ભુજમાં હમીરસર તળાવ છલકાઈ ગયું, કચ્છનું સફેદ રણ બન્યું દરિયો

09 September, 2025 10:17 AM IST  |  Bhuj | Gujarati Mid-day Correspondent

હમીરસરના કિનારે ભુજવાસીઓ ઊમટ્યા, આજે ભુજમાં રજા : અંદાજે ૧૦ કિલોમીટરના સફેદ રણ એરિયામાં ચારથી પાંચ ફ‍ુટ ભરાયાં વરસાદનાં પાણી

ભુજમાં આવેલું હમીરસર તળાવ છલકાઈ ગયું હતું.

છેલ્લા બે દિવસથી કચ્છમાં સાર્વત્રિક વરસાદ પડતાં ભુજના હમીરસર તળાવમાં નવા નીરની આવક થવાથી ગઈ કાલે સાંજે તળાવ ઓગની ગયું હતું એટલે કે છલકાઈ ગયું હતું જેને કારણે આજે ભુજમાં રજા જાહેર કરવામાં આવી છે. હમીરસર તળાવમાં પાણી આવતાં ભુજવાસીઓ તળાવના કાંઠે ઊમટી પડ્યા હતા. બીજી તરફ વિશ્વવિખ્યાત કચ્છના સફેદ રણમાં વરસાદનું પાણી ભરાઈ જતાં સફેદ રણ હાલમાં જાણે સમુદ્રમાં ફેરવાઈ ગયું હોય એવો નજારો સર્જાયો છે.

ભુજમાં બે દિવસથી વરસતા વરસાદ વચ્ચે શહેરના હૃદયસમા હમીરસર તળાવમાં સતત નવા નીરની આવક થવાથી એ ભરાઈ ગયું હતું. ભુજમાં આ વાત પ્રસરતાં વરસતા વરસાદ વચ્ચે પણ ભુજવાસીઓ હમીરસર તળાવકાંઠે ઊમટ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે તળાવ પાસે પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો હતો. હમીરસર તળાવ ઓગની જતાં ભુજ નગરપાલિકાએ આજે એક દિવસની રજા જાહેર કરી હતી. એટલે આજે ભુજમાં રાજ્ય સરકારની કચેરીઓ અને સ્કૂલોમાં રજા રહેશે.

સફેદ રણમાં પાણી ભરાઈ જવાથી પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

બીજી તરફ કચ્છના છેવાડે આવેલા વિશ્વવિખ્યાત સફેદ રણના વિસ્તારમાં ભારે વરસાદના પગલે પાણી ભરાયાં છે અને રણમાં હવે જાણે કે દરિયો હિલોળા લઈ રહ્યો હોય એવો નયનરમ્ય નજારો સર્જાયો છે. જોકે તદેકારીના ભાગરૂપે પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સફેદ રણ પાસે આવેલા હોડકો ગામના અગ્રણી મુસાભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સફેદ રણમાં રવિવારથી વરસાદનાં પાણી ભરાવાનાં શરૂ થયાં હતાં. ભારે વરસાદને પગલે અંદાજે ૧૦ કિલોમીટર જેટલા રણવિસ્તારમાં વરસાદનાં પાણી ભરાયા  છે. રણમાં હાલમાં ચારથી પાંચ ફુટ પાણી ભરાયાં છે.’

બનાસકાંઠામાં ૫૦૦થી વધુ લોકોનું સ્થળાંતર : ૧૩ ગામ સંપર્કવિહોણાં : ૨૭૯ ગામમાં વીજપુરવઠો ખોરવાયો

હમીરસર તળાવ છલકાઈ જવાથી વરસાદમાં ભુજવાસીઓ તળાવના કિનારે ઊમટ્યા હતા.

છેલ્લા બે દિવસથી બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પડી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું છે. બનાસકાંઠામાં ૫૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.

બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર મિહિર પટેલે કહ્યું હતું કે ‘વરસાદને કારણે વાવ, થરાદ, ભાભર અને સુઇગામ તાલુકાઓમાં વધુ અસરગ્રસ્ત ૧૩ ગામો સંપર્કવિહોણાં બન્યાં છે. બનાસ ડેરીના સહયોગથી દોઢ લાખ જેટલાં ફૂડ-પૅકેટ્સ બનાવ્યાં છે અને વિતરણ કરવામાં આવ્યું છે. ભારે પવન સાથે પડેલા વરસાદથી ૨૫૮ જેટલા વીજળીના થાંભલાને નુકસાન થયું છે અને ૨૭૯ ગામોમાં વીજળી નથી. એ ગામોમાં મરામત કરીને ફરી વીજપુરવઠો શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. ૬ જેટલાં પશુઓનાં મૃત્યુ થયાં છે.’

ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં ૪ ઇંચથી વધુ, દિયોદરમાં બે ઇંચ, થરાદમાં દોઢ ઇંચ જેટલો, વાવમાં સવા ઇંચ, લાખણી તાલુકામાં એક ઇંચથી વધુ, ધાનેરામાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પાટણ જિલ્લાના સાંતલપુરમાં ૩ ઇંચ અને રાધનપુરમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

પાટણના સાંતલપુરમાંથી રેસ્ક્યુ કરીને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

રાપરના માનગઢમાંથી ૨૦ લોકોનું સ્થળાંતર, ૨૦ વિદ્યાર્થીઓને પોલીસે સુર​ક્ષિત સ્થળે ખસેડ્યા

લખપત તાલુકામાં પોણાછ ઇંચ અને રાપરમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો : કચ્છને મેઘરાજાએ ધમરોળતાં જનજીવન થયું પ્રભાવિત

ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં સૌથી વધુ પોણાછ ઇંચ જેટલો વરસાદ કચ્છના લખપત તાલુકામાં પડ્યો હતો, જ્યારે રાપરમાં પાંચ ઇંચ જેટલા વરસાદ સાથે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થવાથી જનજીવન પ્રભાવિત થયું હતું. રાપર તાલુકાના માનગઢમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતાં ૨૦ લોકોનું સ્થળાંતર કરાયું હતું તો રાપરમાં રબારી સમાજની હૉસ્ટેલ પાસે પાણીનો પ્રવાહ વધતાં સલામતીના કારણસર ૨૦ વિદ્યાર્થીઓને પોલીસે સુર​િક્ષત સ્થળે ખસેડ્યા હતા.

ગઈ કાલે મેઘરાજાએ કચ્છને ધમરોળ્યું હતું. સાંજે ૬ વાગ્યા સુધીમાં કચ્છના લખપત તાલુકામાં ૧૪૧ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત રાપરમાં પાંચ ઇંચ, ભચાઉમાં ૪ ઇંચથી વધુ, નખત્રાણા અને ગાંધીધામમાં ૪ ઇંચ, ભુજમાં સવાત્રણ ઇંચ, અંજારમાં ૩ ઇંચ, અબડાસામાં બે ઇંચથી વધુ અને માંડવીમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.

કચ્છના ૮ રસ્તા પ્રભાવિત થતાં બંધ કરવામાં આવ્યા હતા. ભારે વરસાદના પગલે સાંતલપુર–રાધનપુર નજીક નૅશનલ હાઇવે પર પાણી ફરી વળતાં લાંબો ટ્રાફિક જૅમ થયો હતો.

કચ્છમાં અનેક રસ્તાઓ પર તેમ જ કૉઝવે પર પાણી ફરી વળતાં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટની બસના ૧૦ રૂટની ૧૮ ટ્રિપ રદ કરવામાં આવી હતી.

ભારે વરસાદથી કચ્છના રાપર, ભુજ, અંજાર, મુંદ્રા, અબડાસા, નખત્રાણા, માંડવી તાલુકામાં આવેલા ૯ ડૅમ ભરાઈ ગયા છે. અંજાર તાલુકામાં ટપ્પર ડૅમના ૭ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું. ડૅમના નીચાણવાળાં ગામોને અલર્ટ કરવામાં આવ્યાં હતાં.

રાપર તાલુકામાં મેવાસા ગામ પાસે સિંચાઈ માટેના ડૅમનો પાળો તૂટતાં ધસમસતાં પાણી વહ્યાં હતાં.

વરસાદને કારણે પૂર્વ કચ્છનાં ૧૮ ગામો અને પશ્ચિમ કચ્છનાં ૨૦ ગામોના વીજપુરવઠાને અસર પહોંચી છે.

bhuj kutch rann of kutch gujarat monsoon news floods in india gujarat news news