21 October, 2025 12:05 PM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
પૌત્ર સાથે સામાન્ય માણસની જેમ બજારમાં ફરીને ખરીદી કરતા ભૂપેન્દ્ર પટેલની સાદગી ઉપસ્થિત સૌકોઈને સ્પર્શી ગઈ હતી.
દીપાવલીનું પર્વ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે ઘરે-ઘરે દાદા–દાદીની આંગળી પકડીને પૌત્ર-પૌત્રીઓ બજારમાં જઈને ફટાકડા, દીવાઓ, રંગોળી સહિતની વસ્તુઓ હોંશભેર ખરીદતાં હોય છે ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ સામાન્ય વ્યક્તિની જેમ તેમના પૌત્રની સાથે ગાંધીનગરમાં સેક્ટર ૨૧ના માર્કેટમાં પહોંચી જઈને ફેરિયા પાસેથી દીવા અને રંગોળીની ખરીદી કરી હતી. પૌત્રએ દાદા સાથે બજારમાં સેલ્ફી લીધો હતો અને ખુશી વ્યક્ત કરી હતી. ભૂપેન્દ્ર પટેલે ફેરિયાઓ પાસેથી દીવા અને રંગોળીની ખરીદી કરીને જનતાને સ્વદેશી સાથે લોકલ ફૉર વોકલનો મેસેજ આપ્યો હતો એટલું જ નહીં, ભૂપેન્દ્ર પટેલે ફેરિયાઓ સાથે વાતચીત કરી હતી અને દિવાળી પર્વની શુભકામના પાઠવી હતી. પૌત્ર સાથે સામાન્ય માણસની જેમ બજારમાં ફરીને ખરીદી કરતા ભૂપેન્દ્ર પટેલની સાદગી ઉપસ્થિત સૌકોઈને સ્પર્શી ગઈ હતી.
જૂની દિલ્હીના કંદોઈની દુકાનમાં રાહુલ ગાંધીએ ઇમરતી બનાવી
ગઈ કાલે કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીએ અનોખા અંદાજમાં દિવાળી મનાવી હતી. તેઓ દિલ્હીના ફેમસ ઘંટેવાલા સ્વીટ શૉપમાં ગયા હતા. લોકો સાથે વાતચીત કરતાં-કરતાં તેમણે ઇમરતી અને બેસનના લાડુ બનાવવા પર હાથ અજમાવ્યો હતો.