25 May, 2026 03:30 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
ગુજરાતના અમદાવાદમાં એક જાહેર ક્ષેત્રની બૅન્કના કર્મચારીની આરબીઆઈના કરન્સી ચેસ્ટમાંથી રૂ. 8.7 કરોડની ચોરી કરવા અને તેને મિલકતો અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરીને મની લોન્ડરિંગ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
મદદનીશ પોલીસ કમિશનર (ડી ડિવિઝન) હિતેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુપ્ત માહિતીના આધારે પોલીસે શુક્રવારે સોલા વિસ્તારમાંથી આરોપી હર્ષસિદ્ધ કડિયારની ધરપકડ કરી હતી. કાડિયારને 27 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
આરોપી કાલુપુરમાં બૅન્ક ઓફ બરોડાની ગાંધી રોડ શાખામાં જુનિયર જોઈન્ટ કસ્ટોડિયન હતો, જ્યાં આરબીઆઈનું કરન્સી ચેસ્ટ આવેલું છે.
એવો આરોપ છે કે કાડિયારે બે મજૂરો સાથે મળીને વપરાયેલી લોખંડની પેટીઓનો નિકાલ કરવાના બહાને બૅન્કમાંથી રોકડ ચોરી કરી હતી. બોક્સ કથિત રીતે રૂ. 8.7 કરોડની નોટોથી ભરેલા હતા. શંકા ટાળવા માટે, આરોપી 20 એપ્રિલ સુધી કામ પર હાજર રહ્યો. બાદમાં તે લાંબી માંદગીની રજા પર ઉતરી ગયો.
તાજેતરમાં, મુંબઈની યુવતી પર રેપકેસમાં જામીન પર છૂટ્યા પછી પણ સુધરવાને બદલે અમદાવાદ સહિતનાં શહેરોની બીજી યુવતીઓને ફસાવીને રૂપિયા પડાવતા નકલી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) રૉકી ઉર્ફે હિમાંશુ પંચાલને અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે ગઈ કાલે પકડી લીધો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ACP ભરત પટેલે કહ્યું હતું કે ‘હિમાંશુ પંચાલ ડેટિંગ ઍપ અને મૅટ્રિમોનિયલ ઍપ્સ પર ગુજરાત પોલીસના યુનિફૉર્મવાળા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવેલા ફોટો મૂકીને પોતે ગુજરાત પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટર છે એવી ખોટી ઓળખ આપીને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતો હતો અને તેમની પાસેથી રૂપિયા પડાવતો હતો. ૨૦ જેટલી યુવતીઓને ખોટી ઓળખ આપીને અને તેમની સાથે સંબંધો કેળવીને પૈસાની જરૂર છે એમ કહીને તેમની પાસેથી તેણે પૈસા પડાવ્યા છે. હિમાંશુ પંચાલ સામે અમદાવાદમાં ગુના નોંધાયા છે. યુવતીઓને ફસાવીને સંબંધ કેળવ્યા બાદ પોતાને પૈસાની જરૂર છે પણ અમુક રકમ ઓછી પડે છે એમ કહીને શરૂઆતમાં ૫૦,૦૦૦, ૮૦,૦૦૦ કે ૧,૦૦,૦૦૦ રૂપિયા પડાવતો હતો.’ હિમાંશુ પંચાલે એક વર્ષ પહેલાં વિરારમાં રહેતી એક યુવતીને ડેટિંગ ઍપ્લિકેશન મારફત સંપર્ક કરીને લગ્ન કરવા માટે પોલીસની ખોટી ઓળખ આપી હતી. તે યુવતી સાથે હોટેલમાં રોકાયો હતો જે વિશે નાલાસોપારા પોલીસ-સ્ટેશનમાં રેપ અને ખોટી ઓળખ આપવાનો ગુનો નોંધાયેલો છે. આ કેસમાં હિમાંશુ પંચાલની ધરપકડ થઈ હતી અને તે જામીન પર છૂટ્યો હતો. મુંબઈના રેપકેસમાં જામીન પર છૂટ્યા બાદ અમદાવાદની એક યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ૫૦,૦૦૦ રૂપિયા લઈને હિમાંશુ મુંબઈ અને ગોવા ફરવા ગયો હતો. અમદાવાદની ૩ યુવતીઓને તેણે ફસાવી હતી. એમાં એક યુવતીને ફસાવીને તેની પાસેથી લગ્ન કરવાની લાલચ આપીને જુદા-જુદા બહાના હેઠળ ૧,૮૦,૦૦૦ રૂપિયા જેટલી રકમ મેળવી હતી તો બીજી યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને મકાન બનાવવા માટે પૈસા ખૂટતા હોવાનું જણાવીને ૭૯,૭૦૦ રૂપિયા પડાવ્યા હતા. મુંબઈ, અમદાવાદ ઉપરાંત મધ્ય ગુજરાતના ડભાણ તેમ જ મધ્ય પ્રદેશના ભોપાલ, રાજસ્થાનના ઉદેપુરની યુવતીઓને પણ તેણે ફસાવી હોવાની વિગતો બહાર આવી છે. આ તમામ કિસ્સાઓમાં જુદાં-જુદાં પોલીસ-સ્ટેશનોમાં ફરિયાદ નોંધાઈ છે.