ઍક્શન ઑન ધ સ્પૉટ

14 September, 2021 11:23 AM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે બપોરે બે વાગીને વીસ મિનિટે શપથ લઈને ગુજરાતના નવનિયુક્ત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રધાન મંડળ માટે મીટિંગમાં જવાનું હતું પણ એ મીટિંગ કૅન્સલ કરીને તેઓ સીધા પોતાની ઑફિસમાં આવ્યા અને સૌરાષ્ટ્રમાં આવેલા ફ્લડની કામગીરી પર લાગી ગયા

ગુજરાતના નવનિયુક્ત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મીટિંગમાં

ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાનપદ માટે શપથ લીધા. શપથવિધિ પૂરી કર્યા પછી તેમણે તરત જ સી. આર. પાટીલ અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલ તથા પાર્ટીના અન્ય સિનિયર નેતાઓ સાથે મીટિંગ કરીને એ મીટિંગમાં તેમનું પ્રધાન મંડળ ફાઇનલ કરવાનું હતું પણ એ બધું પડતું મૂકીને ભૂપેન્દ્ર પટેલ સીધા પોતાની ઑફિસ પહોંચ્યા હતા અને ઇમિડિએટ ઍક્શનથી સૌરાષ્ટ્રમાં આવેલા ફ્લડના રાહતકાર્ય માટેની મીટિંગ પર લાગ્યા હતા. આ મીટિંગ પણ તેમણે શપથ પછી તરત જ બોલાવી લીધી હતી.

શપથવિધિ પછીનું પહેલું કામ તેમણે પોતાના સ્ટાફને કૉન્ફરન્સ રૂમમાં બોલાવવાનું કર્યું અને ત્યાંથી જ જામનગર અને રાજકોટ કલેક્ટર સાથે વાત કરી બચાવ અને રાહત કામગીરી વિશે જાણકારી મેળવીને એનડીઆરએફ ટીમ માટેની ડિમાન્ડ પણ મૂકી દીધી હતી. ઍક્ટિવનેસની ચરમસીમા તો ત્યારે દેખાય છે જ્યારે કૉન્ફરન્સમાં આવેલા ચીફ સેક્રેટરી અને સેક્રેટરી પાસે તેમણે સૅટેલાઇટ પિક્ચર્સ અને વેધર ડિપાર્ટમેન્ટના લેટેસ્ટ રિપોર્ટની માગણી કરી અને એ રિપોર્ટ જોઈને તેમણે દર બે કલાકે આ બાબતમાં અપડેટ લેતા રહેવાની અને તેમને પહોંચતો રહે એ માટેની સૂચના આપી.

અગાઉથી નક્કી થયા મુજબ ભૂપેન્દ્ર પટેલે પોતાના પ્રધાન મંડળનું લિસ્ટ તૈયાર કરીને એ વિધાનસભ્યોને જાણ કરવાનું હતું પણ તેમણે એ મીટિંગ રાત પર રાખી દીધી. પહેલાં નવું પ્રધાન મંડળ બુધવાર સુધીમાં નક્કી થવાનું હતું પણ હવે એ ચોવીસથી છત્રીસ કલાક પાછળ ઠેલાશે.

gujarat gujarat news gujarat cm bhupendra patel saurashtra Rashmin Shah