કાળ ચોઘડિયામાં ઊંધા ફેરા ફરીને લગ્ન જાનૈયાઓનો ઉતારો સ્મશાનમાં

18 April, 2024 07:12 AM IST  |  Mumbai | Shailesh Nayak

સૌરાષ્ટ્રના એક ગામમાં ગજબ ઘટના બની : રૂઢિગત માન્યતાઓ તથા અંધશ્રદ્ધા અને ભૂતપ્રેત જેવા વહેમોનો હડસેલવાનું પ્રયોજનઃ ભારતના બંધારણના શપથ લઈને થયાં લગ્ન, કન્યાપક્ષના લોકોએ કાળાં કપડાં પહેરીને અને ભૂતપ્રેતનાં મહોરાં સાથે કર્યું સામૈયું

ભૂતપ્રેતની વેશભૂષા અને કાળાં કપડાંમાં ઉપસ્થિત લોકો વચ્ચે કન્યા પાયલ અને વરરાજા જયેશ

અંધશ્રદ્ધા, ભૂતપ્રેત, સારાં-ખરાબ ચોઘડિયાં, લગ્નમાં કાળાં કપડાં નહીં પહેરવા જેવી માન્યતાઓને હડસેલીને સમાજમાં ઉદાહરણ બેસાડવા માટે ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી ગઈ કાલે રામોદ ગામમાં પાયલ અને જયેશનાં થયાં અનોખી રીતે લગ્ન સૌરાષ્ટ્રમાં કોટડાસાંગાણી પાસે આવેલા રામોદ ગામમાં ગઈ કાલે પાયલ રાઠોડ અને જયેશ સરવૈયાએ કાળ ચોઘડિયામાં ઊંધા ફેરા ફરીને વિશ્વાસ ન બેસે અને અચરજ થવા સાથે હેં બોલાઈ જવાય એવી રીતે લગ્ન કર્યાં હતાં અને લગ્નમાં કન્યાપક્ષ અને વરપક્ષના સૌકોઈ ઉત્સાહ સાથે સહભાગી થયા હતા. અંધશ્રદ્ધા, ભૂતપ્રેત, સારાં-ખરાબ ચોઘડિયાં, લગ્નમાં કાળાં કપડાં ન પહેરવાં જોઈએ જેવી માન્યતાઓને હડસેલીને સમાજમાં ઉદાહરણ બેસાડવા માટે ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી અનોખી રીતે લગ્ન થયાં હતાં.

રામોદ ગામે થયેલાં આ લગ્નમાં ગામના સ્મશાનમાં જાનૈયાઓને ઉતારો આપવામાં આવ્યો હતો, ભારતના બંધારણના શપથ લઈને વર-કન્યાએ લગ્ન કર્યાં હતાં, કન્યાપક્ષના લોકોએ કાળાં કપડાં પહેરીને ભૂતપ્રેતનાં મહોરાં સાથે જાનૈયાઓનું સામૈયું કરીને એક નવો ચીલો ચાતરવાનો પ્રયાસ કર્યો હતો.

એક પિતા તરીકે પોતાની દીકરીનાં આ રીતે લગ્ન કરાવવા પાછળનું કારણ જણાવતાં દીકરીના પિતા મનસુખ રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દીકરીનાં લગ્ન સારી રીતે થયાં છે, મુરત-ચોઘડિયાથી જ લગ્ન સારાં ન થાય, લગ્ન સારા વિચારોથી થાય છે. કુરિવાજોથી માણસો જકડાઈ ગયા છે, મુરત-ચોઘડિયાથી, સારી-ખોટી જગ્યા, ભૂતપ્રેતથી લોકો જકડાઈ ગયા છે ત્યારે એ ઉદાહરણ પૂરું પાડવું હતું કે આવું કંઈ હોતું નથી. સવારે જાન આવી ત્યારે મારી દીકરી અને અમે બધાએ કાળાં વસ્ત્રો પહેર્યાં હતાં, જાનૈયાઓને સ્મશાનમાં ઉતારો આપ્યો હતો અને કાળ ચોઘડિયામાં ઊલટા ફેરા ફેરવીને તેમ જ બંધારણના શપથ લઈને લગ્ન કર્યાં હતાં.’

અમારા વિચાર સાથે અમારા વેવાઈ મુકેશભાઈ અને જમાઈ જયેશકુમાર સહિત તેમનો પરિવાર સહમત હતો અને તેઓ પણ આ રીતે લગ્ન કરવા માટે સંમત થયા હતા. આ લગ્નમાં ભારત જન વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ સહકાર આપ્યો હતો. - કન્યાના પિતા મનસુખ રાઠોડ

કુરિવાજોમાં અમે માનતાં નથી. કાળા, પીળા કલર એ તો કલર જ હોય છે, પણ આપણા વિચારો સ્પષ્ટ અને સારા હોવા જોઈએ. આ રીતે લગ્ન થાય છે એ મને સારું લાગી રહ્યું છે અને સમાજને એક મેસેજ આપવા માગું છું કે ચોઘડિયા, મુહૂર્ત વગેરેમાં ન માનો. - કન્યા પાયલ રાઠોડ

અમે આ રીતે લગ્ન કરવા માટે પહેલાં વિચાર્યું નહોતું, પરંતુ મારા સસરાએ કહ્યું એ પછી અમે વિચાર્યું કે અંધશ્રદ્ધા દૂર થવી જોઈએ, કુરિવાજો દૂર થવા જોઈએ અને એક મેસેજ પણ સમાજમાં આપી શકાય કે આવું માનવાની જરૂર નથી. - વર જયેશ સરવૈય

saurashtra gujarat india offbeat news gujarat news shailesh nayak