પાંચ વર્ષની બાળકીને માતા સામે જ કુહાડીનો ઘા મારીને પાડોશી તાંત્રિકે ચડાવ્યો બલિ

11 March, 2025 07:41 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

માતાએ બૂમાબૂમ કરી, બે પાડોશી પણ આવી પહોંચ્યા; પણ રાક્ષસી ભૂવાએ ધમકી આપીને બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી અને પછી ઘરમંદિરનાં પગથિયાં પર તેનું લોહી છાંટ્યું

રાક્ષસી હત્યારો

અત્યંત કમકમાટી ઉપજાવવાની સાથે કોઈ પણ લોખંડી હૃદયના માનવીનું કાળજું કંપાવી દે એવી નિષ્ઠુર અને ઘાતકી ઘટના ગઈ કાલે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના પાણેજ ગામે બની હતી જેમાં પાંચ વર્ષની બાળકીની તેની માતા સામે જ કુહાડીનો ઘા મારીને હત્યા કરવામાં આવી હતી અને તેનો બલિ ચડાવી દેવાયો હતો. માસૂમ દીકરીની તેની માતા સામે જ હત્યા કર્યા બાદ પાડોશમાં રહેતા કહેવાતા ભૂવાએ તેનું લોહી તેના ઘરમાં આવેલા મંદિરનાં પગથિયાં પર છાંટ્યું હતું. આ ઘાતકી હત્યાની જાણ પોલીસને કરવામાં આવતાં બોડેલી પોલીસ તરત જ ઘટનાસ્થળે દોડી આવી હતી અને માસૂમ બાળકીના હત્યારા લાલા તડવીને ઝડપી લીધો હતો. 

માસૂમ બાળકીની બેરહેમીથી મોતને ઘાટ ઉતારી દેતી અને હૈયું હચમચાવી દેતી આ ઘટના સંદર્ભે બોડેલીના પોલીસ-ઇન્સ્પેક્ટર ડી. એસ. વાઢેરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ૮ વાગ્યે પાણેજ ગામમાં રહેતા રાજુ તડવીની પત્ની જ્યોતિ દીકરીને લઈને તેમના ઘરના વાડા પાછળથી જઈ રહી હતી ત્યારે પાડોશમાં રહેતો લાલા તડવી ત્યાં આવ્યો હતો અને દીકરીને પાછળથી ઉઠાવી તેના ઘરની અંદર રૂમમાં લઈ ગયો હતો. દીકરીની માતાએ બૂમાબૂમ કરી મૂકતાં બે પાડોશીઓ દોડી આવ્યા હતા. એ લોકોએ ઘરમાં જોયું ત્યારે દીકરીને રૂમની વચ્ચે સુવડાવી દીધી હતી અને લાલા તડવીના હાથમાં કુહાડી હતી. માતા અને બે પાડોશીઓએ દીકરીને બચાવવા લાલા તડવીના ઘરમાં ઘૂસવાની કોશિશ કરતાં લાલા તડવીએ તેમને ધમકી આપી કે ઘરમાં આવતા નહીં, તમને પતાવી દઈશ એમ કહીને તરત જ દીકરીના ગળા પર કુહાડીનો ઘા મારી દીધો હતો. કુહાડીનો ઘા ઊંડો વાગતાં ઘટનાસ્થળે જ દીકરીનું મૃત્યુ થયું હતું. દીકરીને મારી નાખ્યા પછી લાલા તડવીના ઘરના એક ખૂણામાં મંદિર છે ત્યાં દીકરીની લાશને લઈ જઈને તેના લોહીના છાંટા મંદિરની સીડી પર છાંટ્યા હતા. આ ઘટના વિશે પોલીસને જાણ કરતાં અમે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને લાલા તડવીની અટકાયત કરી હતી.’

બાળકીની હત્યા કરવાના કારણ વિશે પોલીસે કહ્યું હતું કે ‘આરોપીએ કદાચ પોતાનાં દેવી-દેવતાને પ્રસન્ન કરવા આ કૃત્ય કર્યું હશે. અમે આરોપીની પૂછપરછ કરી રહ્યા છીએ.’

પાંચ વર્ષની માસૂમ બાળકીની ક્રૂર હત્યા કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાસ્થળે ગામના લોકો દોડી આવ્યા હતા. હત્યારો બાળકીની હત્યા કરીને તેના ઘરમાં જ કુહાડી લઈને ફરતો હતો અને કોઈને પણ ઘરમાં આવવા દીધા નહોતા. અરેરાટી ઉપજાવતી આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ-અધિકારીઓ ઘટના સ્થળે દોડી ‍આવ્યા હતા.

Gujarat Crime murder case Protection of Children from Sexual Offences Act POCSO crime news gujarat news gujarat news