. વીઝાધારક અરજી કરીને યોગ્ય કારણો દર્શાવીને તેને અમેરિકામાં રહેવા માટે જેટલો સમય આપ્યો હોય એ વધારવાની માગણી કરી શકે છે. B-1/B-2 વીઝાધારકોને એક વર્ષ સુધી અમેરિકામાં રહેવાની છૂટ મળી શકે છે.

જે પ્રકારના નૉન-ઇમિગ્રન્ટ વીઝા મેળવીને એક પરદેશી અમેરિકામાં પ્રવેશ્યો હોય તે તેના વીઝા હેઠળ જે સ્ટેટસ પ્રાપ્ત થતું હોય એ જ કાર્ય કરી શકે. પણ ઘણી વાર B-1/B-2 વીઝાધારકોને અન્ય સ્ટેટસ પર પ્રાપ્ત થતું કાર્ય કરવાની અનિવાર્ય જરૂરિયાત ઊભી થાય છે. તેમની સગવડ ખાતર અમેરિકાના ઇમિગ્રેશનના કાયદામાં ‘ચેન્જ ઑફ સ્ટેટસ’નો પ્રબંધ કરવામાં આવ્યો છે. B-1/B-2 સ્ટેટસમાંથી અરજી કરીને પરદેશી અન્ય નૉન-ઇમિગ્રન્ટ વીઝા પર જે કાર્ય કરી શકાય એ કરવાની પરવાનગી મેળવી શકે છે.

નૉન-ઇમિગ્રન્ટ વીઝા પર અમેરિકામાં પ્રવેશતા પરદેશીઓનું સ્ટેટસ નૉન-ઇમિગ્રન્ટ હોય છે પણ જો તેઓ ઇમિગ્રન્ટ સ્ટેટસ મેળવવા ઇચ્છે અને કાયદેસર એમ કરી શકે તો અમેરિકાના કાયદામાં ‘સ્ટેટસ ઍડ્જસ્ટ’ કરવાની પણ સવલત છે. ટૂંક સમયમાં માટે અમેરિકામાં પ્રવેશેલા પરદેશી તેનું સ્ટેટસ ઍડ્જસ્ટ કરીને ઇમિગ્રન્ટ સ્ટેટસ મેળવીને અમેરિકામાં કાયમ રહી શકે છે.

ખેદપૂર્વક એ કબૂલવું પડે છે કે અનેક ભારતીયો આ સગવડોનો ગેરલાભ ઉઠાવે છે. પહેલેથી જ નક્કી કરીને અમેરિકામાં પ્રવેશે છે કે ત્યાં જઈને તેઓ તેમનો અમેરિકામાં રહેવાનો સમય લંબાવશે અથવા તો સ્ટેટસ ચેન્જ કરશે કે પછી ઍડ્જસ્ટ કરશે. આવું કરતાં જો પકડાશો તો તમારા વીઝા રદ કરવામાં આવશે અને કદાચ તમને ફરી પાછા અમેરિકામાં પ્રવેશવા માટેના કોઈ પણ પ્રકારના વીઝા આપવામાં નહીં આવે.

united states of america travel travel news columnists gujarati mid-day mumbai life and style