16 April, 2025 01:03 PM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં આવેલા અંબાજી ગબ્બર પર અને ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગ પરથી મધપૂડા દૂર કરવાની કામગીરી ગઈ કાલથી હાથ ધરાઈ છે એના કારણે ૧૭ એપ્રિલ સુધી અંબાજી ગબ્બર ટોચ, ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગ અને રોપવેની સુવિધા બંધ રહેશે.
અંબાજી ગબ્બર પરના માર્ગ પર, ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગ તેમ જ ગબ્બરની અન્ય જગ્યાઓએ મોટી માત્રામાં મધપૂડા થયેલા છે. અત્યારે ઉનાળામાં મધમાખીઓ વારંવાર ઊડવાના કારણે ગબ્બર પર દર્શન કરવાં જતાં તેમ જ ૫૧ શક્તિપીઠ પરિક્રમા કરતા માઈભક્તોની સલામતી જોખમાય છે જેથી યાત્રિકોની સલામતી માટે થઈને મધમાખી દૂર કરવાનો નિર્ણય લઈને ગઈ કાલથી મધપૂડા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્રણ દિવસ બાદ એટલે કે ૧૮ એપ્રિલથી ગબ્બર દર્શન, રોપવેની સુવિધા અને ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગ દર્શનાર્થીઓ માટે ખુલ્લો મુકાશે.