ગુજરાત બીજેપીમાં ડખો

16 September, 2021 10:38 AM IST  |  Mumbai | Shailesh Nayak

જૂના જોગીઓની બાદબાકી થવાનાં એંધાણને કારણે અસંતોષ ફેલાયો હતો અને બીજેપીનો આંતરિક વિખવાદ પણ સપાટી પર આવી ગયો હતો. 

ગુજરાતમાં પ્રધાનમંડળનો ગઈ કાલે શપથવિધિ સમારોહ યોજાવાનો હતો એનું બૅનર. એમાં તારીખ ૧૫-૦૯-૨૦૨૧ લખેલી દેખાય છે. હવે આજે શપથવિધિ યોજાવાની છે.

ગુજરાતમાં મુખ્ય પ્રધાન બદલાયા બાદ ગઈ કાલે નવા પ્રધાનમંડળનો શપથવિધિ સમારોહ યોજાવાનો હતો, પરંતુ અગમ્ય કારણોસર આ સમારોહ મોકૂફ રખાયો હતો. આ સમારોહ હવે આજે યોજાશે. નક્કી થયેલો શપથવિધિ સમારોહ કેમ મુલતવી રખાયો તે અંગે સત્તાવાર કોઈ જાહેરાત ન થતાં બીજેપીમાં નો રિપીટ થિયરીના મુદ્દે સિનિયર નેતાઓમાં અસંતોષ ઊભો થયો હોવા સહિતની જાત-જાતની અટકળોને છૂટો દોર મળ્યો હતો જેના પગલે નવા પ્રધાનમંડળના શપથ પર ગ્રહણ લાગ્યું હતું.
ગુજરાતના નવા મુખ્ય પ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી થયા બાદ નવા પ્રધાનમંડળ માટે ગઈ કાલે શપથવિધિ સમારોહ યોજાવાનો હતો. રાજભવન ખાતે સવારથી જ એ માટેની ચહલપહલ શરૂ થઈ ગઈ હતી. ખુરશીઓ તેમ જ ફૂલહાર લાવી દેવામાં આવ્યાં હતાં. સ્ટેજની સજાવટ ચાલી રહી હતી. શપથવિધિ સમારોહના બૅનરો અને પોસ્ટરો લાગી ગયાં હતાં. જોકે બપોરે અચાનક જ સીએમઓમાંથી ટ્વીટ થયું કે શપથવિધિ સમારોહ કાલે બપોરે દોઢ વાગ્યે યોજાશે. આ જાહેરાત પછી રાજભવનની બહાર લાગેલાં શપથવિધિ બૅનરો તેમ જ સ્ટૅન્ડીને હટાવી લેવામાં આવ્યાં હતાં.
કેમ સમારોહ મોકૂફ રહ્યો એ અંગે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરવામાં ન આવતાં અટકળોને છૂટો દોર મળ્યો હતો. શિસ્તબદ્ધ ગણાતી બીજેપીમાં નો રિપીટ થિયરીના મામલે ડખો થયો હોવાની ચર્ચા ઊઠી હતી. આ થિયરી કારણે સિનિયર નેતાઓમાં નારાજગી ફેલાઈ હતી. જૂના જોગીઓની બાદબાકી થવાનાં એંધાણને કારણે અસંતોષ ફેલાયો હતો અને બીજેપીનો આંતરિક વિખવાદ પણ સપાટી પર આવી ગયો હતો. 
બીજી તરફ કૉન્ગ્રેસમાં છોડીને બીજેપીમાં આવેલા આગેવાનોમાં પણ નારાજગીનો સૂર હોવાનું તેમ જ બધું છોડીને બીજેપીમાં આવ્યા હોવાથી અન્યાય થયો હોવાની લાગણી જન્મી હોવાનું કહેવાય છે. જોકે કોઈ નેતા આ મુદ્દે ખોંખારીને બોલવા તૈયાર નથી. 
ગુજરાત બીજેપીમાં ઊકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાતાં ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલના નિવાસસ્થાને ગઈ કાલે સવારથી જ બેઠકોનો દોરનો ધમધમાટ રહ્યો હતો અને હાઇ વૉલ્ટેજ ડ્રામા જેવો ઘાટ સર્જાયો હતો. જોકે આ બધા ઉતાર-ચઢાવ વચ્ચે બીજેપીએ ડૅમેજ કન્ટ્રોલની કવાયત હાથ ધરાઈ હતી.
દરમ્યાન, ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલના નિવાસસ્થાને દક્ષિણ ગુજરાતના વિધાનસભ્યોની મળેલી બેઠક બાદ બહાર આવેલા ગણપતસિંહ વસાવાને જ્યારે મીડિયાએ પ્રશ્નો પૂછ્યા ત્યારે તેમણે એટલું જ કહ્યું હતું કે ‘બીજેપીમાં કોઈ પણ નેતા નારાજ નથી, બધા જ નેતા ખુશ છે. બીજેપીનું શીર્ષ નેતૃત્વ જે કંઈ સૂચના આપશે એનું પાલન પ્રધાન હોય કે વિધાનસભ્ય, બધા લોકો બીજેપીના સૈનિક તરીકે જે સૂચના મળશે અને જે કામગીરી સોંપવામાં આવશે એ કરશે.’

shailesh nayak gujarat cm gujarat news gujarat national news