15 July, 2025 08:48 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ (BAPS) સંસ્થાના સાળંગપુરના સ્વામીનારાયણ મંદિરના બે સંત અને એક બાળક સહિત પાંચ હરિભક્તો કારમાં બોચાસણથી રવિવારે મોડી રાતે સાળંગપુર પાછા ફરી રહ્યા હતા ત્યારે ગોઝારી ઘટના બની હતી. નદીના નાળામાંથી પસાર થતી વખતે અચાનક પાણી વધી જતાં તેમની કાર ફસાયા બાદ તણાઈ ગઈ હતી. એમાં બેઠેલા ૧૦ વર્ષનો છોકરો, એક સંત અને એક હરિભક્ત સાથે કુલ ત્રણનાં મૃત્યુ થયાં હતાં જ્યારે એક સંત સહિત ચાર લોકો બચી ગયા હતા. આ ગોઝારી દુર્ઘટનાથી BAPSમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.
BAPSના સ્વામીનારાયણ મંદિર સંસ્કૃત વિદ્યાલયના ગૃહપતિ દિવ્યેશ પટેલ બોચાસણ ખાતે દર્શન કરીને ૧૩ જુલાઈની મોડી રાતે સાળંગપુર પાછા ફરતા હતા ત્યારે રાત્રે સવાઅગિયાર વાગ્યે સાળંગપુરથી ચારેક કિલોમીટર દૂર ગોધાવટા પાસે રસ્તામાં એક નાળામાંથી પસાર થતી વખતે કાર પાણીના પ્રવાહના કારણે અધવચ્ચે ફસાઈ ગઈ હતી. કિનારે ઊભેલા કેટલાક લોકોએ દોરડું ફેંકીને કારમાં બેસેલા લોકોને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણીનો પ્રવાહ વધી જતાં કારમાં બેસેલા અપૂર્વપુરુષદાસ સ્વામીએ સાળંગપુરમાં ફોન કરીને મદદ માગી હતી. આ દરમ્યાન ગોધાવટા ગામના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને બચાવી લેવા પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણીનો પ્રવાહ વધી જતાં કાર પાણીમાં તણાવા લાગી હતી અને કાર ખાડામાં ફસાઈ ગઈ હતી. કારમાં આગલી સીટમાં બેસેલા અપૂર્વપુરુષદાસ સ્વામી અને કાર ચલાવી રહેલા દિવ્યેશભાઈ કારનું બારણું ખોલીને બહાર આવી ગયા હતા, પરંતુ તેઓ પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. જોકે તેમના હાથમાં દોરડું આવી જતાં બહાર નીકળી ગયા હતા. પાછળની સીટ પર બેસેલા બે યુવકો પણ બહાર નીકળી ગયા હતા અને દોરડું અને બાવળિયાના સહારે બચી ગયા હતા. બીજી તરફ આખી કાર પાણીમાં ડૂબી જતાં અન્ય કોઈની ભાળ મળી નહોતી. મોડી રાતે ત્રણ વાગ્યે ગામના લોકો અને સંતોએ કાર પાણીમાંથી બહાર કાઢી હતી જેમાં વચ્ચેની સીટ પર બેસેલા ૮૦ વર્ષના કૃષ્ણ પંડ્યા અને દિવ્યેશ પટેલના ૧૦ વર્ષના પુત્ર પ્રબુદ્ધ મૃત્યુ પામેલી અવસ્થામાં મળી આવ્યા હતા, જ્યારે નવદીક્ષિત સંત શાંતચરિતદાસ સ્વામી મળી આવ્યા નહોતા. ગઈ કાલે બચાવટુકડીએ તેમને શોધવા કલાકો સુધી શોધખોળ આદરી હતી જેમાં સાંજે સંત શાંતચરિતદાસ સ્વામીનો મૃતદેહ મળી આવ્યો હતો.