ગાંધીનગર સ્ટેશને કુલ્હડમાં ચા પીતા-પીતા મજાની વાતો કરી અમિત શાહે

09 October, 2021 10:24 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

કુલડીમાં ચા પીધી, પૈસા પણ ચૂકવ્યા, રેલવે-સ્ટેશન પર મહિલાઓ સંચાલિત ટી સ્ટૉલ ખુલ્લો મૂક્યો

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર શાહે ગઈ કાલે ગાંધીનગર કૅપિટલ રેલવે સ્ટેશન પર ચાની ચૂસકી મારી હતી.

ગાંધીનગર કૅપિટલ રેલવે-સ્ટેશન પર ગઈ કાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે મહિલાઓ સંચાલિત ટી સ્ટૉલને ખુલ્લો મૂકીને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ચાની ચૂસકી લગાવીને ચાની લિજ્જત માણી હતી. તેમણે કુલ્હડમાં ચા પીધી હતી અને ચાના પૈસા પણ ચુકવાયા હતા.
અમિત શાહે રેલવે-સ્ટેશન પર માટીકામ કરતી બહેનો સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘તમે બધા માટીની કુલ્હડ બનાવજો. તમને બધાને રોજગારી મળશે અને પ્રદૂષણમુક્ત થશે. તમારા ગામમાં જેમણે માટીકામ કરવાનું બંધ કરી દીધું હોય એ ચાલુ કરાવવું જોઈએ.’
અમિત શાહની વાત સાંભળીને મહિલાઓએ ખાતરી આપતાં કહ્યું હતું કે અમે માટીની કુલડી બનાવીને પછી વેચીશું.અમિત શાહે આ પ્રસંગે કહ્યું હતું કે ‘માટીની કુલડીનો ઉપયોગ રોજગારી સાથે પ્લાસ્ટિક–પ્રદૂષણમુક્ત ભારતની દિશામાં મહત્ત્વનું પગલું સાબિત થશે. માટીકામ સાથે સંકળાયેલા મહિલા સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવેલા ચા માટેની કુલડી સહિતનાં કપ અને વિવિધ માટીના આર્ટિકલ ખરીદવાની વ્યવસ્થા કરીને મહિલાઓને વધુ આત્મનિર્ભર બનાવવામાં આવશે.’
મહિલા સ્વસહાય જૂથ સંચાલિત ટી સ્ટૉલના લોકાર્પણના પ્રથમ દિવસે માટીની કુલડીઓનો જથ્થાબંધ ઑર્ડર મળવાના શરૂ થયા હતા જેના ભાગરૂપે પાલનપુર રેલવે-સ્ટેશન ખાતેથી પાંચ હજાર માટીની કુલડીઓનો ઑર્ડર અમિત શાહના હસ્તે ટી સ્ટૉલની મહિલાઓને આપવામાં આવ્યો હતો. અમિત શાહે અહીં માટીનાં વાસણોનું પ્રદર્શન નિહાળ્યું હતું.
કૅપિટલ રેલવે-સ્ટેશન ખાતે માટીકામ સાથે સંકળાયેલા મહિલા સ્વ સહાય જૂથ નાગેશ્વર સખી બચત મંડળ દ્વારા સંચાલિત ટી સ્ટૉલમાં ચા, તંદૂરી ચા, ગ્રીન ટી, કૉફી, દૂધ અને ઉકાળા સહિતની વરાઇટી ચા–કૉફી યાત્રીઓને ઉપલબ્ધ થશે.
ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય પ્રધાન અમિત શાહે પાનસર ગામે વૃક્ષારોપણ તેમ જ તળાવના નવીનીકરણ કામનું ખાતમુરત કર્યું હતું.

gujarat news gujarat ahmedabad amit shah gandhinagar