07 July, 2025 10:18 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ અને ભૂમિપૂજન કર્યું હતું.
ગુજરાતની મિલ્ક સિટી આણંદમાં ગઈ કાલે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ તેમ જ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિશ્વની પ્રથમ ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે અમિત શાહે કહ્યું હતું કે આ યુનિવર્સિટી ટેક્નિકલ કૌશલ્ય, હિસાબની કુશળતા, વૈજ્ઞાનિક અભિગમ અને સહકારી સંસ્કારોનું શિક્ષણ આપશે.
ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીની ખાસિયતો વર્ણવતાં અમિત શાહે કહ્યું હતું કે...
ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીની સ્થાપના એ સહકારી ક્ષેત્રની તમામ ખામીઓને દૂર કરવાની એક પહેલ છે. આ યુનિવર્સિટી ૧૨૫ એકરમાં ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહી છે અને એ નીતિનિર્માણ, ડેટા-વિશ્લેષણ, સંશોધન અને લાંબા ગાળા માટેની વિકાસની રણનીતિ ઘડવાનું કામ કરશે.
સહકારી ધોરણે ટૅક્સી-સેવા અને વીમા-સેવા શરૂ કરવાના આયોજન વચ્ચે આ ક્ષેત્રને જરૂરી કુશળ માનવ સંસાધન આ યુનિવર્સિટીમાંથી મળી રહેશે.
સહકારી કર્મચારીઓ અને સભ્યોની તાલીમ માટે સુવ્યવસ્થિત વ્યવસ્થાનો અભાવ હતો જે આ યુનિવર્સિટી દૂર કરશે.
આ યુનિવર્સિટી ફક્ત પ્રશિક્ષિત કર્મચારીઓ જ નહીં, ત્રિભુવનદાસ પટેલ જેવા સમર્પિત સહકારી નેતાઓ પણ તૈયાર કરશે. સહકારી ક્ષેત્રમાં થતી ભરતીમાં યુનિવર્સિટીમાંથી શિક્ષણ લેનારાઓને નોકરીઓ મળશે.
ત્રિભુવનદાસ પટેલે ૧૯૪૬માં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની સ્થાપના કરી હતી જે આજે અમૂલ બ્રૅન્ડ તરીકે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત બ્રૅન્ડ બની છે. ૩૬ લાખ મહિલાઓ થકી ૮૦ હજાર કરોડ રૂપિયાનો વ્યવસાય અમૂલ થકી થાય છે. આ પહેલ પોલસન્સ ડેરી દ્વારા થતા અન્યાય સામેની લડત હતી.