ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસથી ૧૪ શંકાસ્પદ મોત

18 July, 2024 07:26 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

બાળદરદીઓનાં સૅમ્પલ ટેસ્ટિંગ માટે પુણે મોકલવામાં આવ્યાં: બાળકને તાવ કે ખેંચ આવે તો તરત ડૉક્ટરને બતાવો

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં ધીરે-ધીરે ચાંદીપુરા વાઇરસથી થતો રોગ બાળકોમાં વધી રહ્યો છે. ગઈ કાલે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ચાંદીપુરા રોગના કારણે ૧ બાળકનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું અને હાલમાં પાંચ બાળદરદી સારવાર માટે ઍડ્મિટ છે. બાળદરદીઓનાં સૅમ્પલ ટેસ્ટિંગ માટે પુણે મોકલવામાં આવ્યાં છે. ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસથી કુલ ૧૪ મૃત્યુ થયાં હોવાની શક્યતા છે અને ૨૬ શંકાસ્પદ કેસ નોંધાયા છે. ચાંદીપુરા વાઇરસથી અત્યાર સુધી એક મૃત્યુ કન્ફર્મ થયું છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં મહેસાણાના ખેરાલુથી ૧ વર્ષના બાળદરદીને તાવ અને ખેંચ આવતાં સારવાર માટે દાખલ કરાયો હતો, તેનું બે દિવસની સારવાર બાદ ગઈ કાલે રાતે મૃત્યુ થયું હતું. આ મરનાર બાળકનું સૅમ્પલ લૅબોરેટરીમાં તપાસ માટે પુણે મોકલવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ૬ દરદી ઍડ્‍મિટ છે એમાં અમદાવાદના બે, સુરેન્દ્રનગરના પાટડીનો ૧, દહેગામનો ૧ અને અરવલ્લીના ધનસુરાથી ૧ બાળદરદીને ઍડ્‍મિટ કરાયો છે.

ચાંદીપુરા વાઇરસ શું છે?

ચાંદીપુરા વાઇરસને ફેલાવતી સૅન્ડ-ફ્લાય ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દીવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહે છે. આ સૅન્ડ-ફ્લાય નરી આંખે જોઈ શકાય એવી સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની હોય છે. એ ગ્રામ્ય વિસ્તારોનાં ઘરોમાં, ખાસ કરીને ગાર લીંપણવાળાં ઘરોમાં દીવાલની તિરાડો તેમ જ દીવાલમાં રહેલાં નાનાં છિદ્રોમાં રહે છે. સૅન્ડ-ફ્લાય ચાંદીપુરા રોગને ફેલાવવા માટે જવાબદાર છે. આ રોગ સામાન્ય રીતે ૦થી ૧૪ વર્ષનાં બાળકોમાં જોવા મળે છે. બાળકને સખત તાવ આવવો, ઝાડા થવા, ઊલટી થવી, ખેંચ આવવી, અર્ધભાન કે બેભાન થવું એ સૅન્ડ-ફ્લાયથી ફેલાતા ચાંદીપુરા રોગનાં લક્ષણો છે. 

gujarat news ahmedabad coronavirus gujarta health tips