30 June, 2025 08:52 AM IST | Bhuj | Gujarati Mid-day Correspondent
શાળાનાં બાળકો સાથે ભૂપેન્દ્ર પટેલે તસવીર ખેંચાવી હતી.
ગુજરાતમાં ભારત-પાકિસ્તાનની સરહદે કચ્છમાં આવેલા પહેલા ગામ કુરનમાં પહોંચીને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો અને કચ્છને ખાતરી આપી હતી કે કચ્છમાં ૪૧૦૦ શિક્ષકોની ભરતી થશે. તેમણે કચ્છના કુરન ગામમાં રાત્રિ-રોકાણ કરીને ગ્રામજનો સાથે વાર્તાલાપ કર્યો હતો.
ભૂપેન્દ્ર પટેલે રાત્રે ગ્રામજનો સાથે વાર્તાલાપ કર્યો હતો.
ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે કુરન ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. તેમણે કચ્છ જિલ્લાના ૧૦૭.૬૦ કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસ-કાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ સરહદી ગામ એવા કચ્છના કુરનમાં બાળકોની આંગળી પકડીને તેમને હરખભેર શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત તેમણે નવનિર્મિત પ્રાથમિક શાળાના ભવનનું લોકાર્પણ કરીને વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠિ કરી હતી અને શાળામાં નિયમિત આવવા માટે કહ્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે સભામાં કહ્યું હતું કે ‘કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે ૪૧૦૦ શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે. આ શિક્ષકો કચ્છમાં રહીને પોતાની ફરજ બજાવશે. માત્ર શાળામાં પ્રવેશ મેળવવો પૂરતો નથી, પરંતુ અભ્યાસ પૂર્ણ કરવો એ પણ એટલું જ જરૂરી છે. આજની દરેક સમસ્યાનું સમાધાન શિક્ષણમાં જ છે.’
વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાત લીધી ભૂપેન્દ્ર પટેલે
ભૂપેન્દ્ર પટેલે ખાવડા પાસે આકાર લઈ રહેલા વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાત લઈને વિવિધ કંપનીઓના અધિકારીઓ સાથે સમીક્ષા-બેઠક કરી હતી. તેમણે અદાણી સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમમાંથી સોલર અને પવન ઊર્જાના ગ્રીનગ્રોથની ઝલક ઝીલીને પ્રગતિ હેઠળના કામની સમીક્ષા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર ૨૦૨૦માં ખાવડા પાસે આર. ઈ. પાર્કનું ભૂમિપૂજન કર્યું હતું. અંદાજે ૮૦૦ સ્ક્વેર કિલોમીટરમાં નિર્માણાધીન આ પાર્કમાં વર્ષ ૨૦૨૮ સુધીમાં ૩૭ ગીગાવોટ ૧૦૦ ટકા પર્યાવરણ અનુકૂળ વીજળી-ઉત્પાદનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પાર્કમાંથી દેશનાં અંદાજે ૧ કરોડ ૮૫ લાખ ઘરને વર્ષ ૨૦૨૮ સુધીમાં વીજળી મળશે. હાલમાં આ પાર્કમાંથી પાંચ ગીગાવોટ વીજ-ઉત્પાદન થઈ રહ્યું છે. જેનાથી વિવિધ સબસ્ટેશનો દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રનાં અંદાજે પચીસ લાખ ઘર સુધી વીજળી પહોંચી રહી છે.