અમદાવાદના પ્લેન-ક્રેશમાં મમ્મી ગુમાવનારા દીકરાએ અમેરિકામાં બોઇંગ સામે કેસ કર્યો

14 August, 2025 08:34 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ભારતમાં ટ્રાયલ વર્ષો સુધી લંબાય છે એટલે અમે અમેરિકામાં કેસ લડી રહ્યા છીએ જેથી નિર્ણય વહેલો આવે. અમને વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે.

હીર પ્રજાપતિ

અમદાવાદમાં ૧૨ જૂને દુર્ઘટનાગ્રસ્ત થયેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ Al-171માં પોતાની મમ્મી કલ્પના પ્રજાપતિને ગુમાવનારા પુત્ર હીર પ્રજાપતિએ ઝડપી ન્યાયની અપેક્ષા સાથે બોઇંગ સામે અમેરિકાની ફેડરલ કોર્ટમાં અરજી કરી છે. તેણે વકીલ માઇક ઍન્ડ્રુઝ દ્વારા કેસ કર્યો છે.

આ મુદ્દે જાણકારી આપતાં હીર પ્રજાપતિએ જણાવ્યું હતું કે ‘અમે માઇક ઍન્ડ્રુઝને કેસ સોંપ્યો છે. અમને અપેક્ષા છે કે બ્લૅક-બૉક્સમાંથી મળેલી માહિતીની વિગતો વહેલી તકે અમારી સમક્ષ આવશે જેથી અમે અમારા વકીલ સાથે આગળનાં પગલાં અંગે વધુ નિર્ણયો લઈ શકીએ. ભારતમાં ટ્રાયલ વર્ષો સુધી લંબાય છે એટલે અમે અમેરિકામાં કેસ લડી રહ્યા છીએ જેથી નિર્ણય વહેલો આવે. અમને વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે.’

હીર પ્રજાપતિએ પરિવારને મદદ કરવા બદલ ભારત સરકાર, પોલીસ અને ડૉક્ટરોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘જ્યારે દુર્ઘટના બની ત્યારે ભારત સરકારે અમને ખૂબ મદદ કરી હતી. પોલીસે પણ અમારી મદદ કરી હતી. અમે ડૉક્ટરોના પણ આભારી છીએ જેમણે ઝડપી DNA (ડિઑક્સિરિબો ન્યુક્લેઇક ઍસિડ) ટેસ્ટ પછી મૃતદેહ અમને સોંપ્યો હતો.’

દુર્ઘટનાનો ભોગ બનેલા ૬૫થી વધુ પીડિત પરિવારોનું પ્રતિનિધિત્વ કરતા મુખ્ય વકીલ માઇક ઍન્ડ્રુઝે કહ્યું હતું કે દુર્ઘટનાને બે મહિના થઈ ગયા છે, પણ દુર્ઘટના કેવી રીતે બની એનો જવાબ પરિવારો હજી શોધી રહ્યા છે.

ઉપવાસને કારણે તારીખ બદલી

હીર પ્રજાપતિએ તેની માતા માટે શરૂઆતમાં ૯ જૂનની ફ્લાઇટ બુક કરાવી હતી, પરંતુ એ દિવસે તેમને ઉપવાસ હતો અને કલ્પનાબહેને કહ્યું કે ઉપવાસના દિવસે તેઓ મુસાફરી કરી શકશે નહીં. તેથી તેણે ૧૧ જૂનની ટિકિટ શેડ્યુલ કરી હતી, પણ મમ્મીએ કહ્યું કે તે કોઈ ઑડ તારીખે મુસાફરી કરવા માગતી નથી એટલે આખરે ૧૨ જૂન માટે હીર પ્રજાપતિએ ટિકિટ બુક કરાવી હતી.

ahmedabad plane crash ahmedabad gujarat gujarat news news united states of america air india airlines news