18 August, 2026 10:21 AM IST | Somnath | Gujarati Mid-day Correspondent
સોમનાથ મહાદેવની પાલખીયાત્રા યોજાઈ હતી.
પવિત્ર શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ગઈ કાલે વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં શિવભક્તોનો મહાસાગર ઊમટ્યો હતો. સાંજે ૬ વાગ્યા સુધીમાં ૧.૪૩ લાખ દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
૫૭,૦૦૦+ - આહુતિઓ મહામૃત્યંુજય યજ્ઞમાં અર્પણ થઈ
૭૩ - સોમેશ્વર પૂજા થઈ
૯૩૭ - રુદ્રાભિષેક થયા
૩૨ - પાઠાત્મક લઘુરુદ્ર થયા
રવિવારની મધરાતથી જ શ્રદ્ધાળુઓ સોમનાથ મંદિરના દરવાજે એકઠા થયા હતા. વહેલી પરોઢે ૪ વાગ્યે મંદિરનો દરવાજો ખૂલતાં દર્શનાર્થીઓએ દેવાધિદેવ સોમનાથ મહાદેવનાં દર્શન કરવા દોટ લગાવી હતી અને સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં હતાં. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરીએ પાલખીપૂજા કરીને ઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખીયાત્રા કાઢવામાં આવી હતી જેમાં અગણિત ભક્તો જોડાયા હતા. સોમનાથ મહાદેવ મંદિરમાં ધ્વજાપૂજાએ અત્યાર સુધીના વિક્રમ પાર કર્યા છે. આ વખતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ૯૧ ધ્વજાપૂજા કરવામાં આવી હતી. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિવિધાનથી ધ્વજાપૂજા કરીને શિવભક્તોએ ધન્યતા અનુભવી હતી.