અંબાજીમાં એકસાથે ૫૧ શક્તિપીઠની પરિક્રમા કરવા ઊમટ્યા માઈભક્તો

11 February, 2025 12:27 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

માઈભક્તોની સુવિધા સાચવવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. પાંચ સ્થળોએ ભોજન-વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જ્યાં રોજ ૩૦,૦૦૦થી વધુ લોકો પ્રસાદ લઈ રહ્યા છે.

અંબાજી ગબ્બરની ફરતે આવેલી શક્તિપીઠોની પરિક્રમા કરી રહેલા માઈભક્તો.

ઉત્તર ગુજરાતમાં આવેલા યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં આરાસુરી ગબ્બરને ફરતે મૂળ શક્તિપીઠની પ્રતિકૃતિસમાન શક્તિપીઠ બનાવી હોવાથી એક જ સ્થળે એકસાથે ૫૧ શક્તિપીઠની પરિક્રમા કરવા છેલ્લા બે દિવસથી માઈભક્તો ગબ્બર ખાતે ઊમટી રહ્યા છે અને ગબ્બરની ફરતે પરિક્રમા કરીને ૫૧ શક્તિપીઠનાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે ઢળતી બપોર સુધીમાં અંદાજે ત્રણ લાખથી વધુ માઈભક્તોએ ગબ્બરની ફરતે પરિક્રમા પૂરી કરી છે અને આ આંકડો હજી વધશે. માઈભક્તોની સુવિધા સાચવવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. પાંચ સ્થળોએ ભોજન-વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જ્યાં રોજ ૩૦,૦૦૦થી વધુ લોકો પ્રસાદ લઈ રહ્યા છે. સ્વચ્છતા રાખવાની સાથે-સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે.’

ગબ્બર પર પરિક્રમા રૂટ પર જય જલિયાણ સેવા કૅમ્પ માઈક્તોની સેવામાં લાગ્યો છે. આ કૅમ્પના પ્રમુખ હિતેશ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પરિક્રમા કરવા મોટી સંખ્યામાં માઈભક્તો ઊમટી રહ્યા છે ત્યારે તેમની સેવા માટે અમે રોજેરોજ ગરમાગરમ બટાટા પૌંઆ અને ચા બનાવીને પીરસી રહ્યા છીએ. પહેલા દિવસે પચીસ હજારથી વધુ માઈભક્તોએ ચા-નાસ્તાનો લાભ લીધો હતો અને ગઈ કાલ સાંજ સુધીમાં ૪૦ હજારથી વધુ માઈભક્તોને નાસ્તો અને ચા આપ્યાં હતાં.’

ambaji north india gujarat religion religious places gujarat news news