અમદાવાદમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે મોટી કાર્યવાહી: 166 બાંગ્લાદેશી ઝડપાયા

03 June, 2026 04:44 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

Ahmedabad Crackdown: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે ઘૂસણખોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ચંડોળા, ગુલાબનગર અને ખોડિયારનગર વિસ્તારોમાં ચલાવવામાં આવેલા વિશેષ અભિયાન દરમિયાન 300થી વધુ શંકાસ્પદ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે ઘૂસણખોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ચંડોળા, ગુલાબનગર અને ખોડિયારનગર વિસ્તારોમાં ચલાવવામાં આવેલા વિશેષ અભિયાન દરમિયાન 300થી વધુ શંકાસ્પદ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં 166 લોકો બાંગ્લાદેશી નાગરિક હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય લોકોના દસ્તાવેજોની ચકાસણી હજુ ચાલી રહી છે.

2 જૂનની રાત્રે અમદાવાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. અટકાયતમાં લેવામાં આવેલા તમામ લોકોને વધુ પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ કેમ્પસમાં રાખવામાં આવ્યા છે.

શહેરભરમાં સર્ચ ઓપરેશન

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચંડોળા વિસ્તારમાં સતત ચાલી રહેલી કાર્યવાહીના કારણે ગેરકાયદે રહેવાસીઓ હવે એક જ સ્થળે રહેવાનું ટાળી રહ્યા છે. પોતાની ઓળખ છુપાવવા માટે તેઓ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીઓ, હોટલો, મજૂરોના આવાસો તેમજ વ્યાવસાયિક સ્થળોએ રહેતા હોવાનું સામે આવ્યું છે.

આ જ કારણસર સમગ્ર અમદાવાદ શહેરમાં એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે ગેરકાયદે વસવાટ કરનારા વિદેશી નાગરિકો સામેની આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.

દલાલો મારફતે બાંગ્લાદેશ મોકલતા હતા પૈસા

પૂછપરછ દરમિયાન કેટલાક બાંગ્લાદેશી નાગરિકોએ કબૂલ્યું હતું કે તેઓ અમદાવાદમાં કમાયેલા નાણાં પોતાના પરિવારજનો સુધી પહોંચાડવા માટે દલાલોની મદદ લેતા હતા. તેઓ પ્રથમ રકમ કોલકાતા મોકલતા અને ત્યારબાદ તે બાંગ્લાદેશ પહોંચાડવામાં આવતી હતી.

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કેટલાક લોકો મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ બાંગ્લાદેશમાં નાણાં ટ્રાન્સફર કરતા હતા. હવે પોલીસ આ સમગ્ર નેટવર્ક અને તેમાં સંકળાયેલા દલાલોની શોધખોળ કરી રહી છે. સાયબર ક્રાઇમની ટીમો પણ મોબાઇલ ફોનમાંથી મળેલી એપ્લિકેશનોની તપાસમાં જોડાઈ છે.

સ્પામાંથી યુવતીઓ બારીમાંથી કૂદી

ક્રાઇમ બ્રાન્ચના જૉઇન્ટ પોલીસ કમિશનર (JCP) શરદ સિંધલે જણાવ્યું કે જ્યારે પોલીસની ટીમ ઓઢવ વિસ્તારમાં આવેલા ક્રિસ્ટલ કોમ્પ્લેક્સ ખાતે પહોંચી ત્યારે કેટલાક સ્પા સેન્ટરોમાં અફરાતફરી મચી ગઈ હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેટલાક સ્પા સેન્ટરોમાં બાંગ્લાદેશી યુવતીઓ કામ કરતી હતી. પોલીસ પહોંચે તે પહેલાં જ સ્પા મેનેજર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અને સ્પા સેન્ટરને બહારથી તાળું મારી દીધું હતું.

પોલીસ અંદર ફસાયેલી યુવતીઓને બહાર કાઢવા માટે દરવાજો તોડવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે કેટલીક યુવતીઓ બારીઓમાંથી કૂદીને ભાગી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, નીચે હાજર કેટલાક સ્થાનિક લોકોએ તેમને ભાગવામાં મદદ કરવા માટે સીડી પણ ગોઠવી હતી. જોકે, પોલીસે કેટલીક યુવતીઓને અટકાયતમાં લીધી છે અને તેમને મદદ કરનાર લોકોની પણ શોધખોળ શરૂ કરી છે.

ગયા વર્ષે પણ થઈ હતી મોટી કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ ગુજરાત પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ગેરકાયદે વસવાટ કરનારા વિદેશી નાગરિકો અને ગેરકાયદે વસાહતો સામે વ્યાપક અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

ખાસ કરીને ચંડોળા તળાવ વિસ્તાર ખાતે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમિયાન અમદાવાદમાંથી 890 અને સુરતમાંથી 134 બાંગ્લાદેશી નાગરિકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. જેમાંથી 600થી વધુ લોકો બાંગ્લાદેશી હોવાનું સત્તાવાર રીતે પુષ્ટિ થયું હતું.

ahmedabad Crime News Gujarat Crime bangladesh gujarat police gujarat news news