પાકિસ્તાનને માહિતી પહોંચાડતો બીએસએફનો જવાન પકડાયો

26 October, 2021 10:03 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

એટીએસે ગાંધીધામમાં ફરજ બજાવતા એક જવાનને ઝડપ્યો, વૉટ્સઍપ દ્વારા માહિતી મોકલીને પૈસા કમાતો

બીએસએફનો જવાન સજ્જાદ મોહમ્મદ ઇમ્તિયાઝ

પૈસા કમાવાની લાલચમાં આવીને દેશવિરોધી પ્રવૃત્તિ કરીને પાકિસ્તાનને ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પહોંચાડતા બીએસએફના એક જવાન સજ્જાદ મોહમ્મદ ઇમ્તિયાઝને ગઈ કાલે ગુજરાત એટીએસે કચ્છના ભુજમાંથી ઝડપી લીધો હતો.

મળેલી બાતમીના આધારે એટીએસના એસ. પી. ઇમ્તિયાઝ શેખ, નાયબ પોલીસ અધીક્ષક બલવંતસિંહ ચાવડા તથા પોલીસ-ઇન્સ્પેક્ટર વી. બી. પટેલ દ્વારા તપાસમાં ખબર પડી હતી કે ૨૦૧૧થી ૨૦૧૨ દરમ્યાન સજ્જાજ ૪૬ દિવસ પાકિસ્તાનમાં રોકાયો હતો. સજ્જાદ બીજો ફોન વાપરતો હતો. આ સિમ કાર્ડ ત્રિપુરાના ઇન્દ્રનગરના સત્યગોપાલ ઘોષના નામે નોંધાયેલું હતું. આ કૉન્સ્ટેબલે ફોન પર ઓટીપી મેળવીને પાકિસ્તાનમાં આ ઓટીપી મોકલીને વૉટ્સઍપ ચાલુ કરાવીને તે ગુપ્ત માહિતી પહોંચાડતો હતો. આ નંબર પર હાલમાં પણ વૉટ્સઍપ ચાલુ છે. એ કાર્ડ પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિ વાપરે છે અને સજ્જાદ સાથે સંપર્કમાં છે. આ સજ્જાદ ગુપ્ત માહિતી બદલ તેનો ભાઈ વાજીદ તથા તેની સાથે નોકરી કરતા મિત્ર ઇકબાલ રશીદના ખાતામાં પૈસા જમા કરાવી મેળવતો હતો.

એટીએસના અધિકારીઓએ ગઈ કાલે ભુજના બીએસએફ સ્ટેશન હેડક્વૉર્ટરમાં જઈને સજ્જાદને ઝડપી લીધો હતો અને તેની પાસેથી બે મોબાઇલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

gujarat gujarat news pakistan