લગ્નોમાં ૧૫૦ ને રાજકીય, સામાજિક ધાર્મિક કાર્યક્રમોમાં ૪૦૦ લોકોને છૂટ

31 July, 2021 01:53 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાત સરકારના જાહેરનામાથી ઊઠયા સવાલો : શું લગ્ન પ્રસંગ એ સામાજીક સમારંભ નથી?

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં કોરોનાના કેસ ઓછા થતા રાજ્ય સરકારે જાહેર કરેલી કોરોનાની ગાઇડલાઇનથી સવાલો ઉઠ્યાં છે.લગ્ન પ્રસંગમાં ૧૫૦ વ્યક્તિઓને અને રાજકીય, સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમમાં ૪૦૦ વ્યક્તિને ઉપસ્થિત રહેવાની છૂટ અપાતા વિવાદ ઉઠ્યો છે. એટલું જ નહીં પરંતુ પ્રશ્ન એ ઉઠ્યો છે કે લગ્ન એ સામાજિક સમારંભ નથી? લગ્ન પ્રસંગમાં વધુ વ્યક્તિઓને ઉપસ્થિત રહેવાની છૂટ કેમ નહીં ? 
ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડીને જે નિયંત્રણો અમલમાં મુક્યા છે તેમાં જણાવ્યું છે કે ‘લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૫૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે.અંતિમક્રિયા – દફનવિધિ માટે મહત્તમ ૪૦ વ્યક્તિઓની મંજુરી રહેશે.’
સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન પરથી એવુ સ્પષ્ટ થાય છે કે લગન એ સમાજીક સમારંભ નથી, જેના પગલે તર્ક – વિતર્ક ઉઠ્યા છે. જો લગ્ન પ્રસંગમાં ૧૫૦ વ્યક્તિ અને અંતિમક્રિયામાં ૪૦ વ્યક્તિઓ કરતા વધુ વ્યક્તિઓ એકઠા થાય અને કોરોનાને લઇને કોઇ સમસ્યા સર્જાય તો રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમમાં ૪૦૦ વ્યક્તિઓ એકઠા થાય તો કોરોનાને લઇને કોઇ મુશ્કેલી ન સર્જાય? સરકારનું આ જાહેરનામું અન્યાય કરતું હોવાની લાગણી ઉઠવા પામી છે.
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ મુદ્દે આક્ષેપ કરતા કહ્યું હતું કે ‘એકને ગોળ અને બીજાને ખોળની નીતિમાંથી સમગ્ર ગુજરાતને મુક્ત કરવા સરકારને વિનંતી કરું છું. 
કોવિડ પ્રોટોકોલના દુરુપયોગથી લોકોના અવાજને દબાવવાનો પ્રયાસ થાય, વિપક્ષના કાર્યક્રમોને અવરોધવાનો પ્રયાસ થાય અને બીજી તરફ સરકાર પોતાની વાહવાહી માટે આ જ પ્રોટોકોલનો દુરુપયોગ કરે તે દુઃખદ છે.’ 

gujarat national news