28 August, 2025 06:52 AM IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent
આચાર્ય ધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજ (તસવીર: સોશિયલ મીડિયા)
1947માં આઝાદી પછી ભારત અને પાકિસ્તાનના ભાગલા બાદ વલ્લભસૂરી સમુદાયના વર્તમાન આચાર્ય ધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજ સૌથી પહેલા પાકમાં વિહાર કરવા ગયેલા જૈન મુનિ બની ગયા. પાકિસ્તાનમાં સૌ પ્રથમ વિહાર કરનાર જૈન મુનિ હાલમાં વડોદરામાં ચાતુર્માસ કરવા આવ્યા છે. દરમિયાન તેઓએ તેમના અનુભવ વિશે જણાવ્યું હતું. આચાર્યએ કહ્યું કે તેમને બે વર્ષ પહેલાં લાહોરના ગુજરાનવાલામાં સરકારી મ્યુઝિયમ રાખેલા જૈનોના ગચ્છાના ગુરુદેવ વિજયાનંદસૂરી મહારાજ (આત્મારામજી મહારાજ)ના ચરણપાદુકાનાં દર્શન કરવાનો મોકો મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે તેમણે પાકિસ્તાનમાં થયેલા ખરાબ અનુભવો પણ જણાવ્યા. તેમણે કહ્યું ત્યાં વિહાર દરમિયાન પગાપાળા ચાલવા નહોતા દેવામાં આવતા. અધિકારીઓ વારંવાર ગાડીમાં બેસી જાઓ તેવો આગ્રહ કરતા, જેથી તેમને કઠોર શબ્દો કહેવા પડ્યા. આ સાથે લવ-કુશના ઘરમાં જવા ન દેતા તેમની ઇચ્છા અધૂરી રહી ગઈ.
આચાર્ય ધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાત કરી હતી. આઝાદીને 75 વર્ષ થયા ત્યારથી કોઈ પણ જૈન મુનિ પાકિસ્તાનની ધરતી પર ગયા નહોતા. ભારત અને પાકિસ્તાનની સરકાર દ્વારા વલ્લભસૂરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજ, મુનિરાજ ઋષભચંદ્રવિજય ધર્મ કીર્તિવિજય, મહાભદ્રવિજય મહારાજ અને તેમની સાથે 18 શ્રાવકોને પાક.માં વિહાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. લગભગ બે વર્ષ પહેલાં તેઓ પગપાળા વિહાર કરી લાહોર પહોંચ્યા હતા.
આચાર્ય ધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજે જણાવ્યો અનુભવ
તેમણે કહ્યું કે “પાકિસ્તાનમાં મને સારા-ખરાબ બન્ને અનુભવ થયા. પાકિસ્તાન જવાનો અનુભવ ખૂબ જ રોમાંચક રહ્યો. હું પાક. ગયો ત્યારે ખૂબ ખુશ હતો. પાકિસ્તાનની સીમામાં પ્રવેશ કર્યા બાદ મને એ દેશ આપણા જેવો લાગ્યો, જેથી મને ખૂબ ખુશી થઈ હતી. ત્યાં કોઈ જાય છે ત્યારે સરકારે કરેલી વ્યવસ્થા પ્રમાણે જ જાય. અમે સરકાર સાથે વાતચીત કરીને ગયા હતા. એ સમયે ત્યાંનું વાતાવરણ પણ એવું હતું અને એ દેશમાં હિન્દુઓ સાથે કેવું વર્તન કરે તેના પર ભરોસો ન કરાય, જોકે મારી સાથે એવો કોઇ અનુભવ નહીં થયો.
રસ્તા પર ચાલતા રોકવામાં આવ્યા
“એક જગ્યાએથી બીજી જગ્યા જઈએ ત્યારે પોલીસકર્મીઓ અમને તેમની ગાડીમાં બેસવાનો આગ્રહ કરતા હતા. તમારાથી ચાલતા નહીં જવાય એવું કહેવામાં આવતું હતા. મેં તેમને કહ્યું હતું કે અમે જ્યાં જઇએ ત્યાં ચાલતા જ જઈએ. આ અમારો નિયમ છે. ભારતમાં તમારા જે અધિકારી બેઠા છે તેમને કહીને અમે અહી આવ્યા છીએ. પાકિસ્તાનના ગુજરાનવાલાની ભૂમિ ખાતે મને એટલો આનંદ થયો કે જાણે મારા ગુરુએ તેમના ત્યાં હોવાનો અનુભવ મને કરાવ્યો. એનાથી વધારે મારા માટે કોઈ સારો અનુભવ નથી,” મહારાજે કહ્યું.
પાકિસ્તાનમાં જૈન સમુદાયની સ્થિતિ કેવી?
તેમણે કહ્યું “પાકિસ્તાનમાં હિન્દુ અને શીખ લોકો છે, પરંતુ કોઇ જૈન પરિવાર નથી રહેતો. અમે જ્યાં રોકાયા ત્યાંથી પોલીસ પરવાનગી અને સુરક્ષા વગર બહાર ન જઈ શકાય, જેથી હું તેમના વિશે ખબર નથી. લાહોરમાં ભગવાન રામના પુત્રો લવ અને કુશનું ઘર છે અને મારી ખૂબ ઇચ્છા હતી કે હું એ ઘરની અંદર જઇને જોઇ શકું. હું બહાર સુધી ગયો હતો અને બહારથી ઘરને જોયું, અમે ઘરને ખોલવા માટે વિનંતી કરી, પરંતુ મારી વાત કોઇએ ન સાંભળી.”
આચાર્ય ધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજ વિશે
વડોદરાના જાની શહેરમાં જેન્મેલા વલ્લભસૂરી મહારાજ વર્ષ 1947માં ભારત-પાક.ના ભાગલા પડ્યા તે સમયે પાકિસ્તાનના ગુજરાનવાલામાં ચાતુર્માસ કરી રહ્યા હતા. તે સમયે દેશના તત્કાલીન ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે તેમને વિનંતી કરી હતી કે ત્યનો માહોલ સારો ન હોવાથી તેઓ બધાને લઈને અહીં ભારત આવી જાય. જોકે મહારાજે કહ્યું હતું કે “પાક.માં પણ અનેક જૈન અને હિન્દુઓ છે, તેમનું શું? તમે મને અહીંથી લઈ જવા માગો છો તો હું એકલો નહીં આવું. મારી સાથે તમામ જૈન અને હિન્દુઓ આવશે, તમે તેમની વ્યવસ્થા કરશો તો હું આવીશ.” ત્યારે સરદાર પટેલે સેના મોકલી અને મહારાજ તેમના શિષ્યો અને શ્રાવિક-શ્રાવિકાઓ સાથે ભારત પરત આવ્યા હતા.