રક્ષાબંધનના પર્વ નિમિત્તે ગુજરાતમાં બસની ૬૫૦૦ એક્સ્ટ્રા ટ્રિપ દોડશે

27 August, 2026 12:48 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં લઈને આ તમામ ૧૦૧ બસ સહિત ૬૫૦૦ એક્સ્ટ્રા ST બસનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે.

મહિલા કન્ડક્ટરોએ હર્ષ સંઘવીના હાથે રાખડી બાંધીને ઍડ્વાન્સમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગઈ કાલે ગાંધીનગરમાં ૧૦૧ નવી સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST) બસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવાની સાથે લોકાર્પણ કર્યું હતું. રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં લઈને આ તમામ ૧૦૧ બસ સહિત ૬૫૦૦ એક્સ્ટ્રા ST બસનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમ્યાન ST બસ નિગમની મહિલા કન્ડક્ટરોએ હર્ષ સંઘવીને રાખડી બાંધીને રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરી હતી.

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ગઈ કાલથી ૩૦ ઑગસ્ટ દરમ્યાન ગુજરાતમાં વિવિધ રૂટ પર ૬૫૦૦ જેટલી એક્સ્ટ્રા ટ્રિપોનું સંચાલન કરવામાં આવશે. એમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવાં મુખ્ય શહેરો અને અંબાજી, પાવાગઢ અને સોમનાથ જેવાં પ્રમુખ તીર્થસ્થાનો પર વિશેષ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે વન અને પર્યાવરણપ્રધાન અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે ‘ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર દ્વારા રાજ્યના નાગરિકો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે સુવિધાજનક, સલામત અને આરામદાયક જાહેર પરિવહન સેવા સુનિશ્ચિત કરવાના ભગીરથ પ્રયાસરૂપે ૧૦૧ ST બસને લોકાર્પિત કરવામાં આવી છે. રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે ST નિગમ દ્વારા નવા રૂટ પર વિશેષ બસસેવા શરૂ કરવામાં આવી છે.’ 

gujarat news gujarat raksha bandhan harsh sanghavi gujarat government gandhinagar