14 May, 2025 07:50 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ટર્કી
ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી વૉર જેવી પરિસ્થિતિમાં પાકિસ્તાનને ડ્રોન આપનાર ટર્કીમાં ફરવા નહીં જવાનો દેશના ઘણાબધા લોકોએ નિર્ધાર કર્યો છે જેમાં અમદાવાદના જૈન લોટસ ગ્રુપના ૮૦૦ સભ્યો પણ સામેલ છે. ટર્કીની ટૂર રદ્દ કરનારા જૈન લોટસ ગ્રુપના સભ્યોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આપણા દેશના દુશ્મન દેશ પાકિસ્તાનને સપોર્ટ કરનાર ટર્કીમાં અમે ફરવા નહીં જઈએ એટલું જ નહીં, આ વર્ષે કોઈ ટૂર નહીં કરીએ.
પાકિસ્તાને ભારત પર જે ડ્રોનથી હુમલા કર્યા એ ડ્રોન મેડ ઇન ટર્કીનાં હતાં અને આ ડ્રોન ટર્કીએ પાકિસ્તાનને આપ્યાં હતાં. જોકે પાકિસ્તાને કરેલા હુમલામાં ભારતીય સેનાએ ડ્રોન તોડી પાડ્યાં હતાં, પરંતુ બીજી તરફ પાકિસ્તાનને સપોર્ટ કરનાર ટર્કી સામે ભારતીયોમાં રોષ ફેલાયો છે અને ટર્કીમાં ફરવા જવાનો બૉયકૉટ કરવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાંથી જૈન સમાજના એકસાથે ૮૦૦ લોકોએ ટર્કીનો પ્રવાસ રદ કરી દીધો છે. એ વિશે વાત કરતાં જૈન લોટસ ગ્રુપના ટ્રેઝરર વિપુલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાછલા દિવસોમાં જે સિચુએશન ઊભી થઈ અને જે રીતે ટર્કી પાકિસ્તાનને સપોર્ટ કરે છે એ જોઈને અમે બધાએ મૉરલ ગ્રાઉન્ડ પર વિચાર્યું કે આપણે ટર્કી ન જવું જોઈએ. આપણા દેશના દુશ્મન દેશ પાકિસ્તાનને બીજો દેશ સપોર્ટ કરતો હોય તો એ દેશને આપણે સપોર્ટ ન કરવો જોઈએ. આ વાતને લઈને અમે ટ્રિપ કૅન્સલ કરી છે. દિવાળી પછી અમારા જૈન લોટસ ગ્રુપના ૮૦૦ જેટલા લોકો ટર્કી જવાના હતા. ૧૨ દિવસ અને ૧૧ રાત્રિની ટૂર પ્લાન કરી હતી. ટર્કીના કાપાડોકિયા, ઇસ્તાંબુલ સહિત ચાર પ્લેસમાં અમે જવાનું નક્કી કર્યું હતું. બધા સભ્યોએ એક જ દિવસે નહીં પણ દર ત્રીજા દિવસે ૮૦ જણના ગ્રુપમાં ટર્કી પહોંચવાનું આયોજન કર્યું હતું, પરંતુ હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ જોતાં અમારા પ્રેસિડન્ટ, જૉઇન્ટ સેક્રેટરી સહિત કોર કમિટીએ બધાના વ્યક્તિગત મત લીધા અને કમિટીએ જૉઇન્ટ નિર્ણય કર્યો કે આપણા દેશના દુશ્મન દેશ પાકિસ્તાનને સપોર્ટ કરનાર દેશ ટર્કીમાં ફરવા માટે નહીં જવું. આપણે આર્મી તરીકે વૉર કરવા નથી જઈ શકવાના, પણ દેશના સપોર્ટમાં આટલું તો કરી શકીએને?’
જૈન લોટસ ગ્રુપના પ્રેસિડન્ટ મયૂર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિવાળી પછી અમે ૮૦૦ જણે ટર્કીનો પ્લાન કર્યો હતો, પણ આતંકવાદના હુમલા પછી જે પરિસ્થિતિ ડેવલપ થઈ એમાં વિચાર કર્યો કે દુશ્મન દેશને જે સપોર્ટ કરે છે એને ત્યાં ન જઈએ એટલે ટર્કી નથી જવું, દેશની સાથે રહેવું જોઈએ, દેશના સપોર્ટમાં ઊભા રહીએ; એટલે ફાઇનલી પ્લાન ડ્રૉપ કર્યો છે. અમારા ગ્રુપના બધા સભ્યોએ એક મત પર આવીને આ નિર્ણય કર્યો છે. અમારી સામાજિક સંસ્થા છે અને ૧૨ મહિનામાં એકાદ ટૂર પોતાના ખર્ચે કરતા હોઈએ છીએ. અમે સભ્યોની સલામતી, સિક્યૉરિટી અને સેફ્ટી પણ વિચારતા હોઈએ છીએ.’