25 June, 2025 08:39 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ઍર ઇન્ડિયાના વિમાનનું બ્લૅક બૉક્સ
નાગરિક ઉડ્ડયન ખાતાના કેન્દ્રીય પ્રધાન રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે ક્રૅશ થયેલા ઍર ઇન્ડિયાના વિમાનનું બ્લૅક બૉક્સ હજી પણ ભારતમાં છે અને ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા એની ચકાસણી કરવામાં આવી રહી છે.
અગાઉના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત ડેટા રિકવરી માટે બ્લૅક બૉક્સ અમેરિકા મોકલે એવી શક્યતા છે, કારણ કે આ ભયંકર દુર્ઘટના પછી આગ લાગવાથી રેકૉર્ડરને ભારે બાહ્ય નુકસાન થયું હતું. જોકે ભારતના AAIBના ડિરેક્ટર જનરલ જી. વી. જી. યુગંધરે એક વિદેશી સમાચાર એજન્સીને મોકલેલી ઈ-મેઇલમાં સ્પષ્ટતા કરી હતી કે આ અહેવાલ તથ્યપૂર્ણ રીતે ખોટો છે. જોકે તેમણે આ સંદર્ભમાં વધુ વિગતો આપી નહોતી.
બ્લૅક બૉક્સ કેમ મહત્ત્વપૂર્ણ છે?
બ્લૅક બૉક્સને ડીકોડ કરવું મહત્ત્વપૂર્ણ છે, કારણ કે એ ક્રૅશનું કારણ અને દુર્ઘટના પહેલાંની ક્ષણોમાં શું થયું હતું એની જાણકારી આપશે. કૉકપિટ વૉઇસ રેકૉર્ડર (CVR) કૉકપિટમાંથી ઑડિયો કૅપ્ચર કરે છે, જેમાં પાઇલટની વાતચીતનો સમાવેશ થાય છે અને ફ્લાઇટ ડેટા રેકૉર્ડર (FDR) સામૂહિક રીતે બ્લૅક બૉક્સ તરીકે ઓળખાય છે. વિમાનમાં આશરે સવાલાખ લીટર એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ હોવાથી એ સળગી જવાથી ક્રૅશ-સ્થળ અને એની આસપાસનું તાપમાન લગભગ ૧૦૦૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. બ્લૅક બૉક્સને ભારે પરિસ્થિતિઓમાં ટકી રહેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હોવા છતાં આટલા તાપમાનથી એને મોટું નુકસાન થયું હતું. AAIBને તપાસ પૂર્ણ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. એણે ક્રૅશના બે દિવસ પછી કૉકપિટ વૉઇસ રેકૉર્ડર (CVR) તેમ જ ફ્લાઇટ ડેટા રેકૉર્ડર (FDR) મેળવ્યા હતા.