ગુજરાતમાં બંગાળવાળી?: આપના નેતાઓ પર વિસાવદરમાં હુમલો

01 July, 2021 09:17 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

વિસાવદર પાસે આવેલા લેરીયા ગામમાં આમ આદમી પાર્ટીના કાફલા પર ગઇકાલે હુમલો થયો હતો

હુમલામાં કારના કાચ તૂટી ગયા હતા તે કારમાં બેઠેલા ઇશુદાન ગઢવી અને આગળ મહેશ સવાણી તસ્વીરમાં દેખાય છે

સૌરાષ્ટ્રમાં વિસાવદર પાસે આવેલા લેરીયા ગામમાં આમ આદમી પાર્ટીના કાફલા પર ગઇકાલે હુમલો થયો હતો. ગળામાં કેસરી ખેસ અને હાથમાં કાળા વાવટા પકડીને આવેલા અજાણ્યા શખસોએ કરેલા હુમલામાં એક કાર્યકર ગંભીર રીતે લોહીલુહાણ થઇ જતા તેના સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં જન સંવેદના યાત્રા યોજીને લોકસંપર્ક અભિયાન શરૂ કર્યું છે. આમ આદમી પાર્ટીમાં તાજેતરમાં જોડાયેલા સુરતના અગ્રણી મહેશ સવાણી, પત્રકારત્વમાંથી રાજકારણમાં જોડાયેલા ઇશુદાન ગઢવી તેમજ આંદોલનકારી પ્રવીણ રામ તેમજ અન્ય કાર્યકરો વિસાવદર પાસે આવેલા લેરીયા ગામમાં કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના ઘરે પરિવારજનોને મળવા જતા હતા તે દરમ્યાન ગામમાં તેમના કાફલા પર હુમલો થયો હતો. કારના કાચ તોડી નાખવામાં આવ્યાં હતા તેમજ એક કાર્યકરને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો.

આમ આદમી પાર્ટીના સ્ટેટ મિડીયા ઇન્ચાર્જે આક્ષેપ કરતા કહ્યું હતું કે ‘જનસંવેદના યાત્રા રોકવા આપના પ્રદેશ આગેવાનો પર જીવલેણ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં ૧૦ કાર્યકરો ઘાયલ થયા હતા.બીજેપી દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો.’

gujarat ahmedabad aam aadmi party saurashtra