08 November, 2025 09:10 AM IST | Vadodara | Gujarati Mid-day Correspondent
મધ્ય પ્રદેશના ભોપાલના રહેવાસી રાહુલ શ્રીવાસે પોતાની કળાથી મુલાકાતીઓનું ધ્યાન ખેંચ્યું છે
ગુજરાતમાં નર્મદા નદીના કિનારે બનાવેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે ચાલી રહેલા ભારત પર્વમાં દેશનાં વિવિધ રાજ્યોની લોકકળા, સંગીત અને સંસ્કૃતિ એકસાથે પ્રદર્શિત થઈ રહ્યાં છે. ૧૫ નવેમ્બર સુધી ચાલનારા આ પર્વમાં મધ્ય પ્રદેશના ભોપાલના રહેવાસી રાહુલ શ્રીવાસે પોતાની કળાથી મુલાકાતીઓનું ધ્યાન ખેંચ્યું છે અને તેમણે બનાવેલાં સંગીતનાં સાધનોની નાની-નાની પ્રતિકૃતિઓએ સહેલાણીઓમાં આકર્ષણ જમાવ્યું છે. રાહુલ શ્રીવાસે ફર્નિચરના વેસ્ટ મટીરિયલમાંથી તબલાં, ઢોલક, હાર્મોનિયમ, સિતાર, વીણા, બીન, મોરલી, જલતરંગ, મૃદંગ, ખંજરી, ડફ, ઝાલર, કરતાલ, સારંગી, શરણાઈ સહિત ૪૦ અલગ-અલગ વાદ્યોની નાની-નાની પ્રતિકૃતિઓ બનાવીને એનું પ્રદર્શન કર્યું છે. આ વાદ્યો આકર્ષક છે અને વોકલ ફૉર લોકલનું ઉદાહરણ છે. ફર્નિચર વેસ્ટમાંથી બનેલાં વાદ્યોની પ્રતિકૃતિએ સૌનાં મન મોહી લીધાં છે. આ બધાં વાદ્યોની પ્રતિકૃતિ હાથથી બનાવીને તેઓ આજીવિકા રળીને આત્મનિર્ભર બન્યા છે અને તેમની સાથે ૨૦ મહિલાઓને રોજગારી પણ આપી રહ્યા છે.