કચ્છના નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકામાં દબાણ-હટાવ ઝુંબેશ મુલતવી રાખો

03 May, 2025 03:17 PM IST  |  Kutch | Gujarati Mid-day Correspondent

અબડાસાના BJPના વિધાનસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્ય પ્રધાનને પત્ર લખીને કહ્યું...

પ્રદ્યુમનસિંહ જાડેજા

કચ્છના અબડાસા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સ્થાનિક ગામડાંઓની પરિસ્થિતિ જાણીને, મનોમંથન કરીને, નાના માણસોની રોજીરોટી સામે જોઈને, માનવીય અભિગમ દાખવીને નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકાઓમાં તાત્કાલિક અસરથી દબાણ-હટાવો ઝુંબેશ હાલ પૂરતી મુલતવી રાખવા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના પ્રધાનોને પત્ર લખીને રજૂઆત કરી છે. એટલું જ નહીં, ખનીજચોરોની ખનીજચોરી બંધ કરાવવાની અને ભૂમાફિયાઓએ પચાવી પાડી છે એ જમીન ખુલ્લી કરાવવાની માગણી કરી છે.  

પ્રદ્યુમનસિંહ જાડેજાએ લખેલો પત્ર ગઈ કાલે સોશ્યલ મીડિમાં વાઇરલ થયો હતો. આથી વાઇરલ થયેલા પત્ર બાબતે ‘મિડ-ડે’એ પ્રદ્યુમનસિંહ જાડેજાનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે ‘હા, આ મારો પત્ર છે.’ 

પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાન અને ગુજરાત પ્રદેશ BJPના અધ્યક્ષ સી. આર. પાટીલ, ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને કચ્છ જિલ્લાના પ્રભારી પ્રધાન પ્રફુલ પાનસેરિયાને પત્ર લખ્યો છે. એમાં તેમણે જણાવ્યું હતું કે ‘સરકાર દ્વારા મારા મતવિસ્તારમાં દબાણો હટાવવાની જે નોટિસો આપેલી છે એના અનુસંધાને જણાવવાનું કે સરકારી જમીનો પર નાના-ગરીબ માણસો કાચાં-પાકાં મકાનો કે ઝૂંપડાંઓ બનાવીને રહે છે તેમ જ અમુક માલધારીઓ પશુઓ માટે વડીલોપાર્જિત વાડા ધરાવે છે. પશુપાલકો અને અમુલ લોકો નાની-મોટી કૅબિન, ચાની લારી કે હોટેલ, લૉજ વગેરે કરીને માંડ-માંડ ધંધો-રોજગારી મેળવી રહ્યા છે. હાલમાં મારા વિસ્તારમાં કોઈ રોડ, આરોગ્ય વિષયક, શૈક્ષણિક હેતુ વગેરે માટે કોઈ જમીનનો ઉપયોગ કરવાનું નથી કે કોઈ વિકાસનું કામ કે કોઈ ડેવલપમેન્ટ કરવાનું કોઈ આયોજન નથી. એટલે કોઈને અડચણરૂપ પણ નથી એવા ગરીબ અને નાના લોકોનાં દબાણો હટાવવાનું કોઈ કારણ રહેતું નથી. અહીં બૉર્ડર-વિસ્તાર છે, રોજગારીના સહેજે વાંધા છે. આથી અહીં આવું કરવામાં આવશે તો નાછૂટકે આ વિસ્તારના લોકોને અહીંથી સ્થળાંતર કરવું પડશે. જે મોટા ગુનેગારો છે અને પ્રજા તેમનાથી ત્રસ્ત છે તેવા ગુનેગારોનું દબાણ હટાવવું વાજબી છે. ખાસ જણાવવાનું કે જે મોટા ખનીજચોરો છે તેમની ખનીજચોરી બંધ કરાવવા મેં વારંવાર રજૂઆત કરી છે. જ્યાં મોટા બિલ્ડરો અને ભૂમાફિયાઓએ બિ​લ્ડિંગો બનાવીને દબાણો કર્યાં છે એ જમીનો ખુલ્લી કરાવવી જરૂરી છે. મોટા-મોટા ઉદ્યોગોએ અને ખુદ ફૉરેસ્ટ વિભાગ દ્વારા તેમ જ ફૉરેસ્ટની જમીનમાં પણ ઉદ્યોગો દ્વારા મોટા પાયે દબાણ કરવામાં આવી રહ્યું છે એ ખુલ્લું કરાવવું જોઈએ.’

bharatiya janata party kutch gujarat gujarat news news gujarat politics political news